લક્ષદ્વીપમાં દુનિયાનો પ્રથમ હાઇબ્રિડ પ્લાન્ટ; વીજળી પણ પેદા કરી શકશે
કવરતી, તા. 15 : આપણા દેશમાં
એક પ્રદેશ એવો છે, જ્યાં દરિયાનું પાણી પણ પી શકાશે. ભારતના સૌથી નાના કેન્દ્રશાસિત
પ્રદેશ લક્ષદ્વીપમાં એવો પ્લાન્ટ તૈયાર થઇ?રહ્યો છે, જ્યાં સમુદ્રના તાપમાનના અંતરથી
વીજળી પેદા કરવા સાથે સમુદ્રી પાણી પીવાલાયક બનાવાશે.
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની નેશનલ
ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજીએ એવી ક્રાંતિકારી ટેકનિક પર કામ શરૂ કર્યું છે, જે વર્ષના
અંતે દુનિયા માટે ઉદાહરણ બની જશે.
આ દુનિયાનો પહેલો એવો હાઇબ્રિડ
પ્લાન્ટ હશે જે સમુદ્રની લહેરોમાંથી પી શકાય તેવું શુદ્ધ પાણી અને 24 કલાક વીજળી પેદા
કરશે. નવો પ્લાન્ટ ઓશિયન થર્મલ એનર્જી કન્વર્ઝન
(ઓટીઇસી) ટેકનિક પર આધારિત છે, જેમાં દરિયાની સપાટીના ગરમ અને ઊંડાણમાંથી ઠંડાં પાણીનો
ઉપયોગ કરાશે.
ગરમ પાણીને વેક્યુમમાં નાખીને
વરાળ બનાવાશે જે વરાળ ટર્બાઇન ફેરવીને વીજળી પેદા કરશે. ત્યારબાદ ઊંડાણમાંથી લેવાયેલાં
ઠંડાં પાણીથી વરાળને ઠંડી કરીને મીઠું પાણી બનાવાશે. નવો પ્લાન્ટ રોજ એક લાખ લિટર મીઠું
પાણી બનાવશે. ખાસ જાણવા જેવી વાત એ છે કે, આ નવા પ્લાન્ટને ચલાવવા માટે ઇંધણ (ડીઝલ)
કે વીજળીની જરૂર નહીં પડે.