• રવિવાર, 28 એપ્રિલ, 2024

ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર હવે વૈશ્વિક ગૌરવ

આખા દેશમાં ચૂંટણીનું વાતાવરણ જામી રહ્યું છે.  જુદા જુદા પક્ષના નેતાઓના વક્તવ્યમાં મર્યાદા ભંગ થઈ રહ્યો છે બંગાળમાં મુખ્યમંત્રીની વિરુદ્ધ ભાજપના સાંસદનું નિવેદન હોય કે પછી ફિલ્મ  નટી અને હિમાચલ પ્રદેશના મંડી બેઠકના ઉમેદવાર કંગના રાણાવત સામેની વાત હોય બધે ઉકાળાટ વ્યાપી રહ્યો છે.  ચૂંટણીના આ જંગમાંથી ગુજરાત પણ બાદ નથી ત્યારે,  એક સારા સમાચાર આવ્યા છે.  ગુજરાતનો ધબકાર કહી શકાય તેવા ગરબાને હવે વૈશ્વિક ધરોહરમાં સ્થાન મળ્યું છે,  રાજકીય ગરમી,  વાતાવરણના પણ ગરમાવવા વચ્ચે,  એક સાંસ્કૃતિક ઘટના બની છે.   ચૂંટણીના વક્તવ્યો અને  પક્ષોના ઘોંઘાટ વચ્ચે ગરબાના સૂર અને તાલ દબાઈ જવા જોઈએ નહીં.

યુનેસ્કોના ડિરેક્ટર જનરલે પેરિસમાં ગુજરાત સરકારને આપેલા પ્રમાણપત્રમાં ગરબાને “અપૂર્વ સાંસ્કૃતિક ધરોહર’’  જાહેર કરી છે,  મુખ્યમંત્રી કે સરકાર વાઇબ્રન્ટ ગુજરાત,  સરકારી કાર્યક્રમો,  વિવિધ સ્પર્ધાઓને આ સિદ્ધિ માટે શ્રેય આપે તેમાં કંઈ ખોટું નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં રાષ્ટ્રીય પર્વ અને અન્ય કાર્યક્રમોના આયોજનમાં ગરબાનું સ્થાન આગળ પડતું હોય છે,  જો કે ગરબા ગુજરાતની સાંસ્કૃતિક અને ધાર્મિક વિરાસત છે અને તેનું મહત્વ સદીઓથી રહેલું છે.  આસો મહિનાના નવરાત્રી પર્વમાં ખુલ્લા મેદાનમાં આધુનિક પરિવેશમાં રમાતા ગરબા તો છેલ્લા ચારેક દાયકાની ઉપલબ્ધિ છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં મંદિરના ચોકમાં,  પરિસરમાં કે શહેરમાં પણ જાહેર રસ્તા પર કોઈ ધર્મસ્થાન પાસે યોજાતી ગરબીઓ ગુજરાતના ઘરેણા સમાન છે.  માતાજીની આરાધના અને ઉપાસનાનું માધ્યમ આ ગરબાને વર્ષોથી ગણવામાં આવ્યું છે. વલ્લભ ભટ્ટ,  વલ્લભ ધોળા જેવા ભક્તોએ આનંદના ગરબા જેવી ભક્તિસભર રચનાઓ કરી હતી તો દયારામ જેવા ભક્ત કવિએ રચેલી ગરબીઓએ ગુજરાતને ગાતું અને ગુંજતું રાખ્યું છે.  ઝવેરચંદ મેઘાણીએ તો રઢીયાળી રાત નામે સંગ્રહમાં ગુજરાતની આ લોક સંસ્કૃતિને સંપાદિત પણ કરી.  આ પરંપરા છેક અવિનાશ વ્યાસ સુધી ખેંચાઈ આવી.  માતાજીની ભક્તિ માટેના બેઠા ગરબા અને બહેનો કે પછી કેટલાક વિસ્તારમાં પુરુષો દ્વારા પણ ઢોલના તાલે લેવાતા ગરબાની પરંપરા ઘણી જૂની છે, આધુનિક ગરબાના મૂળ ત્યાં પડેલા છે.  આજે ડ્રમ સહિતના આધુનિક વાજિંત્રોના ઉપયોગ થકી થતા ગરબા વિશ્વભરમાં પહોંચ્યા છે.  ગુજરાતમાં તો વર્ષોથી ગરબાની ખ્યાતિ અને  વ્યાપ્તિ છે  પરંતુ  જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ગરબા પહોંચ્યા છે.

 હિન્દી ફિલ્મોએ પણ  આપણી આ નૃત્ય પરંપરા સારી રીતે ઝીલી છે. ભક્ત કવિઓના ગરબાઓમાં માતાજીના સાક્ષાત્કાર કે દિવ્ય અનુભૂતિઓનું દર્શન પણ શ્રોતાઓ,  દર્શકોએ કર્યું છે.  શબ્દ અને સુરનો અનોખો સમન્વય આ ગરબામાં સતત સંભળાતો રહ્યો છે.  કવિઓએ પણ ગરબાની રચના કરી છે તો કાવ્ય સંગીતનો અનેરો હિસ્સો આ ગરબાઓ રહ્યા છે.  ઉપાસના અર્થે રચાતાં અને ગવાતા ગરબા અને ઉત્સવ નિમિત્તે થતા ગરબામાં ભલે થોડો તફાવત હોય પરંતુ સૂર,  તાલ,  સમર્પણના તત્વો મોટાભાગે સમાન છે.  છેલ્લા બે દાયકામાં વિવિધ ઉત્સવો અને મેળાવડા યોજીને ગરબાને વધુ મોટા સમુદાય સુધી પહોંચાડવામાં ચોક્કસ  અલગ અલગ આયોજનો નિમિત્ત બન્યા છે.  વિશ્વકક્ષાની ધરોહરમાં ગરબાને સ્થાન મળ્યું છે તે ગુજરાતી પ્રજા,  ગુજરાતના ભક્ત કવિઓ,  સંગીતકારો ગાયકોનું પણ સન્માન છે. ગુજરાતની  સાંસ્કૃતિક ઓળખ હવે વૈશ્વિક બનીને  પડઘાશે.

ઇ-પેપરના નવા શુલ્ક