• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

ડૅક્ટરોને મોંઘી દવાઓ લખવા મોંઘી ભેટ આપતી દવા કંપનીઓને ડોઝ દેવાશે

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કાનૂની ઉપાયો માટે સમિતિની રચના કરવા આપેલો નિર્દેશ

નવી દિલ્હી, તા. 8: દવાની કંપનીઓ દ્વારા ડૉક્ટરોને મોંઘીદાટ દવાઓ લખવા માટે લલચાવવા માટે મોંઘી ભેટસોગાદો આપવાની પ્રથા મામલે સુપ્રીમ કોર્ટ તરફથી કેન્દ્ર સરકારને એક સમિતિની રચના કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આ સમિતિ એવા સૂચનો ઉપર વિચાર કરશે અને સરકારને એવી ભલામણો આપશે જેનાથી ફાર્મા કંપનીઓ અનૈતિક માર્કેટિંગ પદ્ધતિ વાપરતી અટકે.

જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની પીઠે, જ્યાં સુધી કોઈ અસરકારક કાયદો ન બની જાય ત્યાં સુધી દવા કંપનીઓનાં અનૈતિક માર્કેટિંગને નિયંત્રિત કરવા માટે માર્ગદર્શિકા આપવા માટે માગણી કરતી અરજી ઉપર સરકારને આ આદેશ આપ્યો હતો.

કેન્દ્ર સરકારે 8મી સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, તે ત્રણ સદસ્યની એક પેનલ બનાવે છે. આ પેનલ એક કાનૂની માળખું બનાવવા માટે સૂચન કરશે જેથી દવા કંપનીઓનાં અનૈતિક કામો અટકાવવાનું સુનિશ્ચિત કરી શકાય. સમિતિ પોતાનો રિપોર્ટ સોંપી શકે તે માટે કેન્દ્ર સરકારે બે સપ્તાહનો સમય માગેલો.

હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પોતાનો આદેશ આપતા કહ્યું છે કે, ભારત સરકારને એક સમિતિ બનાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. જે પોતાની ભલામણો સરકારને સોંપશે અને આ આદેશનાં અનુપાલન સોગંદનામા ઉપર વિચાર કરવા માટે આગામી સુનાવણી 29મી જાન્યુઆરીએ નિર્ધારિત કરી હતી.

 

બાળકોને મેદસ્વીતા ઘટાડતી દવા આપતા સાવધાન : ઠઇંઘની ચેતવણી

ડબલ્યૂએચઓ અનુસાર વધુ વજન ધરાવતાં બાળકો માટે દવા અને સર્જરી સમાધાન નથી

નવી દિલ્હી, તા. 8 : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન બાળકોમાં મેદસ્વીતા ઘટાડવાની દવા અંગે સાવધાન થઈ જવા ચેતવણી આપી છે. ડબલ્યૂએચઓ અનુસાર વધુ વજન ધરાવતા બાળકો માટે દવા અને સર્જરી સમાધાન નથી. પોતાના દિશાનિર્દેશોમાં સંસ્થાએ સંતુલિત આહાર, શારીરિક ગતિવિધિની ભલામણ કરી છે. ડબલ્યૂએચઓએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે, 0થી 9 વર્ષ સુધીનાં બાળકો માટે વજન ઘટાડવાની દવાઓ,  પાચન તંત્ર કે પેટ સંબંધિત ચિકિત્સા કે અન્ય ઉપકરણોનો ઉપયોગ કરવાની ભલામણ થતી નથી.

ડબલ્યૂએચઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે 10થી 19 વર્ષના કિશોરો માટે વજન ઘટાડવાની દવાઓ ઉપર વિચાર કરી શકાય છે અને આ ઉપયોગ પણ દેખરેખ હેઠળ થવો જોઈએ. વધુ પડતી મેદસ્વીતાનો સામનો કરતા કિશોરો માટે આકરી શરતો હેઠળ જ સર્જરી કરવામાં આવી શકે છે. આંકડા અનુસાર વર્ષ 2024માં દુનિયાભરમાં પાંચથી નવ વર્ષની આયુષ્યના લગભગ સાત કરોડ બાળકો અને

10થી 18 વર્ષના 10 કરોડ કિશોર મેદસ્વીતાથી ગ્રસ્ત હતા. પાંચથી 19 વર્ષના લોકોમાં મેદસ્વીતાનો દર વર્ષ 1990ના બે ટકાથી વધીને 2024માં 8 ટકા થયો હતો.

આ દરમિયાન એક શોધમાં સામે આવ્યું છે કે વજન ઘટાડવા માટે છેલ્લાં અમુક વર્ષમાં કેલેરી ઘટાડતું ડાયેટ પ્રચલિત થઈ રહ્યું છે. જો કે આવા ડાયેટમાં શરૂઆતમાં વજન ઘટી શકે છે પણ લાંબા સમય સુધી વજન ઘટેલું રાખવું પડકારજનક બની શકે છે તેમજ ઘણા લોકોનું વજન ફરી વધે છે. આવી પ્રક્રિયામાં ઓછી કેલરીનું ભોજન, એકાતરા ઉપવાસ સહિતના અલગ અલગ નિયમો સામેલ હોય છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક