વડા પ્રધાન મોદી વારંવાર કહી રહ્યા છે કે તેલ-ગૅસની કટોકટી લાંબા સમય સુધી ચાલશે અને આપણે ધીરજ તથા એકતાથી આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે. અત્યારે લડાઈની સ્થિતિ અને સંજોગો જોતાં લાગે છે કે લડાઈ લાંબી જ ચાલશે. પ્રેસિડન્ટ ટ્રમ્પ ભલે કહે કે એમને કાયમી લડાઈની સ્થિતિ નથી જોઈતી - એમની વાતો હંમેશાં વિરોધાભાસી અને ગૂંચવાડો વધારે છે! ઈરાન સામેની લડાઈ વિસ્તારવા માટે હવે તેઓ સૈનિકોને ઈરાનની ધરતી ઉપર ઉતારવા માગે છે અને ઈરાન કહે છે - શાંતિ અને સમાધાનની વાત છેતરામણી છે. અમેરિકન સૈનિકો ઈરાનની ધરતી ઉપર ઉતરવા માગે તો ભલે, અમે એમનું સ્વાગત કરીને જહન્નમમાં મોકલવા તૈયાર છીએ. પરિણામે લડાઈ લાંબી ચાલશે અને વિશ્વભરમાં તેલની કટોકટી ગંભીર બનશે.
ટ્રમ્પે
ઈરાનમાં શાસન તંત્ર અને શાસકો બદલવા માટે આક્રમણ કર્યું પછી અણુસત્તા બનવાનું સ્વપ્ન
નહીં જોવાની સલાહ આપી અને હવે માત્ર હોર્મુઝ ખાડી વિશ્વના તમામ દેશો માટે મુક્ત કરવાની
માગણી છે. આ ખાડીને ‘હોર્મુઝ’નું નામ બદલીને તેઓ ‘ટ્રમ્પ ખાડી’ કહેવા લાગ્યા છે!
હજુ
પણ ટ્રમ્પ પોતાને અમનના ફરિશ્તા - શાંતિના દૂત ગણાવે છે! ભારત-પાકિસ્તાન લડાઈ સહિત
વિશ્વમાં આઠ યુદ્ધ ટેરિફની ધમકીથી બંધ કરાવ્યાનો દાવો કરે છે પણ એમની વાતો ઉપરથી લાગતું
નથી, કોઈ સ્વીકારે નહીં કે તેઓ લડાઈ રોકવા માગે છે.
ઈરાનની
ધરતી ઉપર સૈનિકોને ઉતારવાની તૈયારી અને બીજી બાજુ શાંતિ-સમાધાનની અૉફર - અથવા લોલીપોપ બતાવે છે! શાંતિના દૂત હોવાનો દાવો
કરીને કહે છે - વેનેઝુએલા અને ઈરાન પછી ક્યુબાનો વારો છે! ક્યુબાનું અર્થતંત્ર તેલ
કટોકટીના કારણે પડી ભાંગ્યું છે અને ‘દેવાળિયા દેશ’ ઉપર કબજો જમાવવા ટ્રમ્પ તૈયાર છે!
ઈરાનનું
શાસનતંત્ર બદલાય ત્યારે ખરું અત્યારે તો અમેરિકાનું શાસન બદલાવાશે - તેની ચર્ચા ચાલે
છે. મુખ્ય શહેરોમાં ટ્રમ્પની યુદ્ધનીતિના વિરોધમાં દેખાવો થઈ રહ્યા છે અને રાજકીય વર્તુળોમાં
ટ્રમ્પ પછી કોણ? ની ચર્ચા શરૂ થઈ છે. વર્ષ 2028માં નવા પ્રમુખની ચૂંટણી છે અને હોદ્દાની
મુદત મર્યાદા અનુસાર ટ્રમ્પ ઉમેદવારી નહીં કરી શકે તેથી ઉપપ્રમુખ જેડી વાન્સ અને રાષ્ટ્રીય
સલામતી સલાહકાર રૂબિયોનું નામ ચર્ચામાં છે. વાન્સ માને છે કે લડાઈ બંધ થવી જોઈએ અને
આખરી પરિણામ વિષે શંકા છે જ્યારે રૂબિયો તો ટ્રમ્પનો પ્રખર ટેકેદાર છે!
હવે
ઈરાન-લડાઈનાં પરિણામ ઉપર આ બંને ઉમેદવારોના ભાવિનો આધાર છે જ્યારે દુનિયા આખીના અર્થતંત્રનો
આધાર પણ લડાઈના અંત ઉપર છે.