નવા
વર્ષના સ્વાગત માટે ઉત્સુક વિશ્વ આજે ઉત્સાહિત થઈ તેનું સ્વાગત કરી રહ્યું છે. વીતેલું
વર્ષ સમગ્ર વિશ્વ માટે વિકટ રહ્યું છે. વિવાદ અને વિખવાદના પરિણામે વિશ્વયુદ્ધ ફાટી
નીકળવાની આશંકા-ભીતિ હતી. હજી વાદળ વિખરાયાં નથી પણ વિશ્વના નેતાઓ શાંતિનો સંદેશો આપે
અને વિશ્વાસ પણ આપે એવી આશા-અપેક્ષા સાથે નૂતન વર્ષ 2025ને વધાવીએ. સુખ અને સમૃદ્ધિ
માટે શાંતિ અનિવાર્ય છે. 2024ના વર્ષે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ઘણાં દેશોમાં સરકાર અને
શાસકોમાં પરિવર્તન થયાં છે ત્યારે ભારતમાં સતત ત્રીજી વાર ભારતે સુશાસન અને રાજકીય
સ્થિરતાનો સંદેશ આપ્યો છે. એટલું જ નહીં, સમયાંતરે વિશ્વના વિભિન્ન રાજકીય અને વ્યવસાયિક
દિગ્ગજોએ જે રીતે ભારતની ગૌરવગાથાની નોંધ લીધી છે, તેનાથી પણ વૈશ્વિક ક્ષિતિજ પર બ્રાન્ડ
મોદીની છાપ પડી છે.
રાજકીય
દૃષ્ટિએ જોઈએ તો 2024નું વર્ષ ખૂબ મહત્ત્વનું રહ્યું. મોદી સરકાર જ્યારે ત્રીજી વખત
સામાન્ય ચૂંટણીજંગમાં ઉતરી ત્યારે ભારત ઉપર વિશ્વભરનું લક્ષ્ય હતું. વિપક્ષે સત્તાવિરોધી
લહેર પરાકાષ્ઠાએ હોવાનું ચિત્ર દાખવવાના ભરચક પ્રયાસો કર્યા પણ તે બેઅસર રહ્યા અને
મોદીએ વડા પ્રધાન તરીકે ત્રીજી વેળા શપથ લીધા. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા
અને પોલૅન્ડ સહિત અનેક દેશોમાં સત્તા પરિવર્તન થયું. હાલનાં વર્ષોમાં અૉસ્ટ્રેલિયા,
ઈટલી, પાકિસ્તાન, ઈઝરાયલ, બ્રાઝિલ, આર્જેન્ટિના અને જાપાન જેવા દેશોમાં પણ રાજકીય અસ્થિરતા
જોવા મળે છે.
નરેન્દ્ર
મોદીએ અનેક પહેલ શરૂ કરી છે જે હંમેશાં યાદ રહેશે. જેમાં નેશનલ ક્રિએટર્સ એવૉર્ડ, ડિજિટલ
પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર યુનાઈટેડ નેશન્સની પ્રથમ ઈન્ટરનેશનલ કૉન્ફરન્સ, ભારતમાં
પહેલીવાર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠક, અૉલ ઇન્ડિયા ઈન્સ્ટિટયૂટ અૉફ આયુર્વેદની
પહેલી ઈન્ટરનેશનલ કૉન્ફરન્સ, આઈસીએ ગ્લૉબલ કો-અૉપરેટિવ કૉન્ફરન્સ અને પ્રથમ એશિયન બુદ્ધિસ્ટ
સમિટનું આયોજન, ભારતનો પહેલો એક્સ-રે પોલરીમીટર સેટેલાઈટ, ખાનગી ક્ષેત્રનો પ્રથમ મિલિટરી
ઍરક્રાફ્ટ પ્લાન્ટ, પહેલી મિલિટરી સ્પેસ એક્સ-રે લાઈન ‘અંતરિક્ષ અભ્યાસ’, લાંબી રેન્જની
પહેલી હાઈપર સોનિક મિસાઈલ, જમ્મુ-કાશ્મીર સુધી પહેલી ઈલેક્ટ્રિક ટ્રેન, રેલવેનો પહેલો
ફ્લોટિંગ સોલર પ્લાન્ટ, મેઇક ઇન ઇન્ડિયા અંતર્ગત પહેલી ડ્રાઇવરરહિત મેટ્રો, પહેલી વંદે
મેટ્રો, પ્રથમ મલ્ટિપર્પઝ વેસલ ‘સમર્થક’ જેવી સિદ્ધિઓ પણ 2024ના કૅલેન્ડરમાં નોંધાઈ
છે.
લોકસભાની
ચૂંટણીથી લઈ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં રાજકારણમાં એક નવા ઇતિહાસની નોંધ થઈ છે અને
ઘણાંના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન ઊભાં કર્યાં છે. રાજકારણમાં રાજકીય પડકારો ઊભા કર્યા
છે.
મહારાષ્ટ્રમાં
મહાયુતિની સરકાર માટે વિજય માટે કપરાં ચઢાણ જણાતાં હતાં, પણ મતદારોએ વિધાનસભામાં ભાજપના
ઝંડા હેઠળ મહાયુતિના હાથમાં સફળતાની વિક્રમી પતાકા આપી. અનેકોને મહાયુતિનો આ વિજય નહીં
પચ્યો, કેટલાકને તો અશક્ય જણાયો અને ઘણાંના રાજકીય ભવિષ્ય પર જ પ્રશ્નચિહ્ન ઊભાં કર્યાં.
એટલે જ મહારાષ્ટ્રની સત્તાનાં સ્વપ્ન જોનારા નેતાઓને જોરદાર આંચકા આપી નવું ગણિત માંડવા
લાચાર કરનારું ઠર્યું છે. 2025માં તેના પ્રત્યાઘાત પડશે.
કાશ્મીરને
વિશેષ દરજજો આપતી કલમ 370 રદ થયા પછી પ્રથમ ચૂંટણીમાં ભાજપને સત્તા મળવાની અપેક્ષા
હતી, પણ એવું બન્યું નહીં. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપને અપેક્ષિત સત્તાએ
હાથતાળી આપી. તો હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભલભલા પંડિતો અને જ્યોતિષીઓની આગાહી ખોટી
પાડીને જનતાએ ભાજપના હાથમાં સત્તા સુપરત કરી છે. દિલ્હીના માજી મુખ્ય પ્રધાન અરવિંદ
કેજરીવાલને સમયે આપેલો મોટો આંચકો વીતેલા વર્ષમાં સૌથી મોટી ઘટના હતી. અનૈતિક રાજકારણના
ઠપકા સાથે કેજરીવાલનો તિહારમાંનો જેલવાસ, ત્યાંથી બહાર આવી તેમણે મુખ્ય પ્રધાન પદનું
આપેલું રાજીનામું અને નવા જનાધાર માટે તેમણે શરૂ કરેલા રાજકારણમાંથી દિલ્હીના રાજકારણ
સમક્ષ અનેક નવા પ્રશ્ન ઊભા થયા છે. ઝારખંડે પણ આવા જ સમયની પરીક્ષા જોઈ હતી. ઝારખંડમાં
માજી મુખ્ય પ્રધાન હેમંત સોરેન માટે કહેવાતા ભ્રષ્ટાચારના આરોપોને લઈ જેલમાં જવાનો
વખત-સમય આવ્યો હતો. પણ ત્યાં ચૂંટણી થઈ અને ફરી સત્તા સંપાદન કરીને સોરેને મુખ્ય પ્રધાન
પદ મેળવ્યું.
2019ની
લોકસભા ચૂંટણીમાં અમેઠી મતદાર ક્ષેત્રથી રાહુલ ગાંધીને પરાજય સહેવો પડયો હતો. તે પછી
પાંચ વર્ષ રાહુલ ગાંધીની પૂરેપૂરી કસોટી થઈ અને વીતેલા વર્ષમાં ફરી આજ મતદાર ક્ષેત્રથી
રાહુલ ગાંધીની લોકસભામાં એન્ટ્રી થઈ. આ વિજયને લઈ રાહુલ ગાંધીનું કૉંગ્રેસ પરનું વર્ચસ્વ
ફરી સ્થાપિત થવાની આશા જાગી છે. હવે લોકસભામાં તેમની સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી
વડરાએ પણ પદાર્પણ કર્યું છે. શક્તિશાળી વિપક્ષની હરોળ હોવા છતાં હજુ રાહુલ ગાંધીની
વિપક્ષી નેતાપદ પરની કારકિર્દી અંગે ચુકાદો આપવાની જવાબદારી નવા વર્ષને સોંપી 2024એ
વિદાય લીધી છે.
રાજકારણ
સાથે, સમાજકારણ પર પ્રભાવ પાડતી અનેક રાજકીય ઘટનાક્રમોની વિતેલા વર્ષે નોંધ લીધી છે.
મોદી સરકારની કલ્યાણકારી યોજનાઓએ વિશ્વમાં રસ જગાવ્યો છે. દેશનું અર્થતંત્ર, સામાજિક
કલ્યાણ યોજના અને પાયાભૂત સુવિધાઓનો વિકાસ એવી ઐતિહાસિક પ્રગતિની નોંધ નવા વર્ષે લેવી
રહી. ઇન્ડિયન પીનલ કોડનું માળખું બદલીને કાયદાને માનવતા સ્પર્શ આપતી ન્યાય સંહિતા અસ્તિત્વમાં
લાવનાર ઐતિહાસિક ક્ષણ વીતેલા વર્ષે અનુભવી છે. સૌરઊર્જા દ્વારા ઘેરઘેર પ્રકાશનું અજવાળું
કરનારી સૂર્યઘર યોજના એ વીતેલા વર્ષે ભારતને આપેલી અનોખી ભેટ ઠરનાર છે. દરેકને માથા
પર છાપરું આપવાની મહત્ત્વાકાંક્ષી યોજનાનો શિલાન્યાસ પણ વીતેલા વર્ષમાં થયો છે. હવે
આમઆદમીની નજર નવા વર્ષ પર સ્થિર થઈ છે. ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે આજે નવા વર્ષનો પ્રથમ
દિવસ ઊગી રહ્યો છે. નવા વર્ષની સૌને શુભેચ્છા.