અયોધ્યામાં ભવ્ય શ્રીરામ મંદિરમાં શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ દ્વારા ચડાવાતી ભેટની રકમમાંથી આઠ કરોડ રૂપિયા જેટલી રકમ લૂંટવામાં આવી હોવાના અહેવાલ ચોંકાવનારા-ચિંતાકારક છે. શ્રદ્ધા ઉપર આ કલંક છે. અયોધ્યામાં રામલલ્લાનાં દર્શન માટે દેશ-વિદેશથી લાખ્ખો લોકો આવે છે. અત્યાર સુધીમાં આંકડો કરોડો ઉપર પહોંચ્યો હશે. દર્શનાર્થીઓ મંદિરમાં જે ભેટ ચડાવે તેની ગણતરી વિશ્વાસુ કર્મચારીઓ દ્વારા થાય છે ત્યારે આ વિશ્વાસઘાત લોકોની શ્રદ્ધા સાથે થયો છે. આ ‘લૂંટ’ની ‘ખબર’ સૌપ્રથમ સમાજવાદી પાર્ટીના એક પૂર્વ વિધાયકે જાહેર કરી ત્યારે મંદિર ટ્રસ્ટે રદિયો આપ્યો હતો પણ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે સોશિયલ મીડિયામાં અભિયાન શરૂ કર્યું: આ ‘ઘટના’ને રાજકીય સ્વરૂપ મળ્યું. તે પછી મંદિર ટ્રસ્ટે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પાસે ચોવીસ કલાકમાં ત્રણ ઉચ્ચ અધિકારીઓની સમિતિ નીમીને સાત દિવસમાં પ્રાથમિક અહેવાલ માગ્યો છે. ફાઈનલ રિપોર્ટ પંદર દિવસમાં સુપરત થશે.
રાજ્ય
સરકારનો ત્વરિત નિર્ણય રામ મંદિર - નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ આવકાર્યો
છે. આ તપાસ સમિતિના ત્રણ સભ્યોમાં લખનઉના ડિવિઝનલ કમિશનર વિજય વિશ્વાસપંત, ઈન્સ્પેક્ટર
જનરલ કિરણ તથા નાણાખાતાના વિશેષ સચિવ નીલ રતન છે. આઈજી કિરણે સીબીઆઈ તથા ઈન્ટરપોલમાં
સેવા આપીને તાજેતરમાં જ નવી જવાબદારી સંભાળી છે.
ભેટની
રકમની ગણતરી કેવી રીતે થાય છે અને દેખરેખની વ્યવસ્થા કેવી છે તેની તમામ વિગતવાર તપાસ
થશે.
જે
શખસો અત્યાર સુધી પકડાયા છે - તેમાંના બે કર્મચારી તો માસિક અઢાર હજાર રૂપિયાનું વેતન
મેળવતા હતા અને જોતજોતાંમાં અયોધ્યામાં માલેતુજાર મિલકતોના માલિક બની બેઠા છે, પણ મંદિર
ટ્રસ્ટ અથવા જાગૃત નાગરિકોના ધ્યાનમાં આ વાત આવી નહીં તે આશ્ચર્ય છે. આલીશાન ઈમારતના
દ્વારે માલિકના નામ સાથે હિન્દુજન જાગૃતિ અને મંદિરનું નામ જોડવામાં આવે તેથી શું જવાબદાર
અધિકારીઓ અને નાગરિકો આંખ મીંચીને વંદન કરે?!
અખિલેશ
યાદવ તો રાજકારણ કરે જ. તેની નવાઈ નથી પણ હવે ઉચ્ચ કક્ષાની તપાસ સમિતિ નીમવાના નિર્ણયને
આવકાર આપવાને બદલે તેઓ કહે છે - મંદિરના પંડિતો - પૂજારીઓની તપાસ અધિકારીઓ કરે તે સનાતન
ધર્મનું અપમાન છે! તો શું ટ્રસ્ટ અને રાજ્ય સરકાર તપાસ કરવાને બદલે હાથ જોડીને ભજન
- કીર્તન કરે?
રામ
મંદિર અભિયાનમાં શરૂઆતથી જોડાયા હતા તે વિનય કટિયાર કહે છે મંદિર ટ્રસ્ટ ચલાવતા કેટલા
સભ્યો ‘ચોર’ છે! તપાસ સમિતિનું કાર્ય ભેટ-સોગાદની લૂંટ પૂરતું મર્યાદિત છે પણ વિનય
કટિયારનું નિવેદન પણ તપાસવું જોઈએ. એમણે ટ્રસ્ટ ઉપર ગંભીર આક્ષેપ કર્યો છે તેની નોંધ
લઈને તપાસ સમિતિએ વિનય કટિયાર તથા ટ્રસ્ટીઓને પણ બોલાવીને પૂછપરછ કરવી જોઈએ. હકીકતમાં
ટ્રસ્ટીઓએ સામે ચાલીને આવી તપાસની માગણી કરવી જોઈએ.
અખિલેશ
યાદવ કહે છે કે ચોર પકડાય નહીં તો અમે પકડીને હાજર કરીશું. તો એમની પૂછપરછ પણ થવી જોઈએ.
આ ‘લૂંટ’ની
તલસ્પર્શી તપાસનો અહેવાલ આવ્યા પછી વ્યવસ્થાતંત્રમાં જરૂરી સુધારાની જાણ જાહેર જનતા
સમક્ષ આવે તો જ શ્રદ્ધા દૃઢ બનશે.
તિરુપતિબાલાજીના
પ્રસાદમાં નકલી-ચરબીયુક્ત ઘી વપરાયાના વિવાદ પછી આ ‘લૂંટ’ની ઘટના માત્ર અપરાધની ‘ઘટના’
છે કે કોઈ કાવતરું? તે સ્પષ્ટ થવું જરૂરી છે.