રાજકોટના બાળસંરક્ષણ ગૃહમાંથી બાળકો નાસી છૂટયાની ઘટના અત્યંત ગંભીર છે. અલબત્ત, ન્યાયપાલિકાની પ્રક્રિયાનો તે હિસ્સો છે, નાસી જનારની વયથી લઈને અનેક બાબતો છે તેમ છતાં ત્યાં જે જવાબદારો છે તેની તો અત્યંત અક્ષમ્ય બેદરકારી છે. જે કાર્યવાહી પૂર્ણ કરીને, જે કંઈ પગલાં લેવાના થતા હોય તે ત્વરિત લેવાવા જોઈએ અને તે એવાં પગલાં હોય કે ભવિષ્યમાં રાજ્યના કોઈ પણ આવા સ્થળે સ્ટાફ ઊંઘતો ઝડપાય નહીં. સરકારના અન્ય વિભાગો, સુરક્ષાની અન્ય કોઈ બાબતો અને બાળ સંરક્ષણગૃહ વચ્ચે ઘણો તફાવત છે. ત્યાં ફરજ પર જે કર્મચારી, અધિકારી હોય તેમની વ્યાવસાયિક જવાબદારી અને સંવેદના બન્ને અહીં વધારે હોવા જરુરી છે.
રવિવારે
સવારે વહેતા થયેલા સમાચાર રાજકોટ માટે અત્યંત ચોંકાવનારા હતા. 24 કલાક ગતિવિધિઓથી ધમધમતા
ગોંડલ રોડ પર આવેલા સરકારી બાળ સંરક્ષણગૃહમાંથી એક-બે નહીં પરંતુ 11 બાળક નાસી છૂટયા
હતા જે પૈકી એક તો પાકિસ્તાની હતો. ગૃહના સી.સી.ટી.વી. કેમેરા તોડી, લોખંડની મજબૂત
જાળી તોડીને તેઓ નાસ્યા હતા. આવા સંરક્ષણ ગૃહની ભૂમિકા જ એ હોય કે સમજણ ન હોય તેવી
વયે, અજાણતાં અપરાધ થયો હોય તો તે સગીર કે બાળકને વયસ્ક અપરાધીની રીતે સજાપાત્ર ઠેરવવાને બદલે તેઓ જીવનના
મુખ્યપ્રવાહમાં પુન: આવી શકે, તેમનું મનોવલણ હિંસક અને નકારાત્મક ન થઈ જાય તે રીતે
ત્યાં તેઓને રાખવામાં આવે.
આ બાળકો-સગીરોને
ત્યાં ફક્ત કેદ નથી રખાતા પરંતુ તેમની માનસિકતા, વર્તન બદલાય તેવા પ્રયાસ પણ થતા હોવાની
વિભાવના છે. તેવા સંજોગોમાં પણ 11 બાળઆરોપી દીવાલ કૂદીને નાસી જાય તે કેવુ? ઘટનાને
24 કલાક થયા છે, હેલમેટ પહેર્યા વગર નીકળેલા નાગરિકોને આંખના પલકારામાં પકડી લેતી પોલીસ
11 પૈકી 4 બાળકને હજી પકડી શકી નથી. બાળ સંરક્ષણ ગૃહના વોર્ડન અને અન્ય કર્મચારીઓને
નોટિસ આપીને ખુલાસા પૂછવામાં આવ્યા છે. તેમની સામે પગલાં નહીં લેવાય તેવી ધારણા કરવાનું
વહેલું ગણાશે પરંતુ અત્યંત આકરાં પગલાં લેવાવા જ જોઈએ તેવી અપેક્ષા રાખવી વ્યર્થ નથી.
જો બાળ સંરક્ષણ ગૃહ પણ સુરક્ષિત નથી તો બીજું શું સુરક્ષિત છે તે સવાલ ઘણો મહત્વનો
છે.
11
સગીર દૂર જાય તે પૂર્વે 7ને પકડી લેવાયા છે. જો આમાંથી કોઈને નાસ્યા પછી કંઈ થયું હોત,
ક્યાંય ઈજા થઈ હોત તો જવાબદારી કોની? સંરક્ષણ ગૃહમાં રહેતા બાળકો ઉપર નજર રાખવાનું
કામ સ્ટાફનું છે. આવડી મોટી ઘટના બની ત્યાં સુધી કોઈને ખબર પણ પડી નહીં તે પણ સામાન્ય
બાબત નથી. શક્ય તેટલા ત્વરિત પગલાં જરૂરી છે.