• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

રાજકોટની ત્રણ સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં પણ વિવાદોનો જંગ ખેલાશે ?

રાજકોટ જિલ્લા બેંક, ડેરી અને માર્કેટ યાર્ડના શાસકોની મુદ્દત પૂરી, હવે ચૂંટણી જાહેરાતની રાહ

રાજકોટ,તા. 8(ફૂલછાબ ન્યૂઝ) સહકાર જગતમાં રાજકોટની ચાર સંસ્થાઓ દુઝણી ગાય જેવી છે એમાં હવે ચૂંટણીની મોસમ શરૂ થવાની હોવાથી ફરી રાજાકિય ડ્રામા શરૂ થઇ ગયો છે. વિવાદો વચ્ચે હાલમાં જ રાજકોટ લોધીકા સંઘની ચૂંટણી પૂરી થઇ છે પણ હવે રાજકોટ માર્કેટ યાર્ડ, રાજકોટ જિલ્લા બેંક અને રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના વર્તમાન શાસકોની મુદ્દત પૂરી થઇ ચૂકી છે ત્યારે એક પછી એક ચૂંટણીઓ જાહેર થવાની છે, એમાં બળાબળના પારખાં થવાના એંધાણ છે.

સહકારી જગતની ચૂંટણીનો ચકરાવો હવે શરૂ થવામાં છે એના સંકેત ગઇકાલે બેડી યાર્ડમાં અગ્રણી જયેશ રાદડિયાના નિવેદનથી મળી ચૂક્યાં છે. તેમણે યાર્ડમાં એવું કહ્યું હતુ કે ચૂંટણી હવે જ્યારે જાહેર થશે ત્યારે અમે મેદાનમાં હોઇશું જ. ખેડૂતો માટે કરેલા કાર્ય ચૂંટણીમાં મત માગવા કામ આવશે, નહીં કે રાજાકિય લાભ લેવા માટે કૂદી પડવાની પ્રવૃત્તિ. રાજકોટ લોધીકા સંઘની ચૂંટણી હાલમાં જ પૂરી થઇ એમાં હજુ હોદ્દેદારોની વરણીનું મુહૂર્ત નીકળ્યું નથી પણ એ પૂર્વે ગોઠવાતા સોગઠાંએ અગ્રણીઓનું ધ્યાન ખેંચ્યું છે.

સંઘની ચૂંટણીમાં પક્ષે અગાઉ મેન્ડેટ જાહેર કર્યા હતા. બાદમાં મેન્ડેટ વિના પણ કોઇને ઉમેદવારી કરવી હોય તો છૂટ આપવામાં આવી હતી. બાદમાં બે ઉમેદવારો મેન્ડેટ વિના અને ભાજપના નિયમ વિરૂધ્ધ જીતી આવ્યા. જેના પરિણામે સંઘનું વાતાવરણ હજુ ગરમ છે. એવામાં જયેશ રાદડિયાના બેડી યાર્ડમાં કરેલા નિવેદને ચૂંટણી માહોલ જામશે તેવો ઇશારો

કર્યો છે.

ઉલ્લેખનીય છેકે, રાજકોટ માર્કેટ યાર્ડ, રાજકોટ જિલ્લા બેંક અને રાજકોટ ડેરીની મુદ્દત પૂરી થઇ ચૂકી છે. સંસ્થાઓ તરફથી સહકાર વિભાગને મુદ્દત પૂરી થયાની જાણ કરી દેવામાં આવી છે. પરંતુ કોઇપણ કારણે ચૂંટણીની જાહેરાત થતી નથી.

જયેશ રાદડિયાએ આ મુદ્દે જણાવ્યું કે, યાર્ડની ચૂંટણી પ્રથમ જાહેર થાય એવી શક્યતા નકારી ન શકાય. તેમણે એમ પણ ક્હયું કે, સંઘમાં થયું તેનું પુનરાવર્તન થવાની શક્યતા ઓછી છે કારણકે યાર્ડ કે અન્ય સંસ્થાઓમાં મતદારો ઝાઝા છે. સંઘમાં 60 જેટલા જ મતદારો હતા. હવે વિશાળ મતદારો ધરાવતી સંસ્થાઓ છે.

જોકે જયેશભાઇના આ નિવેદનને કબૂલીએ તો યાર્ડમાં ગઇકાલે તેમણે વિરોધીઓ (પક્ષમાં રહેલા)ને ભૂતકાળની ચૂંટણીમાં મળેલા મતની તાજી કરાવીને અમે હજુ મેદાનમાં પૂરી તાકાત સાથે ઉભા છીએ તેવો કોલ આપ્યો હતો.

વધુ મતદારો ધરાવતી સંસ્થાઓ ભલે હોય પણ ત્રણેય સંસ્થાઓમાં ભૂતકાળની ચૂંટણી કે વિવિધ વરણીઓમાં વિવાદો હંમેશા કેન્દ્રસ્થાને રહ્યા છે ત્યારે હવે આગામી મહિનાઓમાં શું થાય છે તેના પર વિવેચકોની નજર છે. એકાદ સંસ્થાની ચૂંટણીની જાહેરાત કદાચ નોરતા કે દિવાળી બાદ થઇ જાય એવી શક્યતા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક