અમેરિકા અને ઈરાન - હવે શું કરશે? ઈરાને હોર્મુઝમાંથી પસાર થનાર જહાજ ઉપર ભારે ‘ફી’ વસૂલવાની જાહેરાત કરી છે અને આ માર્ગે જે આવક થાય તે અમેરિકી આક્રમણમાં થયેલા નુકસાનના વળતર અને નવનિર્માણ માટે વપરાશે. ઓમાનને પણ અપાશે એવી જાહેરાત કરી છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે તો ધમકી આપી છે કે ઈરાનની ‘ફી’ - ટૅક્સ ચૂકવીને ખાડીમાં પ્રવેશતાં અથવા ત્યાંથી બહાર આવતાં જહાજોને ખતમ કરવામાં આવશે, અર્થાત હુમલા કરીને સજા આપવામાં આવશે. ટ્રમ્પે ખાડીના તળિયે ગોઠવેલી સુરંગો ઉખાડીને સાફ કરવાની કાર્યવાહી શરૂ થઈ હોવાનું જણાવ્યું છે - જેને ઈરાને રદિયો આપ્યો છે!
ટ્રમ્પે
હોર્મુઝની સખત નાકાબંધી કરવાનું જાહેર કર્યું છે અને વળી પાછા કહે છે - અમારે, અમેરિકા
માટે હોર્મુઝનો ઉપયોગ નથી પણ વિશ્વના દેશોને પરેશાની, હાલાકી અને આર્થિક બરબાદીમાંથી
બચાવવા માટે જરૂરી છે. ટ્રમ્પ વિરોધાભાસી નિવેદનો કરવા માટે પ્રખ્યાત છે.
પાકિસ્તાનમાં
ઈરાન સાથે વાટાઘાટ નિષ્ફળ ગયા પછી ટ્રમ્પને ‘દ્રાક્ષ ખાટી’ લાગી રહી છે! હવે કહે છે
કે સમજૂતી થાય કે નહીં અમને કોઈ ફેર પડતો નથી. કારણ કે અમે જીતી ગયા છીએ. ઈરાનની લશ્કરી
તાકાત ખતમ કરી નાખી છે. જો આ દાવો સાચો હોય તો પછી હવે ધમકી આપવાનો મતલબ શું છે?
વાસ્તવમાં
ટ્રમ્પે ઈરાનને આપેલી ધમકી વિશ્વના અન્ય દેશોને આશ્વાસન આપવા માટે છે! હોર્મુઝની ખાડી
બંધ થઈ છે આક્રમણના કારણે અને હવે દુનિયાના દેશોને એક શ્વાસમાં ધમકી અને બીજા શ્વાસમાં
આશ્વાસન આપીને ગુમાવેલી પ્રતિષ્ઠા પાછી મેળવવા માગે છે!
અમેરિકા
અને ઈરાન બંનેએ સામસામા આક્ષેપ કર્યા છે તેના કરતાં દસ વર્ષ પછી અબોલા તૂટયા અને સામસામે
વાત કરવા બેઠા એ વધુ મહત્ત્વનું છે અને હવે વાટાઘાટ નિષ્ફળ ગયા પછી તેનું પરિણામ -
અસર કેવી પડે છે તે મહત્ત્વનું છે. ધાક-ધમકીના બદલે બંને પક્ષો યુદ્ધવિરામની મુદત લંબાવીને
હજુ પણ શાણપણ બતાવે - વિશ્વને બરબાદીથી બચાવવાના પ્રયાસ કરે તે જરૂરી છે.અણુશત્રો અને
મિસાઇલ્સ બનાવવા માટે ઈરાન મક્કમ છે. તે સ્વબચાવ માટે સાર્વભૌમ અને શક્તિમાન છે, અમેરિકી
દખલ - કે દાદાગીરી નહીં ચાલે એમ કહે છે અને ટ્રમ્પ અણુ પ્રયોગ આટોપી લેવા, બંધ કરવાની
માગણી કરે છે પણ હવે પછી અમેરિકા - ઇઝરાયલ ઈરાન ઉપર આક્રમણ નહીં કરે એવી ગૅરન્ટી -
ખાતરી કોણ આપે? ઈરાન ઇચ્છે છે કે રશિયા અને ચીન બંને આવી ખાતરી આપે તો જ યુદ્ધ બંધ
થાય!
આ સંજોગોમાં
વિશ્વની મહાસત્તા - અમેરિકા ઈરાનની સંસ્કૃતિ નેસ્ત-નાબૂદ કરવાની ધમકીના બદલે સમાધાન
અને શાંતિની શરૂઆત કરે તો આખરી વિજય ટ્રમ્પનો જ હશે. ઈરાન અને અમેરિકા જ નહીં, વિશ્વના
તમામ દેશો ટ્રમ્પની વાહ-વાહ કરશે, સલામ કરશે. ઇઝરાયલે પણ પશ્ચિમ એશિયાની શાંતિ અને
ભવિષ્યને આવકારવું જોઈએ. છેલ્લા અહેવાલો મુજબ રશિયાએ ઈરાનના એનરીચ્ડ યુરેનિયમને ‘સેફ
કસ્ટડી’માં રાખવાની અૉફર કરી છે તે અમેરિકા સ્વીકારે છે કે નહીં તે જોવાનું છે. યુદ્ધ
કરનાર કરતાં યુદ્ધ રોકનાર વિજયનો હકદાર હોય છે...!