ગઉછની ટીમે કટર વડે બસના પતરાં કાપી મુસાફરોને બહાર કાઢ્યા, 27 ઈજાગ્રસ્ત સયાજી હોસ્પિટલમાં દાખલ
વડોદરા,
તા.17: વડોદરા નજીક જરોદ રોડ પર આજે વહેલી સવારે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો
છે. જરોદ-વડોદરા રોડ પર આવેલા કોટંબી ગામ પાસે હાઇવે પર એક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે
ટક્કર થઈ હતી. આ બનાવમાં અત્યાર સુધીમાં સાત જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે બસમાં
સવાર અન્ય 27 મુસાફર ઈજાગ્રસ્ત થયા છે.
મળતી
પ્રાથમિક માહિતી અનુસાર, આ ગોઝારો અકસ્માત વહેલી સવારના સુમારે સર્જાયો હતો. બાલાજી
ટ્રાવેલ્સની લક્ઝરી બસ રાજસ્થાનના બાસવાડાથી સુરત તરફ જઈ રહી હતી, આ દરમિયાન અચાનક
આગળ જઈ રહેલી ટ્રકના પાછળના ભાગે બસ ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસના આગળના
ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં
લક્ઝરી બસમાં સવાર બાળક સહિત 7ના મૃત્યુ થયા હતા તેમજ અન્ય 27 જેટલા મુસાફરોને પણ નાની-મોટી
ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. તમામ
ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે વડોદરાની જાણીતી સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં
આવ્યા છે, જ્યાં હાલ તેમની સઘન સારવાર ચાલી રહી છે. અકસ્માતની ગંભીરતા અને ફસાયેલા
મુસાફરોને જોતા બચાવ કામગીરી માટે તાત્કાલિક એનડીઆરએફ ટીમને બોલાવવામાં આવી હતી. એનડીઆરએફ
જવાનો દ્વારા બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં
આવી. જેમાં ભારે જહેમત બાદ બસના પતરાં કાપીને ઈજાગ્રસ્તો અને મૃતદેહોને બહાર કાઢવામાં
આવ્યા હતા. આ ઉપરાંત, ઘટનાની જાણ થતાં જરોદ પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી
આવ્યો હતો. પોલીસે મૃતદેહોનો કબજો મેળવી તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ
ધરી છે, અને હાઈવે પર ટ્રાફિક જામ ન થાય તે માટેની કામગીરી પણ શરૂ કરી છે. અકસ્માત
કયા કારણોસર સર્જાયો તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.