• સોમવાર, 16 માર્ચ, 2026

ભારતીય જહાજોને હોર્મુઝમાં નૌસેનાની અભેદ્ય સુરક્ષા

શિવાલિક અને નંદાદેવી જહાજને નૌસેનાનાં યુદ્ધજહાજે હોર્મુઝ સલામત પાર કરાવી

નવીદિલ્હી, તા.1પ : ઈરાન અને અમેરિકા, ઈઝરાયલ વચ્ચે ભીષણ જંગમાં વધી રહેલા તનાવ છતાં ભારતીય નૌસેનાએ ઓપરેશન સંકલ્પ હેઠળ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ભારતીય જહાજોને સુરક્ષિત પાર કરાવ્યા હતા. દુનિયાના મોટાભાગના દેશના જહાજો હોર્મુઝના સાંકડા સમુદ્રી માર્ગમાં હુમલા અને નાકાબંધીના ભયથી અટવાયેલા છે ત્યારે ભારતીય નૌસેનાની પહેરેદારીમાં ભારત તરફ આવતાં માલવાહક જહાજોએ આ માર્ગ સફળતાપૂર્વક પાર કર્યો છે.

શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(એસસીઆઇ)નાં ભારતીય ધ્વજવાળા બે એલપીજી ટેન્કર શિવાલિક અને નંદાદેવી ભારતીય નૌસેનાની હિફાજતમાં હોર્મુઝ સામુદ્રધુની પાર કરીને ભારત તરફ આગળ વધી રહ્યાં છે. આમાં પણ ખાસ કરીને શિવાલિક જહાજને ભારતીય યુદ્ધજહાજ દ્વારા એસ્કોર્ટ કરીને લાવવામાં આવી રહ્યું છે. આ સીવાય જગપ્રકાશ નામક એક ઓઇલ ટેન્કર પણ ઓમાનથી આફ્રિકા તરફ ગેસોલીન લઈને જઈ રહ્યું છે અને તે પણ હોર્મુઝના પૂર્વ હિસ્સામાંથી સલામત નીકળી ગયું છે.

ભારતીય નૌસેનાએ ઓપરેશન સંકલ્પની શરૂઆત હોર્મુઝમાંથી પસાર થતાં ભારતીય જહાજોને સુરક્ષા પ્રદાન કરવા માટે હાથ ધર્યું હતું. જેમાં ઓમાનનાં તટે તૈનાત ભારતીય યુદ્ધ જહાજ પળેપળ ઉપર ચાંપતી નજર રાખી રહ્યું છે. વર્ષ 2019થી ચાલતા આ ઓપરેશનમાં વારાફરતી 23 યુદ્ધજહાજને તૈનાત કરવામાં આવી ચૂક્યાં છે.

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક