• મંગળવાર, 07 જાન્યુઆરી, 2025

રાજ્યકક્ષાના ખેલમહાકુંભ-3ને આજે મુખ્યમંત્રી રાજકોટથી ખુલ્લો મુકશે

મુખ્યમંત્રીનું બપોરે 3થી રાત્રીના 10 સુધીનું રાજકોટમાં રોકાણ

 

રાજકોટ, તા.3 : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ આવતીકાલ તા.4ને શનિવારે સાંજે 5:30 કલાકે રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સ્પોર્ટસ એથ્લેટીકસ ગ્રાઉન્ડ ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થનાર છે. આ સાથે મુખ્યમંત્રી અન્ય પાંચ કાર્યક્રમમાં પણ હાજરી આપવાના છે. કાર્યક્રમ સંદર્ભે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આજે સવારે અધિકારીઓ સાથે યુનિવર્સીટીના એથ્લેટીકસ ગ્રાઉન્ડ ખાતે સંબંધીત અધિકારીઓ-કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે બપોરે 3 કલાકે ખાસ એરક્રાફટમાં હિરાસર એરપોર્ટ ખાતે આવી પહોંચશે. ત્યાંથી સીધા હેલીકોપ્ટર મારફતે પ્રાંસલા પહોંચી રાષ્ટ્રકથા શિબીરમાં હાજરી આપશે. પ્રાંસલાથી હેલીકોપ્ટર મારફતે 5 કલાકની આસપાસ નિકળી 5:25 કલાકે રાજકોટના જૂના એરપોર્ટ પર પહોંચશે. જ્યાંથી બાય રોડ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના એથ્લેટીકસ ગ્રાઉન્ડ ખાતે પહોંચી રાજ્યકક્ષાના ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે. મુખ્યમંત્રી પટેલ સાથે રાજ્યના ગૃહ અને રમત ગમત વિભાગના મંત્રી હર્ષ સંઘવી પણ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે.

ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત રેકોર્ડબ્રેક કુલ 71,30,834 રજિસ્ટ્રેશન થયા છે. અંડર-9 કેટેગરીથી માંડીને અબોવ-60 કેટેગરી સુધી મળીને વિવિધ 7 વયજુથના ખેલાડીઓ વિવિધ 39 રમતોમાં ભાગ લેશે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રમતવીરોને રૂ.5 લાખથી માંડીને રૂ.10 હજાર સુધીના રોકડ પુરસ્કાર આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ.45 કરોડના રોકડ પુરસ્કાર તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ પ્રથમ, દ્રિતિય અને તૃતિય ક્રમે વિજેતા થનાર ખેલાડીઓને આપવામાં આવશે.

ખેલ મહાકુંભ 3.0ના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી પટેલના હસ્તે ખેલ મહાકુંભ 2.0ની રાજ્યકક્ષાની શ્રેષ્ઠ 3 શાળા જેમાં પ્રથમ શ્રેષ્ઠ શાળા ગજેરા વિદ્યાભવન સ્કુલ, કતારગામ, સુરત, દ્વિતીય શ્રેષ્ઠ શાળા એસ.આર.હાઇસ્કુલ દેવગઢ બારીયા, દાહોદ અને તૃતીય શ્રેષ્ઠ શાળા નોલેજ  હાઈસ્કુલ, નડીયાદને રોકડ-પુરસ્કાર અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવશે. તેવી જ રીતે ખેલ મહાકુંભ 2.0ના રાજ્યકક્ષાના શ્રેષ્ઠ 3 જિલ્લાઓ જેમાં ઓવરઓલ સ્ટેટ ચેમ્પિયન ખેડા જિલ્લો, સ્ટેટ રનર્સઅપ દાહોદ જિલ્લો અને સ્ટેટ સેકન્ડ રનર્સ અપ બનાસકાંઠા જિલ્લાને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત ખેલ મહાકુંભ 2.0ની રાજ્યકક્ષાની શ્રેષ્ઠ 3 મહાનગરપાલિકાઓ જેમાં ઓવરઓલ સ્ટેટ ચેમ્પિયન સુરત મહાનગરપાલિકા, સ્ટેટ રનર્સઅપ અમદાવાદ મહાનગરપાલિકા અને સ્ટેટ સેકન્ડ રનર્સ અપ વડોદરા મહનગરપાલિકાને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવશે.

ખેલ મહાકુંભ 3.0ના ઉદ્ઘાટન સમારંભ બાદ મુખ્યમંત્રી 6:45 કલાકે રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલા ધીરગુરૂ મેડીકલ કોમ્પલેક્ષ ખાતે પહોંચી હાઈડ્રોલીક એનીમલ એમ્બ્યુલન્સનું ઉદ્ઘાટન કરશે. ત્યાંથી નિકળી રોયલ સેફ્રોન પાર્ટીપ્લોટ કાલાવડ રોડ ખાતે આયોજિત રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલનમાં 7 કલાકે હાજરી આપશે. જે બાદ તેઓ રાત્રીના 8:20 કલાકે ડો.ભરત બોઘરાના નિવાસસ્થાને રાત્રી ભોજન લેશે. બાદમાં યુનિટી ફાઉન્ડેશન આયોજિત 81 દિકરીઓના સમૂહલગ્ન અંતર્ગત આયોજિત લોકડાયરામાં રાત્રીના 9 કલાકે હાજરી આપશે અને દિકરીઓને આશીર્વાદ આપશે. જે બાદ તેઓ 9 કલાકે બાયરોડ હિરાસર એરપોર્ટ પર પહોંચી ત્યાંથી સ્ટેટ એરક્રાફટમાં અમદાવાદ જવા રવાના થશે.

ઇ-પેપરના નવા શુલ્ક