હરિયાણામાં બે પોલીસ અધિકારીએ કરેલી આત્મહત્યા અને તેની પાછળના કારણોની સર્વત્ર ચર્ચા છે. પોલીસ અને અન્ય વિભાગોમાં ઉચ્ચ અધિકારીઓનું આંતરિક રાજકારણ, સમાજને રક્ષતા એક મોટા વર્ગમાં પણ ઊંચ-નીચના ભેદભાવ, જાતિય હનન જેવાં તત્વો કેટલી હદે વકરેલાં છે કે આવા પદ પર રહેલા લોકોએ પણ આખરી માર્ગ અપનાવવો પડી રહ્યો છે. એક પછી એક બે પોલીસ અધિકારીઓની આત્મહત્યાથી ફક્ત પોલીસ બેડાંમાં જ નહીં સમગ્ર પ્રશાસનમાં હલચલ છે. અંતિમ સત્ય તો બહાર આવશે કે નહીં તે કહેવું આ કિસ્સામાં પણ મુશ્કેલ છે પરંતુ જે વિગતો આવી છે, આવી રહી છે તે ચોંકાવનારી છે.
હરિયાણામાં
ફરજ બજાવતા આઈ.પી.એસ. વાય. પૂરનકુમારે ચંડીગઢ સ્થિત પોતાના નિવાસસ્થાને પોતાને જ ગોળી
મારીને આત્મહત્યા કરી લીધી. પોલીસ કોન્સ્ટેબલ કે એ સ્તરે આવું પગલું ભરાયું હોવાના
કિસ્સા બન્યા છે પરંતુ આટલા ઉચ્ચ સ્તરે તો માનસિક રીતે પણ અધિકારી સ્થિર હોય, તેમને
તણાવને ભરી પીવાની તાલીમ આપવામાં આવી હોય છે. આ અધિકારીને કેટલી માનસિક વિડંબના હશે
કે તેઓએ આ માર્ગ લીધો. એ.ડી.એ.જી. અર્થાત્ સહાયક પોલીસ મહાનિદેશકના પદ ઉપર રહેલા આ
અધિકારીએ આત્મહત્યા પુર્વે જે સ્યુસાઈડ નોટ લખી છે તેમાં પોલીસ પ્રશાસનની અને પરોક્ષ
રીતે સરકારની પોલ છતી થાય છે. આ અંતિમ નોંધમાં તેમણે રાજ્યના ડી.જી.પી. શત્રુજિત કપૂર
સહિત કુલ 13 અધિકારીના નામ સ્પષ્ટ લખ્યાં છે. પહેલાં તો પોલીસે ફર્સ્ટ ઈન્ફર્મેશન રીપોર્ટ
નોંધવાનો ઈનકાર કર્યો હતો. આખરે સરકારે ડીજીપીને રજા ઉપર ઉતારી દીધા અને તપાસ સ્પેશ્યિલ
ઈન્વેસ્ટીગેશન ટીમને સોંપી છે. જેમના શિરે પીડિતોને ન્યાય અપાવવાની જવાબદારી છે તેમના
પરિવારજનને ન્યાય માટે પ્રતીક્ષા કરવી પડે તે તો કેવું કહેવાય, જો કે આખરે તે પણ સરકાર
કરાવી શકી. આ કિસ્સો હજી તો માધ્યમો થકી દેશભરમાં ફેલાઈ રહ્યો છે ત્યાં જ એ.એસ.આઈ.
સંદીપ કુમારે પોતાના લમણે ગોળી મારીને આત્મહત્યા કરી, એક વીડિયો થકી સંદેશો વાયરલ કર્યો
અને સ્યુસાઈડ નોટ પણ લખી જેમાં પૂરનકુમાર સામે ગંભીર આક્ષેપો છે. સંદીપકુમારે લખ્યું
કે, જાતિ આયોગનો સહારો લઈને, ધરપકડથી બચી શકાય તે માટે પૂરનકુમારે ખોટી સ્યુસાઈડ નોટ
આપી હતી.
બે
ઉચ્ચ અધિકારીની આત્મહત્યા સામાન્ય બાબત નથી. તેમાં પણ બન્ને કિસ્સામાં સામસામે થઈ રહેલા
દાવામાં સંપૂર્ણ વિરોધાભાસ છે. ઈન્દ્રજિતાસિંહ રાવનું નામ અહીં ઉછળ્યું છે તેથી ખાખીના
વિવાદમાં રાજકીય રંગ પણ ઉમેરાયો છે. રાહુલ ગાંધી સદગત પૂરનકુમારના પત્નીને મળ્યા છે,
ન્યાયની માગણી કરે છે. કોઈ પણ વિપક્ષ આવી સ્થિતિમાંથી કોઈ તક શોધે તે ન ગમે તેવી વાસ્તવિકતા
છે.
આ પ્રકરણ સમાજમાં થતી કોઈ મહિલા કે બેરોજગાર યુવાનની
આત્મહત્યાનું પ્રકરણ નથી. આત્મહત્યા થાય તો પગલાં લેવા અને હત્યા રોકવા માટે જેઓ જવાબદાર
છે, સમાજ જેને લીધે પોતાની સલામતિ અનુભવી શકે છે તેવા પોલીસ વિભાગની આંતરિક બાબતો અહીં
સુધી પહોંચી છે. જનતામાં પોલીસ માટે વિશ્વાસ હોવો જરુરી છે. જો ત્યાં જ આવી મલિનતા
હશે તો પ્રજા ક્યાં અપેક્ષા રાખશે, ભેદભાવ, જ્ઞાતિપ્રથાનું દૂષણ વગેરે સામે એક વર્ગને
પોલીસે રક્ષણ આપવાનું હોય પરંતુ તે પોલીસ વિભાગ જ આ બાબતોથી દૂષિત હોય તો જે પ્રશ્નો
સર્જાય તેનો ક્યાંય ઉકેલ મળે નહીં.