• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

કોળી સમાજ બાદ હવે ઠાકોર સમાજના નેતાને મુખ્યમંત્રી બનાવવાની માગણી વડાપ્રધાન મોદીને પત્ર લખી રજૂઆત

અમદાવાદ, તા.9 : ગુજરાતમાં મંત્રીમંડળનાં વિસ્તરણ થાય તેવી રાજકીય અટકળો વહેતી થઈ છે ત્યારે અત્યારથી મંત્રીમંડળમાં મહત્ત્વનું પદ મેળવવા માટેની માગ થઈ રહી છે. ગઈ કાલે કોળી સમાજે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા માગ કરી હતી પરંતુ કુંવરજી બાવળિયાએ આ વાતને પાયા વિહોણી ગણાવી હતી ત્યારે આજે હવે રાજકોટ જિલ્લા ઠાકોર સમાજના પ્રમુખે વડાપ્રધાનને પત્ર લખીને ઠાકોર સમાજમાંથી કોઈ નેતાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી માગ કરી છે.

આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, ઠાકોર સમાજમાંથી કોઈ નેતાને ગુજરાતમાં મુખ્યમંત્રી બનાવવામાં આવે કારણ કે, ગુજરાતમાં 34 ટકા વસ્તી ધરાવતો સમાજ ઠાકોર સમાજ છે અને દરેક વિધાનસભા સીટમાં 30થી 50 હજાર સુધીનું વાટિંગ છે જ્યારે તળપદા કોળી સમાજનું માત્ર 4થી 6 ટકા જ વાટિંગ હોવાનો જણાવ્યું હતું.

વધુમાં લખવામાં આવ્યું છે કે, હાલના મંત્રી મંડળમાં એક પણ ઠાકોર સમાજનો મંત્રી નથી, અગાઉનાં મંત્રી મંડળમાં સ્થાન મળતું હતું. હાલ અમને કોઈપણ પ્રકારનું સ્થાન મળતું નથી, આમ ચુવાળિયા ઠાકોર સમાજને અન્યાય થતો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. આ સાથે તળપદા કોળી સમાજ કરતા વધુ ચુવાળિયા ઠાકોર સમાજનું વાટિંગ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આમ, ઠાકોર સમાજના પ્રમુખે ચુવાળિયા ઠાકોર સમાજમાંથી અલ્પેશ ઠાકોર, લાવિંગજી ઠાકોર, કેસાજી ચૌહાણ ઠાકોર, દિલીપજી ઠાકોર સહિત નેતામાંથી કોઈ એકને મુખ્યમંત્રી બનાવવાની માગ કરી છે.

અહીં નોંધવું ઘટે કે, કોળી સમાજની માગથી ભાજપ પ્રદેશ નેતાગીરીની ઉંઘ ઉડી હતી કારણ કે એક સમાજે આવી માગ કરતા અન્ય સમાજ પણ મંત્રીપદની આવી માગ કરે તેવી શક્યતા સેવાઈ રહી હતી. હજુ તો મંત્રી મંડળનું વિસ્તરણ ક્યારે થશે તે નક્કી નથી થયું ત્યારે અત્યારથી મંત્રીપદ મુદ્દે આંતરિક ડખ્ખા શરૂ થયા છે. હવે આગામી સમયમાં અન્ય સમાજ પણ આવી કોઈ માગ સાથે સામે આવે તો નવાઈ નહીં.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક