• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

વાંકાનેરના ખાનપર ગામે મારામારીમાં વૃદ્ધનું મૃત્યુ, હત્યાનો ગુનો નોંધાયો

મોરબી, વાંકાનેર તા.8 : વાંકાનેર તાલુકાના ખાનપર ગામે યુવતીને ભગાડી જવાના મામલે પૂછપરછ કરવા ગયેલા પરિવાર ઉપર ઘાતક હુમલો કરાયાની હચમચાવનારી ઘટના સામે આવી છે. આ મારામારીમાં ગંભીર રીતે ઘાયલ થયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં સમગ્ર મામલો હત્યામાં પલટાયો છે. વાંકાનેર તાલુકા પોલીસે આઠ શખસ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ખાનપર ગામે રહેતા હેમુભાઈ સગરામભાઈ સરવૈયાની ભત્રીજી હેતલ થોડા દિવસો પહેલા ઘરેથી મળી આવી ન હતી. અગાઉ આ યુવતી ગામના જ કિશન દેવા મકવાણા સાથે પકડાઈ હોય અને તેને કિશન ભગાડી ગયો હોવાની શંકા હતી. જેથી હેમુભાઈ, તેમના પિતા સગરામભાઈ સામતભાઈ સરવૈયા તેમજ પરિવારના અન્ય સભ્યો કિશનના ઘરે પૂછપરછ કરવા ગયા હતા.  દરમિયાન, કિશનના પિતા દેવાભાઈ મકવાણા સહિત આઠ ઈસમોએ ઉશ્કેરાઈને બોલાચાલી કરી ગાળો આપી હતી અને લાકડી-ધોકા જેવા હથિયારોથી હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન દેવાભાઈ ઉકાભાઈ મકવાણાએ સગરામભાઈના માથામાં લાકડીનો ઘા ઝીંકી દેતા તેઓ લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા. પરિવારજનો તાત્કાલિક તેમને વાંકાનેર હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડ્યા હતા, જ્યાં ફરજ દરમિયાન તેમનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે દેવાભાઈ ઉકાભાઈ મકવાણા, કિરણભાઈ, વિપુલભાઈ, રાજુભાઈ, મનસુખભાઈ, ભરતભાઈ, વિરમભાઇ અને જેમાભાઇ મકવાણા સહિત કુલ આઠ વિરુદ્ધ હત્યા અને મારામારીની કલમો હેઠળ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક