• શનિવાર, 18 ઑક્ટોબર, 2025

અમેરિકા અને ચીન વચ્ચે વેપારી સંઘર્ષનાં એંધાણ

વિશ્વભરમાં સશત્ર સંઘર્ષના અંત માટે પોતાને પાવરધા ગણાવતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આર્થિક સંઘર્ષ જગાવવામાં પણ નામના મેળવી છે. નવા-નવા વેપારી અને આર્થિક આક્રમક નિર્ણયો અમેરિકા સાથે દુનિયા-દેશોના સંબંધોને ડહોળી રહ્યા છે. હવે ટ્રમ્પે ચીન ઉપર 100 ટકા વધારાનો ટેરિફ લગાવીને બન્ને દેશ વચ્ચે વેપારજંગની આગને ફરીવાર ભડકાવી દીધી છે. ટ્રમ્પનાં આ પગલાંથી ચીન અને અમેરિકા વચ્ચેનો વેપાર મહદ્અંશે ઠપ થઈ જાય એવી પૂરી શક્યતા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિએ દાવો કર્યો છે કે, ચીને દુર્લભ ધાતુઓની નિકાસ પર લાદેલા પ્રતિબંધોના જવાબમાં આ વધારાના ટેરિફ લદાયા છે. પ્રતિભાવમાં ચીને કહ્યંy છે કે, તે અમેરિકાની સાથે સંઘર્ષ ઈચ્છતું નથી, પણ જો ઉશ્કેરણી કરાશે તો તે વળતાં પગલાં લેશે. ચીનના વાણિજ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ તેમનો દેશ ટેરિફનાં યુદ્ધથી ડરતો નથી અને પોતાનાં અર્થતંત્રનાં રક્ષણ માટે તમામ પગલાં લેશે. આજના આધુનિક સમયમાં સેમિકંડક્ટર ચિપથી માંડીને ઈલેક્ટ્રિક વાહનો, સ્માર્ટફોન સહિતનાં ઉત્પાદનોમાં રેર અર્થ એટલે કે, દુર્લભ ધાતુઓ અનિવાર્ય બની ગઈ છે. આવી કિંમતી ધાતુઓના પુરવઠામાં 70 ટકા અને તેના પ્રોસેસિંગમાં 90 ટકા પર  ચીનનું નિયંત્રણ રહ્યંy છે. આવા સંજોગોમાં અમેરિકા-યુરોપની મહાકાય ટેક્નોલોજી કંપનીઓની સામે મોટો પડકાર ઊભો થઈ શકે છે.

ગયા સપ્તાહે ટ્રમ્પે ચીનથી થતી તમામ આયાત પર વધારાનો 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી.  પહેલી નવેમ્બરથી આ ટેરિફનો અમલ શરૂ થશે અને તેને લીધે આ સરવાળો 130 ટકા થઈ જશે. આમ ચીનથી થતી તમામ આયાત અમેરિકામાં મોંઘી થશે. આ અગાઉ પણ ટ્રમ્પે ચીનની સામે 14પ ટેરિફ લગાવ્યો હતો, ત્યારે વળતી કાર્યવાહીમાં ચીને પણ અમેરિકાની આયાત પર 12પ ટકા ટેરિફ લાદ્યો હતો.  વાટાઘાટો બાદ અમેરિકાએ પોતાનો ટેરિફ ઘટાડીને 30 ટકા અને ચીને દસ ટકા કર્યો હતો. પરતું હવે દુર્લભ ધાતુઓના મામલે વધેલી અંટશે બન્ને દેશો વચ્ચે વધુ એક વખત વેપારજંગની સ્થિતિ ઊભી કરી દીધી છે.  વળી આ મહિને અમેરિકા અને ચીનના રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચે યોજાનારી શિખર મંત્રણા અમેરિકાનાં પગલાંને લીધે અટકી જાય એવા સંકેત પણ મળી રહ્યા છે. આમ તો ભારત પણ અમેરિકાના ટેરિફના બોજાનો સામનો કરી રહ્યું છે, પણ ચીનની સામે ટેરિફ લાદવાથી ભારતના નિકાસકારોને ફાયદો થઈ શકે છે. ચીનથી થતી આયાત ભારતની સરખામણીએ મોંઘી થાય તો અમેરિકાના આયાતકારો ભારતીય ઉત્પાદનો ભણી વળી શકે છે.  ખાસ તો કપડાં, રમકડાં અને ઈલેક્ટ્રોનિક્સ જેવાં ઉત્પાદનોમાં ભારતને અમેરિકાની બજારમાં ચીનનું સ્થાન લેવાની તક મળશે, પણ દુનિયાની બે આર્થિક મહાસત્તા ચીન અને અમેરિકા વચ્ચેના કોઈ પણ વેપારી સંઘર્ષની અસરો અન્ય દેશો પર ચોક્કસપણે પડશે અને સરવાળે દુનિયાના આર્થિક સમીકરણો ડામાડોળ થઈ જશે.

ઇ-પેપરના નવા શુલ્ક