• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

પગલા નહીં ચેતવણી

દેશના મુખ્ય ચૂંટણી કમિશનરને પદ ઉપરથી હટાવવાની અરજી સુપ્રીમ કોર્ટે માન્ય રાખી નથી પરંતુ ‘એસઆઈઆર’ની કાર્યવાહી અંગે સ્પષ્ટતા કરવા નોટિસ પાઠવી છે. ચૂંટણી કમિશનરનું સસ્પેન્શન આમ પણ સંભવ નહોતું પરંતુ કોર્ટ ચૂંટણી પંચને નોટિસ આપે તે ઘટના પણ સામાન્ય તો નથી જ. અત્યાર સુધી પંચ તરફથી એવું કહેવાયું હતું કે, બધી પ્રક્રિયા પારદર્શક થઈ છે તે પછી હવે કોર્ટે આ નોટિસ આપી છે. જો કે, કોઈ કોર્ટ કોઈ આંદોલનકર્તાની માગ કે અભિપ્રાયના આધારે ચુકાદો આપે પણ નહીં પરંતુ અહીં એટલું કહેવું યોગ્ય રહેશે કે, જ્ઞાનેશકુમાર સામે ચાલી રહેલા આંદોલન તથા થયેલા આક્ષેપોની અસર થઈ છે, ન્યાયપાલિકા તેને વશ થઈ નથી.

મતદાર યાદી સઘન સુધારણા પ્રક્રિયા અંતર્ગત 13 કરોડ મતદારોના નામ રદ થઈ ગયા હોવાની ગંભીર વાત બહાર આવી તે પૂર્વેથી સમગ્ર પ્રક્રિયા વિવાદાસ્પદ રહી હતી. વિપક્ષોએ તો દોઢ વર્ષથી આ મુદ્દે મોરચો માંડેલો જ છે. ગયા અઠવાડિયે ત્રણમાંથી બે ચૂંટણી કમિશનરોએ એવું કહ્યું કે, તેમણે દસ મહિનામાં ચૌદ વાર લેખિત ફરિયાદ સમગ્ર પ્રક્રિયા અંગે કરી છે. આ મુદ્દે રીતસરનો સંગ્રામ શરૂ થયો હતો. રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ તથા જેનું આયુષ્ય હજુ અલ્પ છે તે કોંક્રોચ પાર્ટી સહિતના સંગઠનો મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માગણી સાથે રસ્તા ઉપર ઉતર્યા છે.

મુખ્ય ચૂંટણી કમિશનરની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી ઉભી રહે તે જ નોંધપાત્ર બાબત છે. સુનાવણી દરમિયાન સોમવારે સુપ્રીમ કોર્ટના જસ્ટીસ સૂર્યકાંતની બેંચે ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવાનો ઈનકાર કરી દીધો છે સાથે જ કોર્ટે એવી નોટિસ આપી છે કે સ્પેશિયલ ઈલેક્ટ્રોલ રોલ રિવીઝન એટલે કે એસઆઈઆર પ્રક્રિયા અને ફોર્મ-6 જેવા મુદ્દાઓ ઉપર જે સવાલ ઉભા થયા છે તેને કોર્ટે ગંભીરતાથી લીધા છે. કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ બંને પાસે આ અંગે જવાબ માગ્યો છે. કોર્ટમાં થયેલી અરજીમાં એવી દલીલ થઈ હતી કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર દ્વારા થયેલી કાર્યવાહી અન્ય કાર્યવાહીમાં કમિશનરોની સહમતી નહોતી. મુખ્ય ચૂંટણી કમિશનરનું સસ્પેન્શન તો નથી થયું પરંતુ ચૂંટણી પંચ સરીખી સંસ્થાની પવિત્રતાની ચર્ચા દેશમાં તમામ સ્તરે થઈ એટલું સ્પષ્ટ છે કે, ચૂંટણી પંચ માત્ર કાગળ ઉપર નહીં પરંતુ વ્યવહારમાં પણ નિષ્પક્ષ હોવું જોઈએ. સુપ્રીમ કોર્ટે સોમવારે જે કહ્યું તેમાં એક મુદ્દો એ પણ છે કે ફોર્મ-6 માટે સુપ્રીમની મંજૂરી પંચે લીધી નહોતી.

સુપ્રીમ કોર્ટે નોટીસમાં કાયદાકીય પ્રક્રિયા અને સંસ્થાકીય સર્વ સંમતિનું પાલન કરવાનું અનિવાર્ય છે તેમ કહી દીધું છે. ચૂંટણી પંચે સત્વરે તમામ દસ્તાવેજો જાહેર કરી પારદર્શકતા સિદ્ધ કરી દેવી જોઈએ જેથી તેમની વિરૂદ્ધ થયેલા આક્ષેપો અંગે સ્પષ્ટતા થઈ જાય. આ આખો પ્રશ્ન લોકશાહી પરંપરાની તટસ્થતાનો છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં વિવિધ સ્તરે ચાલી રહેલા આંદોલન ઉપર કોર્ટના આ વલણની અસર પડશે. સસ્પેન્ડ કરવાનો ઈનકાર કોર્ટે કર્યો છે તેથી માગણી સ્વીકારાઈ નથી પરંતુ આંદોલનકર્તાઓ એટલો સંતોષ માની શકશે કે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ તો પાઠવી છે.

વિરોધમાં પણ વિરોધ અને બોધ

જેન-ઝી આંદોલન અને આક્રોશની આડમાં પોતાના રાજકીય રોટલા શેકવા માટેની તક અનેક રાજકીય પક્ષોને દેખાઈ રહી છે, આથી કેન્દ્રીય મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના વિરોધમાં શરૂ થયેલા આંદોલનમાં મહારાષ્ટ્રમાં પોતાની પ્રસ્તુતતા-પ્રાસંગિકતા ગુમાવી બેઠેલા ઠાકરેબંધુઓ (ઉદ્ધવ અને રાજ) તથા આમ ગઠબંધનમાં હોવા છતાં અનેક વખત એકમેકથી વિમુખ થયેલી મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષોએ મુંબઈમાં વિરાટ ગર્જના મોરચો રવિવારે યોજ્યો. જમાવબંદી જાહેર કરાઈ હોવા છતાં આઠથી દસ હજાર લોકો આ મોરચામાં ઉમટ્યા. જોકે, આનાથી ઠાકરેબંધુઓને ખરેખર કેટલો લાભ થશે અને મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષોનો રાજ ઠાકરે સામે વિરોધ-વાંધો તથા શિવસેના (ઉબાઠા) અને કૉંગ્રેસ વચ્ચે સહમતી અને સહકારનો વારંવાર અભાવ સામે આવતો રહે છે. રાજકીય લાભ ખાટવાનો આશય રાહુલ ગાંધીનો પણ છે અને પોતાના અસ્તિત્વ માટે લડી રહેલા મહાવિકાસ આઘાડી ગઠબંધનના ઘટક પક્ષો પણ આ કોરસમાં જોડાયા છે. મહારાષ્ટ્રમાં મતદારયાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર)માં બે કરોડ નામ દૂર કરાયાં છે. મોરચાના આયોજકોએ સહભાગી થનારાઓને તિરંગો ઝંડો ફરકાવવાની સૂચના આપી હતી. મોરચો ભલે રાજકીય પક્ષના નેજા હેઠળ યોજાયો ન હોવા છતાં તેનો આશય રાજકીય લાભથી પ્રેરિત હોવાનું સ્પષ્ટ છે. શુક્રવારે કૉકરોચ જનતા પાર્ટી અને રવિવારે ઠાકરે બંધુઓના મોરચા સાથે ફડણવીસ સરકારે જે રીતે કામ લીધું અને પોલીસની હાજરી હોવા છતાં બળપ્રયોગ ન કરાયો એ બાબતનો પણ ઉલ્લેખ થવો ઘટે.

મતદારયાદીઓમાં સુધારા થવા સમયની માગ છે તથા બે વાર નામ હોવા, મૃત્યુ પામેલી વ્યક્તિઓનાં નામ વગેરે જેવી અનિયમિતતા દૂર કરવા સાથે એ પ્રક્રિયા અંગે જનતાના મનમાં શંકા નિર્માણ ન થાય એ જોવાનું કામ સરકાર અને ચૂંટણી પંચનું છે, પણ ચીફ ઈલેક્શન કમિશનરની નિયુક્તિ માટેના કાયદામાં થયેલા ફેરફાર અને એ પછી એસઆઇઆરને જોડી લઈ વિરોધી પક્ષો સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પહેલા નીટ પરીક્ષાના પેપર ફૂટવાના મુદ્દે અને હવે એસઆઇઆરને લઈ વડા પ્રધાનને નિશાન બનાવવાનો કારસો છે. રાજ ઠાકરેએ મોરચામાં એસઆઇઆર રદ કરવાની અને ચૂંટણીઓ બેલેટ પેપર પર યોજવાની માગ કરી. તો, ઉદ્ધવ ઠાકરેએ આક્રમક ભાષાનો ઉપયોગ કરતાં કહ્યું કે, આજે પગલું ઉપાડવાની જરૂર પડી છે, આગળ જતાં હાથ પણ ઉપાડવો પડશે. રાજ ઠાકરેએ તો ત્યાં સુધી કહ્યું કે, એસઆઇઆર રદ નહીં કરાય તો અમે ચૂંટણીઓનો બહિષ્કાર કરશું. જોકે, તેમની આ વલણથી કૉંગ્રેસના પૃથ્વીરાજ ચવ્હાણ સહમત નથી. આવી તો અનેક બાબતોમાં આ પક્ષો વચ્ચે એકમત નથી. આંદોલન-મોરચો યોજાઈ ગયો અને દેશભરમાં એસઆઇઆર બાબતે વિરોધનો સૂર છે ત્યારે આની નોંધ લઈ સરકાર-ચૂંટણી પંચે મતદારોને સંતોષ થાય એવાં પગલાં લેવાં જોઈએ. મુખ્ય ચૂંટણી કમિશનરનું રાજીનામું આનો ઉકેલ નથી, પણ વિરોધ કરનારાઓ કહીં પે નિગાહેં, કહીં ઔર નિશાના ધરાવે છે. નીટ પેપર લીક વિરોધ વખતે તો શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું, એવું આ વખતે પણ થશે એવું માની લેવાનું કોઈ કારણ નથી.

ઇ-પેપરના નવા શુલ્ક