• રવિવાર, 28 એપ્રિલ, 2024

પાણી માટે ગંભીર ચિંતા અને ચિંતનની જરૂર

હજુ તો ફાગણ મહિનોએ નથી આવ્યો, અષાઢને ચાર મહિના જેટલો સમય બાકી છે, ત્યારે કચ્છના બન્ની-પચ્છમના અંતરિયાળ ભાગો અને લખપત, ગરડા ક્ષેત્રમાં પાણીની ચિંતા શરૂ થઇ ચૂકી છે. સોરઠના પણ ઘણા ખરા ડેમ ખાલી હોવાના અહેવાલ છે. આવું બનવાનું કારણ છે પાણીની ઓછી ઉપલબ્ધિ, બેફામ ઉપયોગ અને આયોજનનો અભાવ. નોંધનીય વાત એ છે કે, ગયા ચોમાસામાં ભરપૂર વરસાદ છતાં આ સ્થિતિ સર્જાઇ છે.

પાણીની ચિંતા અને એ માટેની ચીવટની વાત માંડવાનું નિમિત્ત છે વિશ્વ જળ દિવસ. દર વર્ષે 22મી માર્ચે જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 1992માં રિયો દ જાનેરો (બ્રાઝિલ) ખાતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પર્યાવરણ અને વિકાસ મુદ્દે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારથી વિશ્વ જળ દિન ઉજવણીની શરૂઆત થઇ. આ વખતે જળ દિવસ ઉજવણીની થીમ ‘શાંતિ માટે પાણીનો લાભ ઉઠાવવો’ નિશ્ચિત કરવામાં આવી છે. વિશ્વને પાણીનાં માધ્યમથી એ સંદેશ આપવાનો પ્રયાસ છે કે, સમુદાય અને દેશ આ અતિ મૂલ્યવાન પ્રાકૃતિક સંસાધન પર સાથે મળીને સહયોગ રચે તો પાણી શાંતિ માટેનું સાધન બની જાય.

જળ વિના જીવન શક્ય નથી. ભારત અને દુનિયામાં અનેક જગાએ પાણીની અછતથી વિકરાળ સમસ્યા સર્જાઇ છે. બેંગ્લુરુનો જ દાખલો લઇએ તો આઇટી ક્ષેત્રે ભારતનું કેન્દ્ર એવું આ મહાનગર ઇતિહાસના સૌથી ગંભીર જળસંકટમાં સપડાયું છે. નળ સૂકાઇ ગયા, પાણીનું રેશનિંગ કરવું પડે છે. આ માટેનું મહત્ત્વનું કારણ છે વિકાસ. 1973 પછી બેંગ્લુરુના જળ પ્રસાર ક્ષેત્રમાં 70 ટકા ઘટાડો થયો છે, જળસંચય અને ભૂતળ રિચાર્જ માટેનાં તળાવ-જળાશયો મોટાભાગે નષ્ટ થયાં છે, ત્યાં ‘િવકાસ’ પહોંચી ચૂક્યો છે, જે બચ્યાં છે એ પ્રદૂષિત થઇ?ગયાં છે. બીજી તરફ વરસાદનું પ્રમાણે ઘટતાં આજે દુષ્કાળ જેવી સ્થિતિ આવી ઊભી છે.

અહીં એ નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘જનશક્તિ ફોર જળશક્તિ’નું સૂત્ર આપ્યું છે. તેમણે સ્વચ્છતા મિશનની જેમ જ જળ સંરક્ષણનાં કામો પર ધ્યાન આપવા અનુરોધ કર્યો છે. જળ સમસ્યાના ઉકેલ માટે શ્રી મોદીએ સૌને સક્રિય બનવા અનુરોધ કર્યો છે.

નીતિપંચના અહેવાલ મુજબ દેશમાં 60 કરોડ લોકો પાણીની તકલીફનો સામનો કરી રહ્યા છે. પીવાનું ચોખ્ખું પાણી ન મળતાં વર્ષે બે લાખ લોકો જીવ ગુમાવતા હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે.

વધારે મોડું થયું નથી. હજુ પણ સમય છે. જનતા અને સરકાર શીખ લે... સમજે... વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે, ભૂગર્ભજળનાં સ્તર પાછાં ઊંચાં લાવવા માટે નદી, તળાવની સુરક્ષા અને ‘પાણીદાર’ પુનર્વસન સમયની માંગ છે.

શહેરી નિયોજન નીતિઓએ પાણીને સાચવતા પ્રકૃતિના ખોળા જેવા સ્રોતોને સાચવવાની પહેલને પ્રાથમિકતા આપવી જોઈએ. કાળા માથાનો માણસ અંગત સ્વાર્થમાં ભાન ભૂલીને ભૂગર્ભજળને ખેંચવા ચૂસવાની ભારે પડે તેવી ભૂલ કરી રહ્યો છે. આવી ‘ભયાનક ભૂલ’ને રોકવા માટે હવે જાગી જવું પડશે. ઘરેલુ તેમજ ઔદ્યોગિક સ્તર પર જળને બગાડવા નહીં, પરંતુ બચાવવાની પ્રથાને પ્રોત્સાહિત કર્યા વિના સ્થિતિ બગડી જશે. જનજાગૃતિ અભિયાન છેડવાની સાથોસાથ પાણીના ઉપયોગ માટેના કડક નિયમો લાવવા જ પડશે હવે. જળસંકટના જોખમ સામે સ્વસ્થપણે લડત કરવા માટે એક બહુ આયામી દૃષ્ટિકોણ કેળવવાની જરૂર છે. સરકારો અને લોકોએ સંકીર્ણ દૃષ્ટિકોણ છોડવો પડશે. નહીંતર આવનાર સમય માનવજાત માટે દુ:સ્વપ્ન સમાન બની જશે.

ઇ-પેપરના નવા શુલ્ક