ભારતના અર્થતંત્રને પાંગળું બતાવવાની કોઈપણ તક જતી ન કરતા અમુક વિપક્ષી નેતાઓ અને અમેરિકાનાં અમુક વગદાર વર્તુળોને બ્રિટિનના વડા પ્રધાન કીર સ્ટાર્મરે મુંબઈમાં આડકતરી રીતે જડબાંતોડ જવાબ આપી દીધો છે. બે દિવસની મુલાકાતે આવેલા બ્રિટિશ વડા પ્રધાને ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે દ્વિપક્ષીય બેઠકમાં પરસ્પર સહયોગ વધારવાનાં શ્રેણીબદ્ધ પગલાં પર સંમતિ સાધવાની સાથોસાથ ભારત સાથેની ભાગીદારીને વિકાસના લોંચપેડ સમાન ગણાવી હતી. ચાવીરૂપ પ્રતિનિધિમંડળ સાથે મુંબઈ આવેલા બ્રિટિશ વડા પ્રધાને ભારત સાથે વેપાર, શિક્ષણ અને ટેક્નૉલૉજીનો સહયોગ વધારવા સહમતી સાધી છે. મોદી સાથેની બેઠક દરમિયાન બન્ને દેશે નવા વેપાર કરારનો જલદી અમલ કરાવવા માટે પણ ચર્ચા કરી. હવે બ્રિટન તેની નવ યુનિવર્સિટીના ભારતમાં કૅમ્પસ ખોલી શકશે. આમ બન્ને વડા પ્રધાન દ્વિપક્ષીય સંબંધને નવી ઊંચાઈએ પહોંચાડવા કામે લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગયા જુલાઈ મહિનામાં મોદી બ્રિટન ગયા હતા ત્યાં પણ દ્વિપક્ષીય સહયોગ વધારવાની સહમતી સધાઈ હતી. સ્ટાર્મર તેમની સાથે તેમના દેશના ઉદ્યોગજગતના માંધાતાઓના પ્રતિનિધિમંડળને લઈને આવ્યા હતા. તેમણે ભારત સાથેની ભાગીદારીને ભારે મહત્ત્વપૂર્ણ ગણાવી હતી. ભારતીય વડા પ્રધાને બ્રિટનને સ્વાભાવિક ભાગીદાર ગણાવ્યું છે. બન્ને દેશ વચ્ચેની આ ઉચ્ચ સ્તરીય બેઠકના બે મહિના અગાઉ આર્થિક અને વેપાર સહકાર અંગેના વિસ્તૃત કરાર થયા હતા. હવે આ કરારનો ઝડપભેર અમલ કરવા એક સંયુક્ત સમિતિની રચના કરવાની મુંબઈમાં દ્વિપક્ષીય જાહેરાત કરાઈ છે. આ નવા વેપાર કરારથી બન્ને દેશને મોટો ફાયદો થશે એવી ગણતરી મંડાઈ રહી છે. આ કરાર હેઠળ બ્રિટનથી ભારતમાં આયાત થતી વસ્તુઓ પર હાલનો સરેરાશ ટેરિફ 1પ ટકાથી ઘટીને માત્ર ત્રણ ટકા થઈ જશે, તો ભારતથી બ્રિટન નિકાસ થતાં 99 ટકા ઉત્પાદનોને ટેરિફમુક્તિ મળી જશે. આ કરારના અમલથી વેપારીઓ અને ગ્રાહકો બન્નેને ફાયદો થશે. હાલ બન્ને દેશ વચ્ચે પ6 અબજ ડૉલરનો વેપાર છે જે 2030 સુધી બેગણો કરવાનું લક્ષ્ય રખાયું છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ચીન અને બાંગ્લાદેશના કાપડ પર ભારતની સરખામણીએ ઓછો ટેરિફ રાખ્યો હોવાને લીધે ભારતીય કાપડ ઉત્પાદનેની નિકાસમાં દસ ટકાનો ઘટાડો થઈ શકે છે. બ્રિટન સાથેના આ કરારથી નિકાસમાં આવનારી ઘટને સરભર કરી શકાશે એવી આશા રખાઈ રહી છે.