• ગુરુવાર, 18 જૂન, 2026

ચાર વર્ષ બાદ શિવસેનામાં ફરી ભંગાણ, ઉદ્ધવસેનાના છ સાંસદ શિંદેસેનામાં

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ, તા. 17 : મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી માટે 20મી જૂન, 2022ના દિને મતદાન બાદ અવિભાજિત શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે સામે એકનાથ શિંદેએ આગેવાની હેઠળ સફળ બળવો કર્યો તેના બરાબર ચાર વર્ષ બાદ આજે ફરી શિવસેના (ઠાકરે)માંથી છ સાંસદો વિખુટા પડતા ફરી ભંગાણ પડયું છે. આ બગાવત પછી શિવસેના (ઠાકરે) પાસે લોકસભામાં ફક્ત ત્રણ સાંસદો શેષ છે. આ છ સભ્યોએ પોતે શિવસેના (ઠાકરે)થી અલગ થતાં હોવાનું જણાવ્યું છે.

આગામી દિવસોમાં શિવસેના (ઠાકરે)ના વિધાનગૃહોના કેટલાક સભ્યો અને મુંબઈના નગરસેવકો પણ શિવસેનામાં જોડાશે એવી અટકળો શરૂ થઈ છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાને આપવામાં આવેલા પત્રમાં સંજય જાધવ, સંજય દેશમુખ, નાગેશ પાટીલ-આષ્ટીકર, ઓમરાજે નીમ્બાળકર, સંજય દીના પાટીલ અને ભાઉસાહેબ વાકચૌરનો સમાવેશ થાય છે. હવે શિવસેના (ઠાકરે)માં અરવિંદ સાવંત, અનિલ દેસાઈ અને રાજાભાઉ વાઝે બચ્યા છે. આવતી 19મી જૂને શિવસેનાનો સ્થાપના દિવસ છે. તે સમયે આ છ સાંસદો ઔપચારિક રીતે શિવસેનામાં સામેલ થશે એમ કહેવાય છે.

શિવસેનાના થાણેના સાંસદ નરેશ મ્હસ્કેએ જણાવ્યું છે કે શિવસેના (ઠાકરે)ના મુંબઈના 65 નગરસેવકો ઉદ્ધવ ઠાકરેની સાથે રહે છે કે કેમ તે જોવાનું છે. મ્હસ્કેની આ પરોક્ષ ચેતવણી પછી શિવસેના (ઠાકરે)ની નેતાગીરીની ચિંતામાં વધારો થયો છે. આવતી 22મી જૂનથી મહારાષ્ટ્રના વિધાનગૃહોનું ચોમાસું અધિવેશન શરૂ થવાનું છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક