દુબઈ,
ઈરાન અને ઈઝરાયલમાં ભારતીયો અટવાયા
નવી
દિલ્હી, તા.2: મધ્યપૂર્વમાં વકરતાં યુદ્ધની હાલતની મોટી અસર ભારત અને ભારતીયોને થઈ
છે. આ યુદ્ધની તાત્કાલિક માઠી અસર આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓમાં જોવા મળી રહી છે. રવિવારે
દિલ્હી એરપોર્ટથી ખાડી દેશો તરફથી સેંકડો ફ્લાઈટ રદ કરવામાં આવી હતી અને તેનાં હિસાબે
એરપોર્ટ ઉપર ભારે ભીડ જામી હતી. બીજીબાજુ દુબઈમાં ભારતનાં સેંકડો લોકો ફસાયા હોવાનાં
સમાચાર મળી રહ્યાં છે. પુણેની એક સંસ્થાનાં 84 છાત્ર દુબઈમાં અટવાયા હોવાનાં અહેવાલ
છે. ઈરાનમાં આશરે 10 હજાર ભારતીય નાગરિકો રહે છે અને ઈઝરાયલમાં 40 હજારથી વધુ ભારતીયો
છે. તો ખાડી દેશો અને પશ્ચિમ એશિયામાં રહેતા ભારતીયોનો આંકડો 90 લાખ જેટલો છે. જ્યાં
હવાઈ ક્ષેત્ર લગભગ સદંતર બંધ છે અને આ તમામ ભારતીયોનાં જીવ હાલ અદ્ધર છે.
રવિવાર
સાંજ સુધીમાં દિલ્હીથી 100 ફ્લાઈટ કેન્સલ થઈ હતી. તેમાં 62 ફ્લાઈટ આવનારી અને 42 રવાના
થવાની હતી. એરપોર્ટ ઉપર અફરા-તફરી વચ્ચે ઘરેલું વિમાન સેવાઓ અવરોધાતા મુસાફરો પરેશાનીમાં
મૂકાઈ ગયા છે. આ યુદ્ધનાં કારણે ફક્ત ખાડી દેશો જ નહીં બલ્કે યુરોપીય દેશોની ફ્લાઈટ
પણ કેન્સલ થઈ છે. જો કે એર ઈન્ડિયાએ સોમવારથી વિમાન સેવા ફરીથી શરૂ થવાની સંભાવના વ્યક્ત
દેખાડી છે. ઉત્તર અમેરિકા અને યુરોપની માત્ર છ ફ્લાઈટ રદ રહેશે. અન્ય ફ્લાઈટનાં માર્ગ
બદલીને તેને પશ્ચિમ એશિયામાં ઉપલબ્ધ હવાઈ ક્ષેત્રોમાંથી પસાર કરીને મોકલવામાં આવશે.
જો કે યુએઈ, સાઉદી અરબ, ઈઝરાયલ અને કતર જતી અને ત્યાંથી આવતી તમામ ફ્લાઈટ રદ કરી નાખવામાં
આવી છે.