126
વર્ષના શક્તિશાળી ભૂકંપથી તારાજી : મૃત્યુઆંક હજારોમાં પહોંચવાની દહેશત : કારાકાસ સહિતના
મોટા શહેરો ધ્વસ્ત
કારાકાસ,
તા. 25 : વેનેઝુએલામાં બુધવારે સાંજે માત્ર 40 સેકન્ડના ગાળામાં સાતથી વધુની તીવ્રતાના
બે શક્તિશાળી ભૂકંપે દેશના ઘણા વિસ્તારને ખેદાનમેદાન કર્યા હતા. ધરતીકંપના કારણે ઈમારતો
પત્તાના મહેલની જેમ ધરાશાયી થવા લાગી હતી અને ચારે તરફ બિહામણા દ્રશ્યો સર્જાયા હતા.
આ આફતમાં 164ના મૃત્યુ થયા હતા અને 971 જેટલાને ઈજા પહોંચી હતી. વધુમાં સેંકડો લોકો
લાપતા થયા હતા. વેનેઝુએલાની સ્થિતિના અંદાજે મૃત્યુઆંક હજારો સુધી પહોંચે તેવી પણ આશંકા
વ્યક્ત થઈ રહી છે. વેનેઝુએલાના કારાકાસ સહિતના મોટા શહેરોમાં તબાહી મચાવી હતી. પહેલો
ભૂકંપ 7.1ની તીવ્રતાનો હતો જેની અમુક સેકન્ડમાં જ 7.5ની તીવ્રતાનો વિનાશકારી ભૂકંપ
નોંધાયો હતો. જે વેનેઝુએલાના ઈતિહાસમાં છેલ્લા 126 વર્ષનો શક્તિશાળી ભૂકંપ હતો. ઈમારતોના
કાટમાળમાંથી લોકોને બચાવવા માટે સેના સહિતની ટીમોએ યુદ્ધના ધોરણે રેસ્કયુ ઓપરેશન શરૂ
કર્યું હતું તેમજ દુનિયાભરમાંથી રેસ્કયુ ટીમોને રવાના કરવામાં આવી હતી. આ ઉપરાંત ઘણા
દેશોએ વેનેઝુએલાને દરેક સંભવ મદદની તૈયારી બતાવી હતી.
વેનેઝુએલામાં
સ્થાનિક સમય અનુસાર સાંજે 4.04 વાગ્યે 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું
કેન્દ્રબિંદુ મોરોનના પશ્ચિમમાં મોંટાલબાન પાસે 13 કિમીની ઉંડાઈએ હતું. આ ભૂકંપની અમુક
સેકન્ડમાં જ ફરીથી મોંટાલબાન પાસે 7.5ની તીવ્રતાનો બીજો અને પહેલાથી વધારે શક્તિશાળી
ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની અસર એટલી હદે વ્યાપક હતી કે તેનો અનુભવ પાડોસી દેશ કોલંબિયામાં
પણ થયો હતો. ભૂકંપના કારણે રાજધાની કારાકાસ અને અન્ય મોટા શહેરોમાં ભારે દહેશત ફેલાઈ
હતી, લોકો જીવ બચાવવા માટે સડક અને ખુલ્લી જગ્યા તરફ ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન અલ્તમિરા
વિસ્તારમાં 22 માળની ઈમારત જમીનદોસ્ત થઈ હતી. લોકો કાટમાળ ઉપર ચડીને પોતાના પરિજનોને
શોધી રહ્યા હતા. સૌથી વધારે નુકસાન કારાકસમાં જ જોવા મળ્યું હતું. જેમાં ગગનચુંબી
ઈમારતો
ધ્રુજવા લાગી હતી અને જોખમી સ્થિતિ બની હતી.
વિનાશકારી
ભૂકંપ બાદ દેશમાં અફરાતફરીનો માહોલ બન્યો હતો. આવી સ્થિતિ વચ્ચે કાર્યકારી રાષ્ટ્રપતિ
ડેલ્સી રોડ્રિગેઝે દેશને સંબોધનમાં નેશનલ ઈમર્જન્સીનું એલાન કર્યું હતું. દેશના તમામ
તબીબો, નર્સ અને સ્વાસ્થય કર્મચારીઓને નાજુક સ્થિતિમાં કામ ઉપર પરત ફરવા હાથ જોડીને
અપીલ કરી હતી. આ ઉપરાંત તમામ શાળા કોલેજો અને શૈક્ષણિક સંસ્થાનોને બંધ કરીને ત્યાં
રાહત છાવણીઓ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત લોકોને સાવધાની રાખવા
તેમજ મેદાન અને ખુલ્લા વિસ્તારમાં રહેવા અપીલ કરવામાં આવી હતી. ભૂકંપ બાદ દેશની રાજધાની
કારાકાસ અને અન્ય વિસ્તારોમાંથી તબાહીના દ્રશ્યો સોશિયલ મીડિયા ઉપર પણ સામે આવ્યા હતા.
જેમાં ચારેતરફ વેરાન અને કાટમાળ બનેલી ઈમારતો જોવા મળી હતી.
ભૂકંપ
બાદ અમેરિકી તપાસ એજન્સી યુએસજીએસએ આશંકા વ્યક્ત કરી હતી કે ભીષણ આફતમાં 10,000થી લઈને
એક લાખ લોકો પોતાનો જીવ ગુમાવી શકે છે. જેના કારણે વેનેઝુએલા તરફથી ઓરેન્જ એલર્ટ જાહેર
કરવામાં આવ્યું હતું.
વેનેઝુએલાની
નાજુક સ્થિતિને ધ્યાને રાખીને ભારત, અમેરિકા, ડોમિનિક રિપબ્લિક, અલ સલ્વાડોલર, મેક્સિકો
અને કતરે રેસ્કયુ ટીમો મોકલવાની ઘોષણા કરી હતી. આ ઉપરાંત ચીન, બ્રાઝીલ અને ઘણા કેરેબિયન
દેશોએ માનવીય સહાયતાનો પ્રસ્તાવ આપ્યો હતો.