આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) રોજગાર પર તરાપ મારશે એવા હાઉ વચ્ચે વિશાખાપટ્ટનમમાં આગામી પાંચ વર્ષમાં પંદર બિલિયન ડૉલરના ખર્ચે બનનારા એઆઈ હબ અનેક નોકરીઓનું સર્જન કરશે, એ સમાચાર ઉત્સાહજનક છે. અદાણી જૂથ અને ઍરટેલ સાથે મળી ગૂગલ આ એઆઈ હબ વિકસાવી રહ્યું છે, જે અમેરિકાની બહાર સૌથી મોટું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ડેટા સેન્ટર હશે. આ બાબત ભારતીય બજાર તથા આપણે કરેલા એઆઈના સ્વીકારનું પ્રતાબિંબ ઝીલે છે. હાલમાં જ ઓપન એઆઈના સીઈઓ સૅમ અૉલ્ટમેને કહ્યું હતું કે, વિશ્વમાં અત્યારે એક વિશાળ સમાજ છે જે એઆઈ સાથે કાયાકલ્પ માટે સૌથી ઉત્સાહિત લાગે છે અને તે છે ભારત. ગૂગલ માટે આ હબને કારણે એશિયા ક્ષેત્રમાં એઆઈના નક્કર હબ અને તંત્ર પર વ્યૂહાત્મક નિયંત્રણ મેળવવાનો લાભ છે, તો ભારત માટે પણ એઆઈના ક્ષેત્રમાં વધુ સબળ ખેલાડી બનવાની તક પૂરી પાડે છે.
યોગાનુયોગ
જુઓ, હાલમાં જ અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર ફિલિપ એઘિહોન, જોએલ મોકીર અને પીટર હોવિટને
મળ્યું છે અને તેમણે કરેલા અભ્યાસના કેન્દ્રમાં આધુનિક સમૃદ્ધિના એન્જિન તરીકે ટેક્નૉલૉજિકલ
નાવીન્યએ કરેલી કમાલ રહી હતી. એઆઈ ભવિષ્ય છે, એ તો જાણે સૌએ સ્વીકારી લીધું છે, પણ
તેના લાભ, નુકસાન અને જોખમોની સાથે તેના પર કોનું નિયંત્રણ છે અને કોનો સિક્કો ચાલે
છે એ બાબત પણ મહત્ત્વની બની રહેવાની છે. ભારતમાં એઆઈ હબ બનવાનું છે, એ બાબતથી એટલું
તો સ્પષ્ટ છે કે એઆઈ સંચાલિત વૈશ્વિક અર્થતંત્રમાં ભારતનાં વલણ અને ચલણ બન્નેનું વજન
પડવાનું છે. જોકે, ત્યાં સુધી પહોંચવા માટેનો પ્રવાસ લાંબો હશે. અત્યારે ભારતીય કંપનીઓ
એઆઈના ક્ષેત્રમાં ઉપરછલ્લી અને કાચી-પાકી કામગીરી કરી રહી છે, પણ ભવિષ્યમાં આ ચિત્ર
બદલાઈ જવાનું છે.
વડા
પ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિઝનની દિશામાં આ એક મોટું પગલું છે અને ગિગાવૉટ
સ્તરના આ ડેટા સેન્ટરની માળખાકીય સુવિધા ટેક્નૉલૉજીનું લોકતાંત્રિકીકરણ કરવાની દિશામાં
પણ અતિ મહત્ત્વની બાબત છે. ભારતીય મૂળના ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ વડા પ્રધાન મોદી
સાથે આ વિશે વાત કરી અને
ભારતીય
રૂપિયામાં આઠ હજાર કરોડથી વધુના આ પ્રોજેક્ટના મંડાણ થયા છે. જોકે, આમાં અદાણી જૂથનો
સહભાગ હોવાથી વિરોધી પક્ષો કાગારોળ મચાવશે, પણ વિકસિત ભારતની કલ્પનાને સાકાર કરતા આ
હબને કારણે 1.88 લાખ નવી નોકરીઓનું સર્જન થશે એ વાસ્તવિકતા પણ ધ્યાનમાં રાખવા જેવી
છે. આ સાથે જ દેશના આઈટી હાર્દસમા આંધ્ર પ્રદેશમાં આર્સેલર મિત્તલ, ભારત ફોર્જ તથા
બીપીસીએલે ડેટા સેન્ટર્સ, ટેક્નૉલૉજી અને ઊર્જા ક્ષેત્રે કરેલાં રોકાણો બાદ મોટું રોકાણ
આવ્યું છે. ભારત એઆઈ ક્રાંતિ માટે સજ્જ છે એનું આ સૌથી ઊજળું ઉદાહરણ છે.