મેલબોર્ન
ટેસ્ટમાં કારમા પરાજય સાથે ભારત ઓસ્ટ્રેલિયાની ધરતી પર શ્રેણી જીતની હેટ્રિક નહીં કરી
શકે એ નક્કી થઇ ગયું છે. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ પ્રવાસની શરૂઆત શાનદાર
રીતે કરી હતી. પર્થમાં હારની બાજી જીતમાં પલટાવી એ પછી એડીલેડમાં પિન્ક બોલ ટેસ્ટમાં
સજ્જડ હાર મળી. ત્રીજી ટેસ્ટમાં પણ પરાજયના વાદળ વિખેરીને રોમાંચક ડ્રો કરવામાં સફળતા
મળી. અલબત્ત મેલબોર્ન ટેસ્ટમાં બોલરોના વળતા આક્રમણ પછી ભારત મેચ બચાવી શકે કે જીતી
શકે એવી સંભાવના થોડે અંશે ઊભી થઇ, પણ બેટ્સમેનોની નિષ્ફળતા અને બેજવાબદારભરી રમતને
લીધે સજ્જડ હાર ખમવી પડી.
બોર્ડર-ગાવસ્કર
ટ્રોફી માટેની?શ્રેણીનું એશિઝ જેટલું જ મહત્ત્વ છે. વિશ્વ પ્રસિદ્ધ ખેલાડીઓની બનેલી
આપણી ટીમ ન જીતી શકે એ વાતમાં કોઇ માલ નથી એ ખરું, પણ આધારભૂત બેટ્સમેનો સતત ને સતત
નિષ્ફળ જાય તો કોઇ ટીમ નાલેશીમાંથી બહાર આવી ન શકે. આ આખી શ્રેણી પેસ બોલર જસપ્રીત
બૂમરાહની ભવ્ય ઝડપી બોલિંગ માટે યાદ રખાશે, તો કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને
રિષભ પંતની નિષ્ફળતાની અણગમતી યાદ આપી ગઇ છે. શ્રેણીમાં 7 દાવમાં વિરાટે 167 રન બનાવ્યા
છે ને રોહિત શર્માએ ત્રણ ટેસ્ટની પાંચ ઇનિંગ્સમાં માત્ર 31 રન કર્યા છે. બોલિંગમાં પણ સઘળો ભાર બુમરાહના ખભા પર છે. તેણે 4 ટેસ્ટમાં
30 વિકેટ લીધી છે. ભારતના બાકીના બોલરોની કુલ વિકેટોનો સરવાળો 29 થાય છે.
રોહિત
ધરખમ બેટ્સમેન છે, મેચ વિનર ખેલાડી... આખી શ્રેણીમાં બે આંકમાં પહોંચવા માટે ઝઝૂમતો
દેખાયો. એવું જ વિરાટ માટે કહી શકાય. સચિન તેંડુલકર પછીના સૌથી શાનદાર બેટ્સમેન વિરાટે
એક સદી નોંધાવ્યા છતાં ઓફ સ્ટમ્પની બહાર જતા દડા સાથે છેડછાડ કરવામાં સતત વિકેટની ભેટ
ધરતો રહ્યો છે. આ બંને ખેલાડી આકરી ટીકાનું નિશાન બની રહ્યા છે. દિગ્ગજ ક્રિકેટર સુનીલ
ગાવસ્કર અને રવિ શાત્રીએ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે કે, કંગાળ ફોર્મના આધારે રોહિત કેપ્ટન તો ઠીક બેટ્સમેન
તરીકે પણ ઇલેવનમાં સ્થાન મેળવવાનો હક્કદાર નથી. રોહિત નિવૃત્તિ લેશે ? ક્રિકેટ નિષ્ણાતોનો એક મત એવો છે કે, ટી-ટ્વેન્ટી
ક્રિકેટના પ્રભાવમાં ખેલાડીઓ ટેસ્ટ મેચને અનુરૂપ ધૈર્યભરી રમત વિસરી ગયા છે. રિષભ પંત
પ્રતિભાશાળી છે. ઇનોવેટીવ શોટ્સથી રન બનાવવાની તેની સ્ટાઇલ પ્રેક્ષકોને પસંદ પડતી હશે,
પરંતુ મેચની પરિસ્થિતિ સમજી શકે એવી પરિપક્વતાની અપેક્ષા પંત પાસે રહે જ. મેલબોર્ન
ટેસ્ટના પહેલા દાવમાં પંતના બિનજરૂરી ફટકાએ
ધબડકો નોતર્યો અને બીજા દાવમાં પણ પંત ઊંચો ફટકો મારવાના પ્રયાસમાં કેચ આપી બેઠો અને ભારતે મેચ ગુમાવવી પડી. ભારતની
ટીમમાં સ્થાન મેળવવું એ બહુ મોટી વાત છે. દેશ તરફથી આટલું સન્માન મળે તો દેશનું ગૌરવ,
કરોડો ક્રિકેટચાહકોની લાગણીનો ખેલાડીઓએ ખ્યાલ રાખવો રહ્યો. શ્રેણીની પાંચમી અને અંતિમ
ટેસ્ટનો ત્રીજી જાન્યુઆરીથી સિડનીમાં પ્રારંભ થશે. ભારતે વળતો હુમલો કરીને કોઇપણ ભોગે
જીત સાથે ટેસ્ટ શ્રેણી 2-2થી સરભર કરવી રહી. ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન ન
મળવું નિરાશાજનક હશે, પણ સિડનીની જીતથી ઘાવ પર મલમપટ્ટો જરૂર થઇ શકશે.