• શનિવાર, 18 ઑક્ટોબર, 2025

ટ્રમ્પને હજુ ‘નોબેલ’ની આશા - અભિલાષા

પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અવારનવાર ભારતને એક ‘મહાન દેશ’, ‘મારો સારો મિત્ર શિખર ઉપર’ કહીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નવાજે છે. સંબંધ સુધારવાની આ એક શરૂઆત છે એમ લાગે છે. વાસ્તવમાં ભારત સાથે સંબંધ સુધારવા સિવાય કોઈ વિકલ્પ જ નથી એ વાસ્તવિકતા ટ્રમ્પ સ્વીકારે છે પણ ટેરિફ આક્રમણ કર્યા પછી હવે તેમાં છૂટછાટ આપે તો જ સંબંધ સુધરી શકશે તે હકીકત છે.

વડા પ્રધાન મોદીએ પણ ટ્રમ્પનાં નિવેદનોનો યોગ્ય પ્રતિસાદ આપ્યો છે. ગાઝામાં સમાધાન - યુદ્ધવિરામ થયા પછી મોદીએ ટ્રમ્પને અભિનંદન આપ્યા છે અને તેની નોંધ લઈને ટ્રમ્પે ‘મહાન દેશ અને અચ્છા મિત્ર’નો અલગ અંદાજમાં આભાર માન્યો છે.

ભારત - રશિયા અને ચીનની મૈત્રી પછી ટ્રમ્પને વિશ્વમાં    બદલાતા યુગનું ભાન થયું છે. કોઈ કાયમી મિત્ર - અચ્છા મિત્ર હોય નહીં તો કોઈ દુશ્મન - દુશ્મની પણ કાયમની હોતી નથી - આ સંદેશ મોદીએ આપી દીધો છે. ટ્રમ્પે ચીનને ધમકાવવાનો પ્રયાસ તાજેતરમાં કર્યો છે અને ચીને જવાબ પણ આપ્યો છે.

ગાઝામાં યુદ્ધવિરામ - અથવા યુદ્ધ બંધ કરાવ્યા પછી ટ્રમ્પે ઇજિપ્તની ધરતી ઉપર વિશ્વના દેશોના નેતાઓની શિખર પરિષદ યોજી - સૌએ ટ્રમ્પને અભિનંદન આપ્યાં. ટ્રમ્પે ભાષણમાં પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફ તથા ફિલ્ડ માર્શલ મુનીરનાં પણ વખાણ કર્યાં અને ભારત - પાકિસ્તાન હવે સારા પાડોશી બનશે એવી આશા વ્યક્ત કરી પણ અૉપરેશન સિંદૂરમાં યુદ્ધવિરામ કરાવ્યાનો દાવો કર્યો નહીં તેનું આશ્ચર્ય છે! હવે તેઓ ભારતને વધુ છંછેડવા માગતા નથી એમ માની શકાય. પાકિસ્તાનને પણ સલાહ આપી છે કે હવે છૂંછી - દુ:સાહસ કરતા નહીં! પાકિસ્તાની ફિલ્ડ માર્શલ મુનીર આ પ્રસંગે હાજર ન હતા. મુનીરે ટ્રમ્પના નામની ભલામણ કરીને નોબેલ શાંતિ એવૉર્ડ અપાવવાની ખાતરી આપી હતી પણ આશા ફળી નહીં. હવે વડા પ્રધાન શાહબાઝ શરીફે આવી ખાતરી આપી છે - ટ્રમ્પે  યુદ્ધવિરામનો ઉલ્લેખ કર્યો નહીં પણ શરીફને ભાષણ કરવા બોલાવ્યા. શરીફે કહ્યું કે આ મહાનુભાવે જો દખલ કરી હોત નહીં તો બંને અણુસત્તા વચ્ચે યુદ્ધ ભારે વિનાશકારક બનીને શું થયું તે કહેવા કોઈ જીવતું હોત નહીં! મિયાં હજુ ટંગડી ઊંચી બતાવી રહ્યા છે! અને ટ્રમ્પ એમની વાહ - વાહ કરતા રહ્યા! ગાઝા સમાધાન સામે પાકિસ્તાનમાં વિરોધ આંદોલન ચાલે છે, શરીફ અને મુનીરે હમાસને દગો આપ્યાનો આક્રોશ છે ત્યારે શાહબાઝ શરીફે ઇજિપ્તની ‘િશખર પરિષદ’માં ટ્રમ્પને અભિનંદન આપીને ફરીથી નોબેલ માટે ભલામણ કરવાની ખાતરી આપી તે પછી પાકિસ્તાનમાં હિંસક દેખાવો વધી રહ્યા છે. આ સંજોગોમાં મુનીર કોઈ આતંકી પગલાંની હિંમત કરશે?

ઇ-પેપરના નવા શુલ્ક