• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

ઉગ્રતામાં અસરકારતા અને ઔચિત્ય ચૂકાઈ ન જાય

દિલ્હીમાં ધમાલ છે. દોઢ- બે માસ પહેલાં જે જંતર-મંતર વિસ્તાર વિદ્યાર્થીઓના આંદોલનથી ધબકતો હતો તે વિસ્તાર અને અન્ય રસ્તાઓ અત્યારે કોંગ્રેસ તથા અન્ય વિપક્ષોના આંદોલનથી ધ્રુજી રહ્યા છે. મુદ્દો છે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાનો. એસઆઈઆર મુદ્દે અત્યંત ઉશ્કેરાયેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ મંગળવારે રાહુલ ગાંધી- પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં ચૂંટણી મુખ્યાલય સુધી ધસી ગયા. ભારે ઘર્ષણ થયું. પોલીસ મોટી સંખ્યામાં ત્યાં હોવા છતાં ટોળાંને નિયંત્રણમાં લેવામાં તેને મુશ્કેલી પડી. જો કે આંદોલનની આખી ઘટમાળ જોનારના મનમાં સતત એક પ્રશ્ન છે કે કાર્યકર્તા અને નેતાઓની ઉગ્રતા અને ઉશ્કેરાટમાં ક્યાંક ઔચિત્યભંગ થઈ જાય નહીં.

લોકતંત્રમાં કોઈ વિપક્ષ કે સંગઠન, વિદ્યાર્થી કે શ્રમિક વિરોધ કરે, આંદોલન કરે તેનો ઈનકાર થઈ શકે નહીં. ખુલ્લો વિરોધ સ્વસ્થ લોકશાહીનું લક્ષણ છે. વિદ્યાર્થી આંદોલન સમયે તો સંઘના વડા મોહન ભાગવત પણ આમ કહી ચૂક્યા છે અને પછીથી તે આંદોલનકર્તાઓ માટે સર્વોચ્ચ અદાલતે પણ એ વલણ અપનાવ્યું હતું. આંદોલન અને અરાજકતા વચ્ચેની ભેદરેખા બહુ જાડી નથી. તેથી જે કોઈ પણ વિરોધ કરતું હોય તેણે તે સીમામાં રહેવું જોઈએ કારણ કે સરકાર ભલે વિરોધીઓના વિચાર મુજબની હોય કે ન હોય પરંતુ સરકારી મિલકતો અને જાહેર શાંતિ તો પ્રજાની જ છે. મંગળવારે ચૂંટણીપંચ સામે કોંગ્રેસના ઉગ્ર દેખાવ હતા. રાહુલ ગાંધી અને તેમના કાર્યકર્તાઓ સૂત્રોચ્ચાર કરતા કરતા ત્યાં પહોંચ્યા પછી ચિત્ર થોડું બદલાયું હતું.

રાહુલ અને અન્ય વિપક્ષોએ મતદારયાદીનો મુદ્દો પકડયો છે અને તેની સામે આંદોલન કરવાનો તેમનો અધિકાર છે પરંતે મંગળવારે જે થયું, રાહુલ અને પ્રિયંકાબહેન ચૂંટણી મુખ્યાલયમાં જવાનો પ્રયાસ કરતા રહ્યા તેમાં એક વર્ગને ઉગ્રતા લાગી. તેમનું એક પણ ઉતાવળું પગલું દેશની શાંતિને ડહોળી શકે તેનો ખ્યાલ રાખવો જરૂરી છે.  ઉલ્લેખનીય છે કે સોમવારે જ જ્ઞાનેશકુમાર અને ચૂંટણીપંચ સંદર્ભે સર્વોચ્ચ અદાલતે અત્યંત મહત્વનો ચુકાદો આપી દીધો હતો. મુખ્ય ચૂંટણી કમિનશરને સસ્પેન્ડ કરવાની માગણી કોર્ટે ગ્રાહ્ય રાખી નથી સાથે જ સ્પષ્ટ કહ્યું હતું કે ચૂંટણીપંચના નિર્ણય જો બહુમતિથી નહીં હોય તો તેના ઉપર નિયંત્રણ મૂકાશે. ફોર્મ-6માં થયેલા ફેરફારની જાણ સુપ્રીમને નથી તેવું પણ કહ્યું હતું. આ નિર્ણય પછી પણ આંદોલન ચાલી રહ્યું છે. આજે તે ઘણું ઉગ્ર બની ગયું. ગઈકાલના ચુકાદા પરથી ધ્યાન હટીને આજે ચૂંટણી કમિશનરેટ સુધી પહોંચવાના કોંગ્રેસના પ્રયાસો ઉપર લોકોની નજર ચોંટી ગઈ હતી. લોકતંત્રને બચાવવાનો દાવો રાહુલ ગાંધી કરી રહ્યા છે પરંતુ આંદોલન તીવ્ર અને અસરકારક હોવું જોઈએ, તે ઉગ્ર હોય તો જ તેની અસર થાય તે જરૂરી નથી. ઔચિત્ય કોઈ પણ આંદોલનની પ્રથમ શરત છે. રાહુલ હોય કે અન્ય વિદ્યાર્થી સંગઠનો, દિલ્હીમાં વાતાવરણ ગરમ છે. હજી આગામી દિવસોમાં ચૂંટણીપંચ મુદ્દે આંદોલન થવાના છે ત્યારે તેમાં એવું કોઈ પગલું કોઈ નેતા કે કાર્યકર્તાઓએ ભરવું ન જોઈએ જેને લીધે પ્રજાને નુકસાન થાય અને તે મહેણું કાયમ માટે આંદોલનકારીઓ ઉપર આવે. સંયમ કોઈ પણ લડાઈની સફળતાનું મહત્વનું અંગ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક