આધુનિક
સમયમાં બાળકો અને યુવાનોમાં વધી રહેલી હિંસક વૃત્તિ સમાજ અને પરિવાર માટે ભારે જોખમી
બની ચૂકી છે. નાની એવી બાબતમાં પોતાનો આપવામાં કે અન્યો કોઈનો જીવ લઈ લેવામાં જરા પણ
ખચકાટ ન અનુભવતી આ નવી પેઢીને વાળવા પર હવે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરત છે. સૌ કોઈ
જાણે છે કે, હિંસક ફિલ્મોથી માંડીને સોશિયલ મીડિયાના સડાથી પ્રભાવિત થતાં યુવાધનમાં
ઝડપથી ઘર કરી રહેલી હિંસક વૃત્તિનું પ્રતિબિંબ પાડતાં નવા-નવા બનાવો દેશમાં ચોમેર બની
રહ્યા છે. તાજેતરમાં લખનઉ, ગાઝિયાબાદ અને
હરિયાણામાં બનેલા બનાવો આ માનસિકતાની સાબિતી પૂરી પાડે છે. ગાઝિયાબાદમાં ત્રણ યુવતીએ
એક ઓનલાઈન ગેમના રવાડે ચડીને આત્મહત્યા કરી લીધી હતી, તો હરિયાણામાં એક યુવકે તેના
મિત્રની હત્યા કરીને લાશનો નિકાલ કરી દીધો હતો, પરંતુ લખનઉનો તાજો મામલો ભારે અરેરાટીભર્યો
છે. 21 વર્ષના એક યુવકે તેના લેબમાલિક પિતાની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. તે પછી
લાશના કરવત વડે નાના ટુકડા કરીને ડ્રમમાં ભરી નાખ્યા હતા. આ યુવકે સ્થળ પર હાજર પોતાની
બહેનને ધમકાવીને મોં બંધ રાખવાની ફરજ પાડી હતી. આ ધૃણાસ્પદ કૃત્યની પાછળ હતભાગી પિતા
પોતાના પુત્રને તબીબ બનાવવાનો આગ્રહ રાખી રહ્યા હોવાનું કારણ હતું. આ ત્રણે બનાવોને એકમેક સાથે સીધો કોઈ સંબંધ ન હતો,
પણ તેને અપવાદ ગણી શકાય તેમ નથી. યુવાનોને સાંકળતા આ ત્રણે બનાવ આધુનિક સમયમાં નવી
પેઢીની આક્રમક માનસિક્તા છતી કરે છે. સામાન્ય રીતે એવી છાપ રહી છે કે, આ યુવાવર્ગ દેશનું
અને સમાજનું ભવિષ્છય હોય છે. ઊર્જા અને ઉત્સાહથી ભરપૂર યુવાનોની આ શક્તિને ઉપયોગી કામો
તરફ વાળવી ભારે અનિવાર્ય હોય છે, પણ તેમનામાં વધતી જતી હતાશા અને સોશિયલ મીડિયાની લતથી
ગેરમાર્ગે દોરાઈ જવાને લીધે આ વર્ગ તરફ હવે ધ્યાન અપાવાની તાતી જરૂરત છે.
હાલત
એવી છે કે, પોતાની આસપાસ હિંસાના વધી રહેલાં ચલણને લીધે યુવાવર્ગ તેને યોગ્ય માનવા
લાગ્યો છે. પરિવારમાં કલેશ અને ખટરાગ પણ આ વર્ગની માનસિક હાલત ડામાડોળ કરી નાખે છે.
આવા સંજોગોમાં પરિવાર, સમાજ અને દેશે સામૂહિક રીતે આ વર્ગને માનસિક રીતે રક્ષવાની સાથોસાથ
તેમની શક્તિને હિંસાને બદલે હકારાત્મકતા મળે તે માટે મનોવૈજ્ઞાનિક માહોલ ખડો કરવા પર
ખાસ ધ્યાન આપવું જોઈએ. હવે સવાલ એ છે કે, આ જરૂરતને કઈ રીતે સ્વીકારીને કેવાં પગલાં
લેવાતા થશે તે મહત્ત્વનું છે. કેમ કે, જેટલો વિલંબ થઈ રહ્યો છે જોખમ એટલું વધી રહ્યંy
છે.