અમદાવાદ
સાયબર ક્રાઈમે
રેલવે પોલીસની મદદથી મુખ્ય આરોપીને ચાલુ
ટ્રેનમાંથી દબોચ્યો
મુકેશ
તિવારી એપીકે ફાઈલ ડેવલપ કરતો, ટેલિગ્રામ બોટથી 300-400 ગ્રાહકને ફાઈલનું વેચાણ કરાતું
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.25: સામાન્ય નાગરિકોના સ્માર્ટફોનને રિમોટ એક્સેસ દ્વારા હેક કરીને મિનિટોમાં બેન્ક
ખાતામાંથી લાખો રૂપિયા સેરવી લેતી એપીકે ફાઇલ બનાવનાર અને તેનું દેશવ્યાપી નેટવર્ક
ચલાવનાર અત્યંત હાઇટેક આંતરરાજ્ય ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો
છે.
સાયબર
ક્રાઈમ ડીસીપી લવિના સિન્હાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં એપીકે
ફાઈલ મારફતે બેન્કિગ ફ્રોડની અનેક ફરિયાદો મળી રહી હતી. આ ફરિયાદોની ટેકનિકલ અને માનવ
આધારિત તપાસ દરમિયાન એક સંગઠિત ગેંગ કાર્યરત હોવાની માહિતી મળી હતી. તપાસ દરમિયાન સૂત્રધાર
પુર્ણાનંદ ઉર્ફ મુકેશ તિવારી સુધી પહોંચવામાં સફળતા મળી હતી. આરોપી મુંબઈથી પશ્ચિમ
બંગાળ તરફ ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ચોક્કસ બાતમીના આધારે કોલકાતાના કિશનગંજ જતી
ટ્રેનમાં તેની હિલચાલ પર નજર રખાઈ હતી. રેલવે પોલીસના સહયોગથી આરોપીને ટ્રેનમાંથી જ
ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિકાસ દાસ અને સીતારામ મંડલની પણ પોલીસે ધરપકડ કરી
હતી. આ ત્રણેય આરોપીઓ અલગ-અલગ ભૂમિકા ભજવીને દેશભરમાં લોકોને ઓનલાઈન ઠગાઈનો શિકાર બનાવતા
હતા.
સાયબર
ક્રાઈમની તપાસ મુજબ પુર્ણાનંદ તિવારી વર્ષ 2025થી એપીકે ફાઈલ ડેવલપર તરીકે કામ કરી
રહ્યો હતો. તે વિવિધ બેન્કો, આરટીઓ ચલણ મેમો, ગેસ બિલ, અને નાણાકીય સંસ્થાઓના નામે નકલી મોબાઈલ એપ્લિકેશન
તૈયાર કરતો હતો. તેણે અત્યાર સુધીમાં 18 જેટલી જાણીતી બેન્કોના નામે એપીકે ફાઈલો બનાવી
હોવાનું ખુલ્યું છે. આ ફાઈલો 300-400 ગ્રાહકોને માસિક રૂ.12,000ના સબ્સક્રિપ્શન પર
વેચતો હતો. આરોપી દ્વારા બનાવવામાં આવેલી એક એપીકે ફાઈલ સરેરાશ 10 હજાર જેટલા લોકો
સુધી પહોંચાડવામાં આવતી હતી. દેશભરમાં 300થી વધુ ગ્રાહકોને આ પ્રકારની ફાઈલોનું વેચાણ થયું હોવાનું ખુલ્યું છે. પ્રાથમિક તપાસમાં માત્ર અમદાવાદમાં જ અંદાજે રૂ.17
લાખથી વધુની છેતરાપિંડી આચરાઈ હોવાનું સામે આવ્યું છે.