• મંગળવાર, 31 માર્ચ, 2026

અંગોલા, ઓસ્ટ્રેલિયા પાસેથી ગેસ લેશે ભારત

કંપની અને સરકાર સ્તરે ચર્ચા જારી: હોર્મુઝના ભરોસે રહેવું નહીં પડે : એટલાંટિક, અરબી સમુદ્રથી પહોંચશે

નવી દિલ્હી, તા. 30 : ‘માણસાઇના દુશ્મન’ એવાં યુદ્ધની અસર હેઠળ ગેસની અછતનાં સર્જાયેલાં સંકટને હળવું કરવા હવે ભારતની સરકારી તેલ અને ગેસ કંપનીઓ આફ્રિકી દેશ અંગોલા પાસેથી એલપીજી ખરીદવા માટેની તૈયારી કરી   રહી છે. સરકારનાં સ્તર પર પણ ચર્ચા ચાલી રહી છે. અંગોલાની સોનાન ગોલ કંપની પાસેથી ગેસ ખરીદી માટે લાંબા સમયની  સમજૂતી કરવાની પહેલ હાથ ધરાશે.

આફ્રિકી દેશ ઉપરાંત ભારત ઓસ્ટ્રેલિયા, રશિયા, અલ્જિરિયા પાસેથી પણ ગેસની આયાત કરવાનો વિકલ્પ શોધી રહ્યું છે.

હકીકતમાં, ભારત 92 ટકા એલપીજી ખાડી દેશોમાંથી  આયાત કરે છે. અખાતી દેશો પર આધાર ઘટાડવાના હેતુ સાથે ભારત અંગોલા તરફ વળ્યું  છે.

આમ થતાં હોર્મુઝથી જહાજોને પસાર થવું નહીં પડે. અંગોલા સાથે કરાર થઇ જાય તો જહાજો એટલાંટિક અને અરબી સમુદ્ર પરથી સીધાં ભારત પહોંચશે. ભારત અને અંગોલા વચ્ચે પહેલાંથી તેલ, ગેસનો વેપાર થતો રહ્યો છે. બેય દેશોમાં વિશ્વાસ અને સપ્લાય સિસ્ટમ હોવાથી નવી સમજૂતી પણ સરળ બની શકશે. અંગોલામાં ગેસ ઉત્પાદન થાય છે અને એલપીજી માટે જરૂરી પ્રોપેન અને બ્યુટેન પણ હોવાથી ભારતને સીધો ગેસ મળી શકે તેમ છે. દરિયાઇ માર્ગે 12થી 18 દિવસમાં ગેસ પહોંચી શકે છે. જો આ કરાર થાય તો અંગોલા પહેલીવાર ભારતને રાંધણગેસ આપશે અને અમેરિકાની તુલનાએ 10થી 15 દિવસ વહેલો મળી શકશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક