• શુક્રવાર, 26 જૂન, 2026

જીવ ઉચક થઈ રહ્યા છે

વરસાદની આગાહી દરરોજ થઈ રહી છે, વરસાદ અપેક્ષા અનુસાર આવતો નથી. મુંબઈમાં બુધવારે ધમધોકાર, ધોધમાર વર્ષા થઈ છે. પરંતુ દેશના વિવિધ વિસ્તારો હજી વરસાદની પ્રતિક્ષામાં છે અને તેમાં ગુજરાત પણ છે જ. હવે એ સ્પષ્ટ છે કે આ સ્થિતિ ‘અલનીનો’ની અસરને કારણે છે. નબળું ચોમાસું આર્થિક-સામાજિક સ્થિતિ અને દેશના ભવિષ્ય ઉપર વિપરિત અસર પાડશે તે નક્કી છે.

2026-27ના વર્ષમાં અલનીનોની અસર રહેશે. અત્યારે તે અસરની સંભાવના 80% છે અને નવેમ્બર સુધીમાં 90% થશે. વૈશ્વિક સ્તરે આ સંદર્ભે સંશોધન કરી રહેલા વિજ્ઞાની સંસ્થાનોનો અભિપ્રાય એવો છે કે 1950 પછી આટલી તીવ્રતા સાથે અલનીનો પહેલીવાર આકાર લઈ રહ્યું છે. આની ઉપેક્ષા ભારે પડી શકે છે. માત્ર વાતાવરણની આ આગાહી કે અનુમાન નથી, ખાદ્ય સુરક્ષા, અધિક રોજગારી, મોંઘવારી અને આર્થિક વિકાસ દર ઉપર ઝળુંબી રહેલા જોખમની આ ઘંટડી છે.

આપણી વર્તમાન કે અગાઉની કેન્દ્ર સરકારે, વિવિધ રાજ્યોની સરકારે જળત્રોતો, જળ સંચયના અનેક પ્રકલ્પો, ઉપાયો કર્યા છે, તેનો ઈનકાર કરી શકાય નહીં. ગુજરાતમાં જ આકાર પામેલી-સાકાર થયેલી ‘સૌની’ યોજના તેનું વિશિષ્ટ ઉદાહરણ છે પરંતુ ફક્ત ત્રોત હોવાથી- સંગ્રહ સ્થાન હોવાથી શું થશે? આખરે પાણી આવવું જરૂરી છે અને ભારતમાં કૃષિ માટે, પીવા માટે જળ ત્રોતો ભરાવા જરૂરી છે તેમાં 70% જથ્થો વરસાદી પાણીથી જ આવે છે. અત્યારે જ વરસાદમાં 92%ની ઘટ છે.

જળ ત્રોતમાં ઘટાડો, કૃષિ ઉત્પાદન ઓછું આ બધું તો થશે જ સાથે ગરમીનું પ્રમાણ વધશે તો શ્રમિકોની ઉત્પાદકતાથી લઈને અન્ય સમસ્યા પણ થશે. અત્યાર સુધીના અપૂરતા વરસાદને લીધે ખરીફ પાકની વાવણી પણ થવી જોઈએ એટલી-એવી થઈ નથી. છેલ્લી સ્થિતિ એવી છે કે, દેશમાં 315 જિલ્લા સંભવિત રૂપથી દુષ્કાળથી અસરગ્રસ્ત થશે. 111 જિલ્લા અત્યંત સંવેદનશીલ છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે દુષ્કાળ સંદર્ભે બેઠક યોજી છે.

દુષ્કાળની શક્યતા માત્ર ખેડૂતની સમસ્યા નથી. અનાજ મોંઘું થશે તેને લીધે અન્ય વર્ગના લોકોના ખિસ્સા ઉપર પણ ભારણ વધવાનું છે. સૌરાષ્ટ્ર તો વર્ષોથી સિંચાઈ માટે બાહ્ય જળ ત્રોતો ઉપર આધારિત છે. અહીં કોઈ બારમાસી નદી નથી, ડેમો છે જેમાં જળ જથ્થો ઘટતો જાય તો પ્રશ્નો ઉભા થાય જ. નર્મદા જળ આધારિત યોજના સૌરાષ્ટ્ર માટે જીવાદોરી બની છે. આજે પણ આ સ્થિતિ છે. ચિંતા એટલે જ છે કે વરસાદ જ ન પડે તો બહારથી આવતું પાણી પણ કેવી રીતે આવશે?

ઇ-પેપરના નવા શુલ્ક