• મંગળવાર, 22 ઑક્ટોબર, 2024

એક અલગ પ્રકારનું ધર્મ યુદ્ધ

લોકસભાની ચૂંટણી ચાલતી હતી ત્યારે ધાર્મિક મુદ્દાઓ ક્યારેક ક્યારેક ઉછળતા હતા. ચૂંટણી પરિણામો પર તેની અસર કેટલી થઈ, કેટલી નહીં ? તેની ચર્ચા હજી સુધી ચાલી રહી છે પરંતુ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ધર્મનાં નામે ધમાલ થઈ રહી છે. ધર્મ યુદ્ધ તદ્દન અલગ બાબત છે. અહીં ધર્મનાં નામે અને ધર્મની અંદર લડાઈ ચાલી રહી છે. દરેક કિસ્સાને તેની પોતપોતાની બાજુ છે. પોતપોતાનાં પરિપ્રેક્ષ્ય છે પરંતુ એક બાબત સ્પષ્ટ છે કે, આ સ્થિતિ સામાજિક દૃષ્ટિએ યોગ્ય નથી. ધાર્મિક ક્ષેત્રે એટલી શુદ્ધિ અને સ્થિરતા તો હોવી જ જોઈએ કે, લોકોની શ્રદ્ધા ડગે નહીં.

વૈષ્ણવ સંપ્રદાય રોષે ભરાયો છે. તેનું કારણ ‘મહારાજનામની એમ ફિલ્મ છે. આમીરખાનના પુત્રનું આ ફિલ્મસર્જન વિવાદ સર્જી રહ્યું છે. ઈ.સ.1862માં વૈષ્ણવ સાધુ સામે તેમના જ સમાજના પત્રકારે ચલાવેલી ઝુંબેશ અને પત્રકાર કરશનદાસ મૂળજી સામે થયેલા કોર્ટ કેસ આધારિત આ ફિલ્મ છે. વૈષ્ણવો અને હિંદુ ધર્મના અન્ય લોકો એવું કહે છે કે, 200 વર્ષ પહેલાં બનેલી કોઈ ઘટનાને હવે આજે આવી રીતે દર્શાવવાનો કોઈ અર્થ નથી. આ એક પ્રકારે હિંદુ ધર્મ અને પરંપરા પર પ્રહાર છે. ગુજરાતભરમાં વૈષ્ણવો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આવેદનપત્રો આપી રહ્યા છે. કોર્ટનાં વલણની રાહ જોવાઈ રહી છે. વિરોધ દિવસે ને દિવસે વધી રહ્યો છે.

આજથી બે સદી પહેલા ફક્ત ધર્મ નહીં સમાજનાં દરેક ક્ષેત્રે સ્થિતિ જુદી હતી. આજે વાતાવરણ બદલાયું છે. થોડી જાગૃતિ આવી છે. આ સ્થિતિમાં કોઈ અંગુલી નિર્દેશ વગર સામાન્ય સંદર્ભમાં કોઈ વાત થાય અને કોઈ ચોક્કસ સંપ્રદાયનો ઉલ્લેખ થાય તે બન્નેમાં ફેર છે. મહારાજનાં નિદર્શનથી વૈષ્ણવોમાં રોષ ફેલાય તે સ્વાભાવિક છે. શક્યતા એવી છે કે, ઘણા બધા લોકોને આવી કોઈ ઘટનાની હવે જાણ પણ નહીં હોય તો શા માટે જૂના ઘા ઉખેડવા જોઈએ? આવી લાગણી તીવ્ર છે.

બીજી તરફ પાવાગઢ ક્ષેત્રમાં જૈન મંદિરોમાં પ્રતિમાઓની તોડફોડ થઈ છે. આવા બનાવો પણ બનતા રહે છે. ઘટના નવી નથી પરંતુ દુ:ખદ તો છે. જૈન ધર્મીઓ વિરોધ કરી રહ્યા છે. તપાસ થાય, આવાં તત્ત્વોને સજા થાય તેટલું જ મહત્ત્વનું નથી. આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને, કોઈ દેવ મૂર્તિને નુકસાન ન થાય તે પ્રકારનું તંત્ર ગોઠવાય તે જરૂરી છે. બીજો મુદ્દો વડતાલના સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો પર થયેલા દુષ્કર્મના આક્ષેપ અને પોલીસ ફરિયાદનો છે. કોઈપણ સંપ્રદાય કે ધર્મની અસર સમાજના ચોક્કસ વર્ગ પર પડી છે. કોઈપણ કૃત્ય એક સાધારણ માણસ કરે અને ભગવા કે સંતના અન્ય કોઈ વત્ર પહેરેલા વ્યક્તિ કરે તે બન્નેમાં ફેર છે.

સ્વામીનારાયણ સંપ્રદાયના વિવિધ પંથ અને ગુરુ પરંપરા પર લોકોની પોતપોતાની શ્રદ્ધા છે. જ્યાં જ્યાં આવા કિસ્સા બને છે કે આક્ષેપ થાય છે તે ગાદી કે પરંપરાના વરિષ્ઠ લોકોએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આખરે એ ભક્તોની શ્રદ્ધાનો પ્રશ્ન છે અને સંતની પ્રતિભાનો સવાલ છે. હિન્દુ ધર્મનો વૈશ્વિક સ્વીકાર અને આદર જે રીતે વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ તે જોતા આવી ઘટનાઓ નિંદા પાત્ર છે તેનું પુનરાવર્તન અટકવું જોઈએ.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક