• સોમવાર, 16 માર્ચ, 2026

હીટ વેવ બાદ માવઠું : 20થી વધુ જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદનું એલર્ટ

માવઠાની સાથે 40-50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા : માવઠાની સ્થિતિને પગલે ખેડૂતોમાં ચિંતા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.15 : રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ આકરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો હતો. ઘણા શહેરોમાં તાપમાન 40થી 42 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો આકરા તાપમાં શેકાઈ ગયા હતા. જોકે હવે નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે વાતાવરણમાં પલટો આવશે તેમજ 18થી 20મી માર્ચ સુધી કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

આઇએમડી અનુસાર, આગામી 18 માર્ચના રોજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 7 જિલ્લામાં માવઠાની આગાહી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્ય કમોસમી વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 19 માર્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. આ દિવસે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે માવઠાની આગાહી છે. તા.18-19 માર્ચ દરમિયાન માવઠાની સાથે આ જિલ્લાઓમાં 40-50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે જ્યારે 20 માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની આગાહી છે. રાજ્યમાં માવઠાની સ્થિતિને પગલે ખેડૂતોમાં ચિંતા છવાઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક