• રવિવાર, 28 એપ્રિલ, 2024

જીવનધોરણમાં સુધારો

લોકસભાની ચૂંટણીની જાહેરાતની સાથે અમલમાં આવેલી  આદર્શ આચારસંહિતાને લીધે મતગણતરીનાં પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી ભારતમાં વિકાસનાં કામો અને સરકારની સિદ્ધિની

સત્તાવાર જાહેરાત પર પ્રતિબંધ આવી ગયો છે. આ બધી આંટીઘૂંટી વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા માનવ વિકાસ અહેવાલમાં ભારતમાં નાગરિકોનાં જીવનસ્તરમાં સુધારો આવ્યો હોવાનું ઉત્સાહજનક ચિત્ર દુનિયા સમક્ષ મુકાયું છે. આવું જ લિંગ આધારિત સમાનતામાં સામે આવ્યું છે.

યુએનના માનવ વિકાસના 2023ના અહેવાલ મુજબ 2022માં 193 દેશની યાદીમાં ભારત આગળ વધીને 134માં સ્થાને પહોંચ્યું છે. કોઇપણ દેશમાં સામાન્ય નાગરિકોનાં જીવનસ્તરમાં સુધારો બતાવે છે કે, ત્યાંની સરકાર નાગરિકોનાં જીવનધોરણમાં સુધારો કરવામાં વાસ્તવમાં સફળ થઇ રહી છે.  

જીવનધોરણમાં સુધારાના આવકારદાયક અહેવાલની સાથોસાથ લિંગ આધારિત અસમાનતાનાં પ્રમાણમાં પણ ભારતમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. 2021માં લિંગ આધારિત સમાનતાના મામલે ભારતનું દુનિયામાં 122મું સ્થાન હતું, જે 2022માં 108મું રહ્યું છે. આ મામલામાં ઘટતું સ્થાન ઘટતી અસમાનતાનો માપદંડ હોય છે.  

આર્થિક વિકાસ માટે વિશ્વભરમાં નામના કમાઇ રહેલાં ભારત માટે ઘરઆંગણે નાગરિકોનાં જીવનધોરણનો મુદ્દો હંમેશાં ધ્યાન ખેંચતો રહ્યો છે. 193 દેશની યાદીમાં ભારતનાં સ્થાનમાં એક અંકનો જ સુધારો થયો છે. હવે આપણે 134મા સ્થાને છીએ. આ સુધારો આવકારદાયક તો છે, પણ ટીકાકારો તેને નજીવો ગણે છે, તેની સાથોસાથ દુનિયામાં જીવનધોરણના મામલે ભારત હજી ઘણો પાછળનો ક્રમ ધરાવે છે.  

ભારતે જે સુધારો નોંધાવ્યો છે, તે  પ્રથમ નજરે સામાન્ય જણાય, પણ સંયુક્ત રાષ્ટ્ર સંઘે તેના અહેવાલમાં આ સુધારાની પ્રશંસા કરી છે.  આ સુધારો ભવિષ્યની  પ્રગતિની આશા જરૂર જગાવે તેવો છે.  

લિંગ આધારિત અસમાનતા ઓછી કરવામાં પણ ભારતને નોંધપાત્ર સફળતા મળી. કામકાજ અને રોજગારીના મામલામાં  76.1 ટકા પુરુષોની સરખામણીએ માત્ર 28.3 ટકા મહિલાઓ રોજગારીમાં હિસ્સો મેળવી શકી છે. આ ઓછી ટકાવારી લિંગ આધારિત અસમાનતામાં હજી ઘણી મજલ કાપવાની બાકી હોવાની પ્રતીતિ કરાવે છે.  

આ આંકડા ભાજપ અને વિપક્ષ કઇ રીતે ઉપયોગમાં લે છે તે તો આવનારો સમય કહી શકશે. વળી, તેનાથી સામાન્ય નાગરિકોને કોઇ  ફરક પડે તેમ જણાતું નથી. તેમને તો તેમનાં જીવનધોરણ અને આસપાસની સ્થિતિની વધુ દરકાર રહેતી હોય છે.

ઇ-પેપરના નવા શુલ્ક