• સોમવાર, 16 માર્ચ, 2026

ઈરાન યુદ્ધ વચ્ચે ચીન પણ તાઈવાન પર હુમલાની ફિરાકમાં ?

છેલ્લા બે અઠવાડિયાથી ચીની ગતિવિધિઓમાં આવેલા ઘટાડા બાદ ફરી એકવાર ચીને શક્તિપ્રદર્શન કર્યું

બેઈજીંગ, તા.15 : તાઈવાનની આસપાસ ચીની સૈન્ય વિમાનોની સંખ્યામાં અચાનક મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા બે અઠવાડિયાથી ચીની ગતિવિધિઓમાં આવેલા ઘટાડા બાદ શનિવારે ફરી એકવાર ચીને શક્તિપ્રદર્શન કર્યું હતું. જેનાથી સંરક્ષણ નિષ્ણાતોમાં ફરી એકવાર ચિંતામાં મુકાયા છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યાનુસાર, શનિવારે ટાપુની આસપાસ ચીનના 26 સૈન્ય વિમાનો જોવા મળ્યા હતા. જેમાંથી 16 વિમાનોએ ઉત્તરી, મધ્ય અને દક્ષિણ-પશ્ચિમ એર ડિફેન્સ આઇડેન્ટિફિકેશન ઝોનમાં પ્રવેશ કર્યો હતો. આ ઉપરાંત, દરિયાઈ વિસ્તારમાં ચીનના 7 નૌકાદળના જહાજો પણ જોવા મળ્યા હતા. અગાઉ 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી તાઈવાને એક પણ ચીની વિમાનની ઘૂસણખોરી નોંધાઇ નહોતી. નિષ્ણાતો આ ઘટાડા પાછળ ચીનની ધારાસભાની વાર્ષિક બેઠકને એક કારણ માની રહ્યા છે. જોકે, આ વર્ષનો ઘટાડો ભૂતકાળની સરખામણીએ ઘણો વધારે હતો, જેણે વિશ્લેષકોને મુંઝવણમાં મૂક્યા હતા.

આ ઘટાડા પાછળનું બીજું મહત્વનું કારણ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સૂચિત ચીન મુલાકાત હોઈ શકે છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, પ્રમુખ ટ્રમ્પ 31 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન ચીનની મુલાકાતે જવાના છે. વાશિંગ્ટન સાથેના સંબંધોમાં તણાવ ઘટાડવા માટે ચીને કદાચ આ વ્યૂહનીતિ અપનાવી હોય તેવી શક્યતા છે. જોકે, બેઇજિંગ દ્વારા હજી સુધી આ મુલાકાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

બીજી તરફ, કેટલાક નિરીક્ષકોનું માનવું છે કે ચીની સૈન્ય તેની તાલીમ અને આધુનિકીકરણના આગામી તબક્કામાં પ્રવેશ્યું હોઈ શકે છે, જ્યાં તે તેના વિવિધ દળો વચ્ચે સંયુક્ત તાલીમ માટે નવા મોડેલ પર કામ કરી રહ્યું છે.

તાઈવાનના સંરક્ષણ પ્રધાન વાલિંગ્ટન કુએ નોંધ્યું હતું કે, ભલે સૈન્ય વિમાનોની સંખ્યામાં વધઘટ થઈ હોય, પરંતુ ચીનનું નૌકાદળ સતત સક્રિય રહ્યું છે. તાઈવાને સ્પષ્ટ કર્યું છે કે ચીની ગતિવિધિ ઘટવા છતાં તેઓએ પોતાની સંરક્ષણ સ્થિતિમાં કોઈ ફેરફાર કર્યો નથી. ઉલ્લેખનીય છે કે 1949માં ચીનમાં થયેલા ગૃહયુદ્ધ બાદ ચીન અને તાઈવાન અલગ રીતે શાસિત છે. ચીન હંમેશા તાઈવાન પર પોતાનો કબજો જમાવવાની વાત કરતું આવ્યું છે અને આ માટે જરૂર પડયે બળપ્રયોગ કરવાની પણ ધમકી આપી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક