• ગુરુવાર, 25 જૂન, 2026

લોહીમાં પણ ભેળસેળ, મનુષ્યતા માંદી પડી

ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરવાની અત્યંત વરવી અને ધુત્કારવા પાત્ર પ્રવૃત્તિ તો ગુજરાતમાં એક પ્રકારે હવે ઉદ્યોગ બની ગઈ છે. વધારે પૈસા કમાવાની લ્હાયમાં, નફાખોરો માણસોના જીવ સાથે રમે છે. અત્યાર સુધી ડેરી કે ફરસાણ માર્ટના નામ ભેળસેળમાં આવતા પરંતુ અધમતાની પરાકાષ્ટા કોને કહેવાય તે તો હજી હવે ખબર પડી જ્યારે અમદાવાદમાં દરદીઓને અપાતા લોહીમાં પણ સલાઈન વોટરનું મિશ્રણ થતું હોવાનું ખૂલ્યું. પ્રશાસન, પોલીસથી લઈને સંબંધિત જે કોઈ હોય તેમની ભૂમિકા, નિક્રિયતા, ઊંઘ તો અહીં ચર્ચાનો મુદ્દો છે જ પરંતુ મનુષ્યતાને, નીતિમત્તાને શું થયું છે? સમાજ કઈ દિશા તરફ જઈ રહ્યો છે? તે વિચાર પણ અહીં ઘૂમરાયા કરે.

કેન્સર કે અન્ય કોઈ પણ ગંભીર કે અસાધ્ય ગણાતી બીમારી માટે સંખ્યાબંધ લોકો સેવા કરે, દરદીઓને આર્થિક મદદ કરે એવી પ્રવૃત્તિઓની વચ્ચે સમાજનો એક અન્ય વરવો ચહેરો પણ અચાનક દેખાયો, ચોંકાવનારી આ ઘટના એ કે કેન્સરના દરદીઓને અપાતા ‘બ્લડ પ્લાઝમા’માં ભેળસેળ થતી હોવાનું ખૂલ્યું. જીવન-મૃત્યુની લડાઈ લડતા હોય તેવા દરદીઓને ‘પ્લાઝમા’  અપાતા હોય. અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં એક મકાન ભાડે રાખીને કેટલાક લોકો ‘પ્લાઝમા’ની કોથળીમાંથી અસલી ‘પ્લાઝમા’ કાઢી લઈને તેમાં ગ્લુકોઝનું પાણી ભેળવી દેતા હતા. ‘પ્લાઝમા’નો બારોબાર વેપાર થતો હોવાની આશંકા છે. ‘એન્ટી કેન્સર કંપની’ના ‘બ્લડ પ્લાઝમા’ની ચોરી કરી તેમાં આ ભેળસેળ થતી હતી. પોલીસ હજી આ કિસ્સાની સઘન તપાસ કરી રહી છે પરંતુ બહુ મોટી વાત છે, આ પ્રકારના પ્લાઝમા દરદીને અપાઈ જાય તો થાય શું? ડોક્ટરના પ્રયાસ, દરદીના સગાના હજારો રૂપિયાના ખર્ચ છતાં તે બચે નહીં.

પોલીસે ચાર વ્યક્તિની ધરપકડ કરીને કેટલીક સામગ્રી ઝડપી લીધી છે. અત્યાર સુધીમાં કેટલા દરદીઓને આ ભેળસેળવાળું લોહી આપી દેવાયું હશે. ખાવાની વસ્તુઓમાં મિશ્રણ, અખાદ્ય કહી શકાય તેવી વસ્તુઓનું વેચાણ તો બહુ થાય છે. અત્યારે તો સરકાર તેની વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહી છે.

શહેરની હોટલોમાં દાઝિયું તેલ, સડેલું પનીર, વાસી બ્રેડનો જથ્થો દરરોજ ઝડપાય છે. આ વેપારીઓને જરાય એવું થતું નહીં હોય કે પોતે થોડા રૂપિયા કમાવા માટે તેઓ પોતાના જ ગ્રાહકોના સ્વાસ્થ્ય કે જીવ જોખમમાં મૂકે છે! ગોલા કે આઈસક્રીમ, કેરીનો રસ કે બેકરીની વસ્તુઓમાં ધમધોકાર ભેળસેળ થાય. ફરાળી કહેવાતો લોટ ફરાળી નથી હોતો. ખાદ્ય પદાર્થો માટેનો આપણો કાયદો તદ્દન પાંગળો છે. કોઈને સજા નથી થતી. આર્થિક દંડનો કોઈ ડર નથી કારણ કે ખોટું કરીને આટલું કમાયા હોય તેમાંથી થોડા રૂપિયાનો દંડ ભરવો તેમને પોસાય.

ભેળસેળ કરનાર સામે ફોજદારી ફરિયાદ થાય, કેદ થાય કે તેનાથી પણ વધારે આકરી સજા થાય તો જ લોકોમાં ફડકો પેસે. અમદાવાદમાં બનેલા લોહીમાં ભેળસેળના કિસ્સામાં તો આરોપીઓને એવી સજા થવી જરૂરી છે કે તેના પડઘા આખા દેશમાં પડે. દરદીને ચડાવવાના લોહીમાં પણ જો ભેળસેળ થતી હોય તો બીજી કઈ વસ્તુ બાકી રહે. કાનૂન, તંત્રની જવાબદારી ઉપરાંત સામાજિક ઉત્તરદાયિત્વ, સામાજિક નિસબત જેવી બાબતો પણ અહીં ઊભી રહે. ‘સબ કો સન્મતિ દે ભગવાન’નો જાપ અત્યારે તો વિકલ્પ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક