• શનિવાર, 07 માર્ચ, 2026

મોરબીમાં સિરામિકના 100 યુનિટ બંધ ગેસની કટોકટી વકરી, પંદર દિવસમાં ઉદ્યોગ સદંતર ઠપ થશે

સુરેશ ગોસ્વામી

મોરબી, તા.6(ફૂલછાબ ન્યૂઝ): અખાતી યુધ્ધને પગલે ગેસ કટોકટીનું નિવારણ નહીં થાય તો મોરબી સિરામિક ઉદ્યોગના 800 યુનિટો બંધ થવાના ભણકારા વાગી રહ્યા છે. એ સાથે 10 લાખ લોકોની રોજગારીને અસર થશે. હાલ બે જ દિવસમાં 100 યુનિટ બંધ થયા છે અને ચાર પાંચ દિવસમાં 400 યુનિટ બંધ થશે તેવો ભય છે.  સ્ટ્રેટ ઓફ હોર્મુસ માર્ગમાંથી અવરજવર પ્રતિબંધિત થતા હવે મોરબીના સિરામિક ઉદ્યોગ અને પેપરમિલ ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા છે અને સિરામિક એકમો બંધ થઇ રહ્યા છે તો પેપરમિલ ઉદ્યોગમાં ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ ઠપ્પ જેવી સ્થિતિ નિર્માણ પામી છે.

સિરામિક એસો પ્રમુખ મનોજભાઈ એરવાડિયા જણાવે છે કે 100 યુનિટ બંધ થઇ ગયા છે અને નવી સપ્લાય નહિ મળે તો આગામી 4-5 દિવસમાં વધુ યુનિટો બંધ થશે અને લગભગ 10 દિવસ બાદ તમામ સિરામિક એકમો બંધ કરવા પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. પ્રોપેન ગેસ અને નેચરલ ગેસ નહિ મળે તો મુશ્કેલી ઘણી વધશે. ગલ્ફ દેશોમાંથી પસાર થઈને યુરોપ સહિતના દેશોમાં થતું એક્સપોર્ટ પણ બંધ જેવી સ્થિતિમાં છે જેથી બેવડો માર પડી રહ્યો છે હાલ એક્સપોર્ટ ઓર્ડર સ્થગિત કરવાની ફરજ પડી છે અને ક્યારે લોડીંગ થશે તે કહી શકાય તેમ નથી પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગપતિ કે જી કુંડારિયા જણાવે છે કે તેને 3 ફેક્ટરી છે જે આગામી 15 દિવસમાં બંધ થશે હાલ તેમની પાસે 15 દિવસનો ગેસ પુરવઠો છે ફેબ્રુઆરી માસમાં વપરાશ કર્યાના 50 ટકા ગેસ ગુજરાત ગેસ આપવાની છે એટલે 50 હજાર ક્યુબીક મીટર ગેસ તેઓ વાપરી શકશે. એક્સપોર્ટ ભાડામાં 2000 ડોલરનો વધારો થયો છે જેથી એક્સપોર્ટ પણ બંધ છે.

પેપરમિલ ઉદ્યોગને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે પેપરમિલ એસો પ્રમુખ શૈલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પેપરમિલ ઉદ્યોગમાં વપરાતું રો મટીરિયલ્સ ઈમ્પોર્ટ કરવામાં આવે છે અને શીપ રૂટ બંધ થવાને પગલે મુશ્કેલી સર્જાઈ છે તેમજ એક્સપોર્ટના ચાર્જમાં 2000 ડોલર જેટલો વધારો થયો છે જે બોજ સહન કરી સકાય તેમ નથી મોરબીમાં 52 પેપરમિલનું 5000 કરોડનું વાર્ષિક ટર્નઓવર છે અને 10 હજાર શ્રમિકોને રોજગારી પૂરી પાડે છે શીપના ભાડા વધી ગયા છે. કોલસાના ભાવમાં રૂ 1000 સુધીનો વધારો જોવા મળી રહ્યો છે વેસ્ટમાં નવા ઓર્ડર લેવાનું બંધ કર્યું છે અને હાલ ઉદ્યોગપતિઓ વેઇટ એન્ડ વોચ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.

મનોજભાઇએ જણાવ્યુ હતુ મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ મોરબી સિરામિક ઉદ્યોગ માટે ચિંતા વ્યક્ત કરીને  ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સાથે ફોન  પર વાતચીત કરી હતી. ઉદ્યોગને મદદરૂપ થવા હૈયાધારણ આપી હતી.

-

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ડે/નાઇટ ટેસ્ટમાં ભારતીય મહિલા ટીમ 198 રને ઓલઆઉટ ઓસ્ટ્રેલિયાના 3 વિકેટે 96 : હજુ 102 રન પાછળ March 07, Sat, 2026