• ગુરુવાર, 18 જૂન, 2026

ઉદ્યોગ ગુર્જરી : સ્થાનિક સ્તરથી વિશ્વ સુધી

ક્ષેત્ર કોઈપણ હોય, વૈશ્વિક હોવું એ ગુજરાતની તાસીર છે અને ગુજરાતીઓનો સ્થાયીભાવ છે. આ વિશ્વસ્તરની ઉન્નત દૃષ્ટિ,   પારાવાર પરિશ્રમ થકી પ્રગતિ કરવાની માનસિકતાનો પડઘો રાજ્યની વી ઉદ્યોગ નિતિમાં સંભળાયો છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે તેવી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉક્તિ ચરિતાર્થ કરવાના સાતત્યપૂર્ણ પ્રયાસના ભાગરુપે આ ઉદ્યોગનીતિ ઘડાઈ હોવાનો અણસાર સ્પષ્ટ છે. 3.5 ટ્રિલીયન ડોલરના અર્થતંત્રના લક્ષ્ય સાથે જાહેર થયેલી આ નવી ઉદ્યોગનીતિનો સૂર લોકલથી ગ્લોબલ સુધીનો છે. સંશોધન અને નવીનીકરણને તેમાં સ્થાન છે અને મહિલા ઉત્કર્ષની પણ વાત છે. નીતિ ફક્ત સરકાર જ ઘડે અને અમલ કરે તેમ નહીં પરંતુ ઉદ્યોગકાર અને ઉદ્યોગ સાહસિક પણ તેમાં સહભાગી થાય તેવું લોકશાહી મોડેલ આ વખતે રજૂ થયું છે.

ગુજરાતની નવી ઉદ્યોગનીતિમાં યુઝ યોર ઈન્સેન્ટિવ- ચૂઝ યોર ઈન્સેન્ટિવ એટલે કે સબસિડીની નવી જ પદ્ધતિ દાખલ કરાઈ છે. રોકાણકારોને સ્થિતિસ્થાપક આર્થિક માળખું આપવા માટે આ યોજના અખત્યાર કરાઈ છે અને ફક્ત ગુજરાત નહીં, દેશના ઈતિહાસમાં આ પ્રથમ પ્રયોગ છે. ઉદ્યોગ વિકસે છતાં શહેરમાં ગીચતા અને પ્રદૂષણ ન થાય તે હેતુથી શહેરની આસપાસના વિસ્તારમાં તેનું વિસ્તરણ વધારવા માટે લક્ષ્યાંક આધારિત પર્યાવરણીય રીતે પણ સાનુકૂળ નવાં સ્થળ (ટાર્ગેટેડ હેબિટાટ રીલોકેશન ફોર ઈન્ડસ્ટ્રીયલ વાઈટાલિટી એન્ડ એન્વાયર્મેન્ટલ ઈઝ) વિકસાવવાની યોજના અહીં છે.

ગુજરાત સંશોધન અને નાવીન્યસભરતા (રીસર્ચ અને ઈનોવેશન્સ)નું કેન્દ્ર બને તે માટે રાજ્ય સરકારે 300 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. એન્ટરપ્રિન્યોર્સ માટે નવા આયામો રચવા માટે એક ઉત્તમ તક છે. મહિલા ઉદ્યોગ સાહસિકો માટે પણ અહીં જોગવાઈ છે. સ્ટાર્ટઅપના માધ્યમથી યુવાનો માટે સર્જનાત્મક રોજગારીની તક ઊભી થશે. ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે આ ઉદ્યોગનીતિને ઉદ્યોગકારોના સીમાડામાંથી બહાર કાઢીને નવસાહસિકો સુધી વિસ્તારીને યુવાનોને પ્રોત્સાહન આપવાનો અભિગમ દર્શાવ્યો છે. અંદાજ એવો છે કે પંચવર્ષીય એવી આ ઉદ્યોગનીતિના અમલથી ગુજરાતમાં કુલ 10 લાખ કરોડ રૂપિયાથી વધારેનું રોકાણ આવશે. ‘વોકલ ફોર લોકલ’નું સૂત્ર તો નરેન્દ્રભાઈ મોદીએ તેમની અગાઉની ટર્મમાં દેશને આપ્યું હતું, ગુજરાત સરકારની આ ઉદ્યોગનીતિ લોકલ ટુ ગ્લોબલ- સ્થાનિક કક્ષાથી સૃષ્ટિના સ્તર સુધી પહોંચી રહી છે.

2047માં ગુજરાતને 3.5 ટ્રિલિયન યુએસ ડોલરનું અર્થતંત્ર બનાવવાનું સપનું અહીં સેવાયું છે. ગુજરાતની આ નવી ઉદ્યોગનીતિ ઉત્કર્ષનો ઉદ્ગાર છે. તેની સાથે જ કેટલીક બાબતોનું સ્મરણ થાય, રાજકોટ પાસે અગાઉ ઓટો પાર્ક, જેતપુર પાસે ટેક્સટાઈલ પાર્ક બનાવવાની યોજના જાહેર થઈ હતી. નવી નીતિની સાથે આ જૂની વાતો પણ સમાવી લેવામાં આવે તો સાતત્ય જળવાઈ રહે. ગુજરાતની આ નવી ઉદ્યોગનીતિ દેશના અન્ય રાજ્યો માટે પણ દિશા ચિંધનારી બની શકે તેમ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક