• મંગળવાર, 14 એપ્રિલ, 2026

તકલાદી પ્રવચનો, પાયા વગરના વચનો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું વાતાવરણ તો ગુજરાતમાં જામતું નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી જેવી શિસ્તબદ્ધ મનાતી પાર્ટીના મોવડીઓ પક્ષની અંદરનું વાતાવરણ બગડે નહીં તેની તકેદારી સાથે આગળ વધી રહ્યા છે. એક સમય હતો જ્યારે ચૂંટણી જાહેર થાય એટલે પ્રજા તેમાં સ્વયંભૂ જોડાતી. હવે સ્થિતિ જુદી છે. મતદાનના દિવસે પ્રતિબદ્ધ મતદારો પોતાનું સમર્થન જેમના માટે હોય તેમને મત દઈ આવે છે. ચૂંટણી સમયે થતા પ્રવચનો અને અપાતા વચનો ઉપર કોઈને વિશ્વાસ નથી. વફાદારી જેવું તો કંઈ નથી પરંતુ પોતે જ બોલેલા શબ્દોનું મૂલ્ય પણ નેતાઓને નથી. રાજનીતિમાં પક્ષપલટો નવી બાબત નથી પરંતુ મૂલ્યહીનતા આટલી હદે પણ નહોતી.ગુજરાતમાં પાલિકા-પંચાયતોની ચૂંટણીના નગારાં ગાજે છે તેની સાથે જ અદલ-બદલની મોસમ શરૂ થઈ છે. સૂર્ય પશ્ચિમમાં ઊગે તો જ હું ભાજપમાં જોડાઈ શકું તેવી શેખી મારનાર આમ આદમી પાર્ટીના એક સમયના યુવા નેતા કહેવાતા રાજુ કરપડા ભરબપોરે ભાજપમાં જોડાઈ ગયા છે. રાજકીય પ્રવચનમાં જેમની વિરુદ્ધ બેફામ ઉચ્ચારણ કર્યાં હોય, આક્ષેપોની ઝડી વરસાવી હોય એ જ પક્ષ કોઈ હોદ્દાની લાલચ આપે કે દંડ-ભેદની નીતિ અખત્યાર કરે એટલે તે છાવણીમાં બેસવું સાવ સહેલું થઈ ગયું છે. પક્ષ પલટો જ ઁકોઈ કરે તેમના માટેની આ વાત છે. હમણા રાજકોટમાં પણ કોંગ્રેસના એક મહિલાને પોતાના પક્ષમાં સ્થાન આપ્યું જેમના ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો હતા.

કોઈ પણ પક્ષે આવા નેતાને પોતાનામાં સ્થાન આપતાં પહેલાં એ સમજવું જોઈએ કે રાજકારણ સાવ રમત નથી. પ્રજાના વિશ્વાસ જેવું પણ કોઈ તત્વ હોય. રાજુ કરપડા શું શું, ક્યારે ક્યારે બોલ્યા હતા તે સૌને યાદ છે પરંતુ તેમણે ભાજપને અને ભાજપે તેમને ક્ષણાર્ધમાં ક્ષમા કરી દીધા. આમાં કોઈ કાર્યકર્તા કે નેતા ઉપર લોકોને વિશ્વાસ કેવી રીતે બેસે? રાજુભાઈ તો આગામી સમયમાં મોટા જનસમુદાયના પ્રતિનિધિ પણ બનશે. મુળી-2 જિલ્લા પંચાયતની બેઠક પર તેમને ટિકિટ અપાઈ છે. પક્ષપલટો રોકી ન શકાય પરંતુ કોઈ નેતા-અગ્રણી જ્યારે કોઈ પક્ષ વિશે બોલતા હોય ત્યારે પણ તેમણે એટલું વિચારવું જોઈએ કે કાલે સવારે ત્યાંથી નિમંત્રણ આવશે તો આપણું બોલેલું કેવું લાગશે?

છેલ્લા દોઢ દાયકામાં ગુજરાતમાં એવું યુવા નેતૃત્વ આવ્યું જેમના ઉપર પ્રજા કે કોઈ પક્ષ વિશ્વાસ મૂકી શકે તેવું તત્વ ઓછું છે. હાર્દિક પટેલ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે પરંતુ મૂલ્યો યુદ્ધમાં શેરબજાર પડયું તે રીતે પડી રહ્યાં છે. વિવિધ પક્ષો પણ અત્યારે વચનો આપવામાં વ્યસ્ત છે. મહાનગરપાલિકાઓમાં 24 કલાક પાણી આપવાનું વચન કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં આપ્યું છે. મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની પ્રથમ બેઠકમાં આ ઢંઢેરો મંજૂર કરી દેશું તેવું તેણે કહ્યું છે. ભાજપ હવે સંકલ્પપત્ર બધે રજૂ કરશે. કોઈ પૂછતું નથી કે આ વચનો પૂર્ણ કરવા માટે ક્યાંથી નાણા લાવશો? આ વચનાવલિ વ્યવહારુ છે કે નહીં, તે કોઈ જોતું નથી. રસ્તા, ગટર, લાઈટ સહિતની પ્રાથમિક સુવિધાઓ સામેના પ્રશ્નો, વરસાદી પાણીના નિકાલ માટેની સમસ્યા બે ટર્મ પહેલાંથી યથાવત્ છે. વચન અગાઉ પણ અપાયા હતા. જ્યાં જે પક્ષનું શાસન આવે ત્યાં ચૂંટણી પછી વચન ભૂલાઈ જાય છે. પ્રજા પણ જાણે છે કે મતદાનના દિવસ સુધીની જ આ વાત છે. કમનસીબી એ છે કે પ્રજા આ જાણે જ છે.

ઇ-પેપરના નવા શુલ્ક