ગુજરાતના
રાજકીય ક્ષેત્રે ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટીની ભૂમિકા અત્યાર સુધી વધારે પડતી
નિર્ણાયક સાબિત થઈ શકી નથી પરંતુ તેને એક પરિબળ તરીકે તો છેલ્લી બે ચૂંટણીથી રાજકીય
વિશ્લેષકોએ સ્થાન આપ્યું છે. હવે નજીકના ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની- મહાનગરપાલિકાઓની
ચૂંટણી નજીક છે અને બે વર્ષ પછી વિધાનસભાનો સંગ્રામ પણ ફરી આવશે ત્યારે આપ લોકોને આકર્ષવા
સઘન પ્રયાસ કરી રહ્યો છે. અહીં આમ આદમી પાર્ટીનો ફુગ્ગો અત્યારે ફૂલાઈ રહ્યો છે. તે
ઊંચે જશે કે ફૂટી જશે તે સમય કહેશે. અત્યારે તો સૌરાષ્ટ્રના-ગુજરાતના રાજકારણમાં એક
શબ્દ અત્યંત પ્રચલિત છે, ‘િવસાવદર વાળી.’ એક સમયે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ જ્યાંથી
ચૂંટણી જીતતા તે બેઠક ઉપરથી આજે આમ આદમી પાર્ટીના યુવાન ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા વિધાનસભા
ગૃહમાં પહોંચ્યા છે. વિસાવદરની ચૂંટણીના આટાપાટા તો જાણીતા છે. આ ચૂંટણી વધારે ઉલ્લેખનીય
એટલા માટે રહી છે કે ચોમેર ભાજપનો દબદબો છે તેની વચ્ચે, સરકાર ગુજરાતમાં ભાજપની છે
છતાં ગોપાલ ત્યાંથી ચૂંટણી જીત્યા હતા. કોંગ્રેસ કેટલાક પ્રયાસો, રાહુલ ગાંધીના પ્રવાસો
છતાં અહીં જીવંત નથી ત્યારે આમ આદમી પાર્ટીનું નામ ફરી રાજકીય ક્ષેત્રની સપાટી ઉપર
છે. જો કે ગુજરાતમાં આગળ વધવું હશે તો તેણે કાર્યપદ્ધતિમાં બદલાવ તો લાવવો પડશે.
ગયા
રવિવારે અને તેના આગળના દિવસે બોટાદમાં જે થયું તે ગંભીર છે. ખેડૂતોની સમસ્યા છે, તેને
વાચા આપવી તે રાજકીય પક્ષ તરીકે આપનું ઉત્તરદાયિત્વ પણ છે અને તેનો અધિકાર પણ છે પરંતુ
તેમાં આટલી બધી ઉગ્રતા શા માટે? પોલીસ સાથે ઘર્ષણ થાય પરંતુ પોલીસના વાહનો ઊંધા વાળી
દેવા સુધીનો ઉશ્કેરાટ! ગુજરાતમાં ભૂતકાળમાં
આંદોલનો થયાં છે પરંતુ તેમાં મુદ્દા અને નેતૃત્વ બન્ને યોગ્ય હતા. આંદોલનના નામે અરાજકતા-
એનાર્કી આ રાજ્યે ક્યારેય સહન કરી નથી. જો કે આમ આદમી પાર્ટીએ તો આ પ્રકરણ માટે ભાજપને
જવાબદાર ગણાવ્યો છે. 2015માં પાટીદાર અનામત આંદોલન થયું તેની અસર ભાજપને થઈ હતી પરંતુ
સત્તા પરિવર્તન ન થયું. પટેલ પ્રભુત્વવાળા વિસ્તારોમાં બેઠક કે મત ઘટયા. હાર્દિક પટેલને
સર્વસ્વીકૃતિ ન મળી તેનું એક કારણ એ પણ હતું કે 2002 પછી પ્રથમવાર ગુજરાતના લોકોએ આગજની
અને કફર્યૂના દૃશ્ય જોયા હતા. નુકસાનકારક આંદોલનો પસંદ ન કરનાર વર્ગ મોટો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પ્રજાની
વચ્ચે જઈને તેના પ્રશ્નો વિશે વાત કરે છે. જરૂર પડયે પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરે છે.
સભામાં કે માધ્યમો સામે અસરકારક બેલે છે.
આ બધી
બાબતો છતાંય ઉગ્ર આંદોલન કે ઉશ્કેરાટને પ્રજા નહીં સ્વીકારે. આપ જો પરિશ્રમ કરે, ખરા
અર્થમાં પ્રજાની સાથે રહે, તેના નેતાઓ કોઈ પ્રલોભનને, પદની લાલસાને વશ ન થાય તો તેના
માટે તક તો છે પરંતુ શાલીનતા સફળતાની પ્રથમ શરત રહેશે. ભાજપ બહાર ન દર્શાવે પરંતુ તે
ક્યારેય કોઈ સ્પર્ધકને હળવાશથી નથી લેતો. આપની અત્યારની સ્થિતિથી તેણે મંથન શરૂ કર્યું
જ હોય. ગુજરાત રાજ્ય સરકારની મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રને કેટલું મહત્વ મળે છે, કઈ જ્ઞાતિના
ધારાસભ્યોને પદ મળે છે તે પણ ભાજપની ગંભીરતાનો માપદંડ ગણી શકાશે. આપ નિષ્ઠા ચૂકે નહીં તે જરૂરી છે. ગુજરાતમાં પ્રજાના
પ્રશ્નો ભાજપની કેટલીક આંતરિક બાબતો એવી છે જે આપને ‘િવસાવદરવાળી’ કરવા તરફ લલચાવી
શકે પરંતુ તેના માટે તેણે પોતે પણ ઘણો સંયમ અને સંઘર્ષ કરવો રહ્યો. કોંગ્રેસના મત તોડવામાં
સફળ રહેલી આપ પોતાના મત વધારવામાં સફળ રહે છે કે નહી ંતે અગત્યનું છે.