• સોમવાર, 16 માર્ચ, 2026

PNG કનેક્શન ધરાવનારા લોકોને નહીં મળે LPG

એલપીજી મુદ્દે લોકોમાં ડર વચ્ચે સરકારનો નિર્ણય : કોમર્શિયલ સિલિન્ડરની આપૂર્તિ શરૂ થઈ : કાળાબજાર રોકવા ડઝનેક રાજ્યોમાં દરોડા

નવી દિલ્હી, તા. 15 : દેશમાં ગેસને લઈને લોકોમાં ફેલાયેલા ભય વચ્ચે સરકારે ફરી એક વખત કહ્યું છે કે ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે પણ દેશમાં પેટ્રોલ અને ડીઝલની કોઈ કમી નથી. એલપીજી સિલિન્ડરને લઈને સ્થિતિ સખત છે પણ ડરવાની જરૂર નથી. સરકારે લોકોને અપીલ કરી હતી કે તેઓ ઈંઘણનો ભંડાર ન કરે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિ ગેસ મંત્રાલય દ્વારા વધુ એક રાહતના સમાચાર આપતા કહ્યું હતું કે 29 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોમર્શિયલ સ્તરે સિલિન્ડરની સપ્લાય શરૂ કરી દેવામાં આવી છે તેમજ ઘરેલુ ઉપભોક્તાઓને પેનિક બુકિંગથી બચવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત પીએનજી કનેક્શન ધરાવતા લોકોને એલપીજી કનેક્શન કે રિફિલની સુવિધા રોકી દેવામાં આવી છે.

રિપોર્ટ્સ અનુસાર એલપીજીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર ઝડપી નિર્ણયો કરી રહી છે. પેટ્રોલ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે સંશોધિત આપૂર્તિ આદેશ હેઠળ પાઇપથી પ્રાકૃતિક ગેસ કનેક્શન ધરાવતા લોકોને ઘરેલુ એલપીજી સિલિન્ડર રાખવા, પ્રાપ્ત કરવા કે ભરાવવાથી રોકી દેવાયા છે. સરકારી ઓઇલ કંપનીઓએ એવા ગ્રાહકોના એલપીજી કનેક્શન કે રિફિલ પ્રદાન કરવાની સુવિધા રોકી છે જેઓની પાસે પહેલાથી જ પીએનજી કનેક્શન છે.

કોમર્શિયલ સિલિન્ડર વિતરણની જવાબદારી રાજ્ય સરકારને સોંપવામાં આવી છે. એલપીજીનાં ઘરેલુ ઉત્પાદનમાં 30 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. સરકારે ફરી અકે વખત લોકોને એલપીજીની જગ્યાએ પીએનજીમાં શિફ્ટ થવા અપીલ પણ કરી હતી. વર્તમાન સમયે 33 કરોડ એલપીજી ગ્રાહકો છે અને તેમાંથી 60 લાખ ગ્રાહક તત્કાળ રૂપથી પીએનજીમાં શિફ્ટ થઈ શકે તેમ છે. સરકાર તરફથી તમામ પેટ્રોલિયમ અને ગેસ કંપનીઓને ઇન્ટરનેટ મીડિયા અને અન્ય માધ્યમથી એલપીજી અને પીએનજીને લઈને જાગૃતતા ફેલાવવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

સિલિન્ડરના કાળાબજાર રોકવા માટે મહારાષ્ટ્ર, ગોવા, બિહાર, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ સહિત ડઝનેક રાજ્યોમાં 1400થી વધારે સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા અને કેસ નોંધવામાં આવી રહ્યા છે. 1300 જગ્યાએ નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક