• ગુરુવાર, 18 જૂન, 2026

ફરજિયાત ‘ટેટ’ પાસ કરવાના વિરોધમાં શિક્ષકો મેદાને !

સુપ્રીમ કોર્ટના આદેશ સામે રાજ્યભરમાં શિક્ષકોનો વિરોધ, 2010 પૂર્વેના શિક્ષકોને મુક્તિની માગ

રાજકોટ, મોરબી, અમરેલી, બગસરા, પોરબંદરમાં શિક્ષક સંઘોની આગેવાનીમાં હજારો શિક્ષકો ધરણા ઉપર ઉતર્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)

રાજકોટ, તા. 17: ગુજરાતમાં શિક્ષકોની બદલી અને પરીક્ષાઓને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે હવે રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોએ સરકાર સામે બાંયો ચડાવી છે. સુપ્રિમ કોર્ટે તમામ શિક્ષકો માટે ટેટની પરીક્ષા પાસ કરવી ફરજિયાત કરી છે, જો શિક્ષકો ટેટ પાસ ન કરે તો તેમને રાજીનામું આપવું પડશે અથવા નિવૃત્તિ લેવી પડશે તેવો આદેશ કરવામાં આવતાં રાજ્ય પ્રાથમિક શિક્ષક સંધ દ્વારા પ્રેરિત આંદોલનના ભાગરૂપે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં શિક્ષકો દ્વારા હવે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

રાજકોટ : રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ મહાસંઘે જણાવ્યું હતું કે, આજે દેશભરમાં અંદાજે 25 લાખ જેટલા અને સમગ્ર ગુજરાતના 75 હજાર કરતા વધુ શિક્ષકોના હિતો, અધિકારો અને ભવિષ્ય સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ પ્રશ્ન સામે અમે ઉભા છીએ. ટેટ સંબંધિત જોગવાઈઓને સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાને અનુસંધાને વર્ષ 2010 પૂર્વે નિયુક્ત થયેલા શિક્ષકોમાં ચિંતા અને અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે જેના વિરોધમાં આવતીકાલે તા.18ને ગુરુવારે બપોરે 3 થી 5.30 સુધી બહુમાળી ચોકમાં શાંતિપૂર્ણ ધરણા-પ્રદર્શન કરવામાં આવશે અને પ્રધાનમંત્રી તેમજ કેન્દ્રિય શિક્ષણ મંત્રીને સંબોધતું આવેદનપત્ર આપવામાં આવશે.

બગસરા : અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ‘ટેટ પરીક્ષા મુક્તિ કાર્યક્રમ’ અંતર્ગત આજે એક વિશાળ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ આંદોલનના ભાગરૂપે જિલ્લાભરના પ્રાથમિક શિક્ષકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને ધરણા કર્યા હતા અને ત્યાર બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. શિક્ષક સંઘના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, વર્ષોથી સેવા આપતા અને અનુભવી શિક્ષકો પર ફરીથી ટેટ પરીક્ષા થોપવી એ અન્યાયકર્તા છે. 

મોરબી : ‘ટેટ’ પરીક્ષા મુક્તિ માટે આજે મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જીલ્લા કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાના ધરણા કરી આવેદન આપવામાં આવ્યું હતું સાંજે 4 કલાકથી શિક્ષકો ધરણા પર બેઠા બાદ કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.

અમરેલી : અમરેલીમાં લીલીયા રોડ ઉપર આવેલી ભારતીબાની વાડી ખાતે એક દિવસીય ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના આ કાર્યક્રમમાં 1000થી વધુ શિક્ષકોના સિહનાદથી સમગ્ર અમરેલી ગુજી ઉઠયું હતું. કાર્યક્રમ માત્ર વિરોધ પ્રદર્શન ન રહેતા શિક્ષકોની અભૂતપૂર્વ એકતા, શક્તિ અને દ્રઢ સંકલ્પનું પ્રતિક બન્યો હતો.

પોરબંદર : પોરબંદર જિલ્લાના શિક્ષકોએ ટેટની પરીક્ષામાંથી મુક્તિ આપવા સંદર્ભે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બાઈક રેલી કાઢીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર, કેબિનેટ મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય અર્જૂનભાઈ મોઢવાડિયા તેમજ કુતિયાણા-રાણાવાવના ધારાસભ્ય કાંધલ જાડેજાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ ઉપરાંત કેન્દ્રિય કેબિનેટ મંત્રી અને સંસદસભ્ય મનસુખભાઈ માંડવિયાને પણ આવેદનપત્ર આપવામાં આવશે તેવું જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે જણાવ્યું હતું.

અમદાવાદ : અમદાવાદ કલેક્ટર કચેરી બહાર અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ દ્વારા ધરણા પ્રદર્શન કરી 2010 પહેલાના શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આંદોલનના ભાગરૂપે અરવલ્લી જિલ્લા પંચાયત કચેરી ખાતે પણ મોટી સંખ્યામાં શિક્ષકો ધરણા ઉપર બેસી ગયાં હતાં. વિરોધના ભાગરૂપે ‘રામધૂન’  બોલાવી પ્રશાસનનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક