• શનિવાર, 18 ઑક્ટોબર, 2025

દિલ્હી, પ્રદૂષણ તહેવાર અને ગુજરાતમાં જાહેરનામા

દિલ્હી ફરી એકવાર વધારે પ્રદૂષિત થઈ રહ્યું હોવાના અહેવાલ છે. આ મુદ્દો પ્રતિવર્ષ વધારે ગંભીર સ્વરૂપ પકડી રહ્યો છે. ઠંડીની ઋતુમાં સ્થિતિ વધારે ગંભીર થાય છે. ફરી એકવાર દિલ્હીમાં પ્રદૂષણ નિવારણ માટે ગ્રેપ-1 અમલી બનાવાયું છે જેમાં અનેક પ્રકારના નિયંત્રણનો સમાવેશ છે. દેશ દિવાળીની ઉજવણી માટે તૈયાર છે. ફટાકડા ફોડવાનો ઉત્સાહ છે પરંતુ સર્વોચ્ચ અદાલતથી લઈને સ્થાનિક પ્રશાસન પુન: આ બાબતે નનૈયો ભણી રહ્યાં છે. બે જ કલાક ફટાકડા ફોડવાના જાહેરનામાનો વિરોધ શરૂ થયો છે. જો કે તેનો અમલ અગાઉ પણ થયો નહોતો. આજે પણ શક્ય હોય તેમ લાગતું નથી. દિલ્હી જેવી સ્થિતિ ન થાય તે પણ જોવાનું છે, લોકલાગણી પણ ધ્યાને લેવાની છે.

દિલ્હી અને એનઆરસી તથા આસપાસના વિસ્તારમાં પ્રદૂષણની માત્રા વધી છે. હવા ઝેરીલી થઈ છે. એક્યુઆઈ 250થી પણ વધી ગયો છે. હરિયાણા, દિલ્હી અને આસપાસના રાજ્યો-વિસ્તારમાં દર વર્ષે આ સ્થિતિ ઊભી થતી હોવાના અનેક કારણ છે. પ્રદૂષણ નિયંત્રણ માટે દરેક સરકાર પોતાનાથી બનતા પ્રયાસ કરી ચૂકી છે. અત્યારે દિલ્હીમાં ગ્રેપ-1 (ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન)નો અમલ છે. જ્યારે પણ પ્રદૂષણની માત્રાનો આંક 200થી વધે ત્યારે તેનો અમલ થાય છે. જ્યાં ગ્રેપ લાગુ હોય ત્યાં જાહેરમાં પાંદડાં સળગાવવા ઉપર પ્રતિબંધ હોય છે. રસોઈ ઈત્યાદિમાં લાકડાંનો ઉપયોગ પ્રતિબંધિત છે. ડીઝલ જનરેટરથી લઈને કચરો સળગાવવા સુધીની બાબતો થઈ શકતી નથી.

દિલ્હીમાં આ સ્થિતિ અત્યંત વિકટ છે. બીજી તરફ તકેદારી તો સૌએ રાખવાની જ છે તે વેળાએ જ અહીં તો અલગ જ બાબતે ચર્ચા છેડાઈ છે. સરકારે કાનુનને ટાંકીને જાહેરનામું બહાર પાડયું છે કે દિવાળીના તહેવારમાં ફટાકડા બે કલાક જ ફોડી શકાશે. પ્રતિવર્ષ આવા જાહેરનામા બહાર પડે છે પરંતુ અમલ થતો નથી અને તે શક્ય પણ નથી. પ્રદૂષણ સંદર્ભે સ્વયં લોકજાગૃતિ આવે તો વાત અલગ છે. પરંતુ અહીં સૌથી મોટો પ્ર એ છે કે વાહનો કે ઉદ્યોગોને લીધે પણ પ્રદૂષણ હોય છે. પર્યાવરણ જાળવણી અને પ્રદૂષણ નિયંત્રણ ફક્ત પર્વ પૂરતાં મર્યાદિત નથી તે સાતત્યપૂર્ણ પ્રક્રિયા છે. દિવાળીમાં વાયુપ્રદૂષણ અને નવરાત્રિમાં ધ્વનિ પ્રદૂષણની ચર્ચા થાય. સરકાર પણ સક્રિય થઈ જાય. અનેક એવાં પર્વો છે જેમાં પશુહિંસા પણ પરંપરાના નામે થાય છે. આ દલીલ પણ સાવ અસ્થાને નથી. આ સમસ્યાના ઉકેલની શક્યતા એટલી જ છે કે પ્રત્યેક વ્યક્તિ- કોઈ પણ ધર્મ-કોમના, કોઈ પણ પરંપરા પાળતા હોય તે લોકો સ્વયં પર્યાવરણની જાળવણીનું મહત્વ સમજે. આ વિચાર કાયમ રહે, કોઈ તહેવારના ચાર-પાંચ દિવસ પ્રતિબંધો મૂકવાથી પ્રદૂષણ નિયંત્રણમાં આવે તેવું ન હોઈ શકે. સામૂહિક, સતત પ્રયાસ અનિવાર્ય છે.

ઇ-પેપરના નવા શુલ્ક