• રવિવાર, 28 એપ્રિલ, 2024

રોજિંદા જીવનમાં આચારસંહિતા અવરોધ બને નહીં

આગલા બે મહિના દેશભરમાં ચૂંટણી જ એકમાત્ર ચર્ચાનું કેન્દ્ર રહેશે અને તેનું મુખ્ય કારણ આચારસંહિતા લાગુ થવાથી શાસકીય કાર્યાલયોમાં કે એકંદરે સરકારી સ્તર પર આરામનો મૂડ હોય છે. આચારસંહિતાના નામ હેઠળ અત્યંત આવશ્યક કામોની ટાળાટાળ કરવામાં આવતી હોય છે. મુખ્ય ચૂંટણી કમિશનરે દિલ્હીમાં ચૂંટણીની ઘોષણા કરવાની સાથે બીજી બાજુ રાજ્યોમાં સરકારી કર્મચારીઓએ અનેક ફાઈલો કબાટમાં બંધ કરવાનું શરૂ કરી દીધું છે. હવે લગભગ દૈનિક કાર્યવાહીમાં 50 ટકા કપાત થઈ છે એમ મનાય છે. ચૂંટણી આયુક્તે ચૂંટણીના સંદર્ભોના કામ કરતીવેળા સરકારી કામોની આચારસંહિતા પણ સામાન્ય જનતાને જણાવવી જોઈએ જે પ્રમાણે પક્ષોને આ કામમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની યાદી આપવામાં આવે છે, ચૂંટણી પંચની વેબસાઈટ પર તેની વિસ્તૃત માહિતી હોય છે, પરંતુ સામાન્ય માણસોથી સંબંધિત કેટલાંક રોજિંદા અત્યંત આવશ્યક કામ કરવા કે નહીં તેનો કોઈ ખુલાસો નથી. આમજનતાની ફરિયાદનું નિરાકારણ કરે એટલે તે વ્યક્તિની તરફેણ છે એમ માની આચારસંહિતાનો ભંગ થયાનું કારણ આગળ ધરવામાં આવે છે તે યોગ્ય નથી.

ચૂંટણીકાળમાં આચારસંહિતાનો ‘દંડૂકો’ દાખવી સરકારી તંત્રની મનમાની વધતી હોય છે. કામ ન કરવાની માનસિક્તા તો હોય જ છે, પરંતુ જે બાબતને ચૂંટણીથી, રાજકારણથી, મતદાનથી કંઈ સંબંધ ન હોય તે પણ બંધ કરવાનું કહેવામાં આવે છે. નિયમિત લેવાતા તાલીમ વર્ગો, કાર્યશાળા, ચર્ચા, પરિસંવાદ માટે આ આચારસંહિતોનો હાઉ ઊભો કરવામાં આવે છે. ચૂંટણી પંચ જે આચારસંહિતા જાહેર કરે, નિયમ બનાવે તેનું સરેઆમ ઉલ્લંઘન મુખ્યત્વે રાજકારણીઓ દ્વારા જ થતું હોય છે.

અનેક ઠેકાણે તો લગ્નના હૉલ બુક થતા હોય છે, પરંતુ એ જ હૉલ મતદાન માટે જોઈએ એટલે લગ્ન કરનારાઓને બીજા હૉલમાં સ્થળાંતરિત કરવાનું કહેવામાં આવે છે. વ્યવસ્થા ખુદ ચૂંટણી પંચે કરવી જોઈએ અથવા અૉનલાઈન પદ્ધતિથી આવી ફરિયાદો નોંધાવવાના તંત્ર કાર્યરત કરવા જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક