• મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026

ખેડૂત ચિંતામાં, સરકાર અવઢવમાં

રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ અપૂરતો હોવા છતાં તે વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા ન હોવાથી ચિંતાની સ્થિતિ છે. ખેડૂતો નિરાશાનો અનુભવ કરી રહ્યા છે. બીજી તરફ સરકાર તરફથી આ અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. જો કે, વરસાદ પડવાની આગાહી હજી છે. આશા તો તમામ પક્ષે છે પરંતુ હવે સત્તાવાર રીતે કોઈ નિર્ણય અને જાહેરાત થઈ જાય તેવી અપેક્ષા બળવત્તર બની છે. તજજ્ઞ કહે છે કે, વરસાદ હવે પડે તો પણ ખરીફ પાકને તેનો વધારે ફાયદો થવાની શક્યતા નથી. રવિ પાકમાં તે ઉપયોગી થઈ શકે.

રાજ્યના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી સોમવારે જામકંડોરણા હતા. ઓછો વરસાદ, ઘણા ક્ષેત્રમાં દુષ્કાળ જેવી સ્થિતિ, ખરીફ પાકમાં ઘટાડો થવાની શંકા વિશે તેઓ કાર્યક્રમમાં કશું બોલ્યા નહોતા. અપેક્ષા એવી હતી કે કૃષિ ક્ષેત્રનો સમુદાય જ્યાં એકઠો થવાનો છે ત્યાં કૃષિમંત્રી પોતાના મંત્રાલય તરફથી કે સરકારના પ્રવક્તા તરીકે કોઈ આશ્વાસન મળે તેવી વાત કરશે પરંતુ તેવું થયું નહીં. રાજ્યના કેટલાક વિસ્તારોમાં સ્થિતિ ચિંતાજનક છે અને હવે નિર્ણય લેવાનો સમય છે. ગુજરાતમાં ઋતુનો 80 ટકા વરસાદ થઈ ગયો છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં રાજ્યમાં સારો વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ગીર અને અમરેલીમાં સારા વરસાદથી સંતોષ છે.

જો કે, ભાદર સહિતના મોટા જળાશય હજી સુધી સંતુષ્ટિ થાય તેવી રીતે ભરાયા નથી. સિંચાઈના પાણીની તકલીફ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની ઘટ છે. પોરબંદર અને જામનગરના કેટલાક વિસ્તારમાં સરેરાશ કરતા ઓછો વરસાદ છે. પશ્ચિમ કચ્છના લખપત, અબડાસામાં વરસાદની ઘટ છે. આ તમામ વિસ્તારના ખેડૂતો ચિંતામાં છે અને દુષ્કાળની સ્થિતિ તેમણે માની લીધી છે. તેમની અપેક્ષા એવી છે કે, રાજ્ય સરકાર જિલ્લા-તાલુકા દીઠ સરવે કરાવે અને ક્યાં શું સ્થિતિ છે? તેની ચકાસણી કરે. વરસાદ ઓછો પડે, ડેમ ન ભરાય તેમાં સરકારનો કોઈ દોષ નથી. ઉલટું સૌની યોજના જેવા મોટા પ્રકલ્પોને કારણે પીવાના પાણીની મુશ્કેલી અગાઉની સરખામણીમાં ઓછી થઈ રહી છે. મુદ્દો માત્ર ઓછા વરસાદવાળા વિસ્તારમાં સ્થિતિ સ્પષ્ટ કરવાનો છે. સરકાર શક્ય તેટલું વહેલું તે પગલું ભરી લે અને શું આયોજન છે? તે જાહેર કરે તો ખેડૂતોની ચિંતા ઓછી થાય.

કુદરતી જે બાબતો સરકારના નિયંત્રણમાં નથી તેના વિશે સ્પષ્ટ વાત કરવામાં કોઈ મુશ્કેલી પણ હોવી જોઈએ નહીં. ખેડૂતો માટેની અનેક સારી યોજના રાજ્યમાં અમલી છે જ. સરકાર ફક્ત આ કપરી પરિસ્થિતિમાં શું કરશે તેની જ જાહેરાતની અપેક્ષા છે.

ઇ-પેપરના નવા શુલ્ક