• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

ખાદ્યતેલોના ભાવ સળગી ઉઠયા : ડયૂટી વધારાનો ડામ

ખાદ્યતેલોના ડબા રૂ. 40થી 160 સુધી મોંઘા : પામતેલ, સોયાતેલ અને સૂર્યમુખી તેલની આયાત જકાત 22 ટકા વધી

રાજકોટ, તા. 14: (ફૂલછાબ ન્યૂઝ) ખાદ્યતેલોની બેફામ થતી આયાત ઉપર અંકુશ મૂકવા માટે કેન્દ્ર સરકારે શુક્રવારે મોડી રાત્રે અચાનક આયાત જકાતમાં તોતીંગ વધારો ઝીંકી દેતા ઘરઆંગણે ખાદ્યતેલોના ભાવ સળગી ઉઠયાં હતા. સીંગતેલ સિવાયના ખાદ્યતેલોમાં ડબે રૂ. 110થી 160 સુધીનો ભારેખમ વધારો થઇ ગયો હતો. કિસાનો, તેલ મિલો અને રિફાઇનરીઓના હિતમાં ઉઠાવાયેલા કદમથી મધ્યમ અને ગરીબ વર્ગનો મોંઘવારીમાં ખો નીકળી જવાનો  નક્કી છે. આયાત જકાતમાં 22 ટકા સુધીનો ધરખમ વધારો થતા હોલસેલ બજારમાં ખાદ્યતેલોના ભાવ બોલાવાનું જ બંધ કરી દેવાયું હતું. અલબત્ત, ભાવવધારાની અસર આયાતી તેલ અને તેને સંલગ્ન કપાસિયા તેલને સૌથી વધારે થઇ છે. દેશી તેલિબિયાંથી તૈયાર થતાં સીંગતેલમાં ઓછી અસર આવી છે. સીંગતેલનો ડબો રૂ. 40 વધીને રૂ. 2545-2595 સુધી પહોંચી ગયો હતો. ચાલુ મહિને રૂ.90 ઘટયા પછી ફરી રૂ. 40 વધી ચૂક્યાં છે.

જોકે કપાસિયા, પામતેલ, સૂર્યમુખી, મકાઇ, સરસવ અને વનસ્પતિ એમ બધે જ ભાવવધારાની આગ લાગી હતી. કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયમાં ક્રૂડ અને રિફાઇન્ડ તેલની આયાત જકાતમાં વધારો કરવામાં આવ્યો છે. ક્રૂડ સોયાતેલ, સૂર્યમુખી અને પામતેલની જકાત અત્યાર સુધી 5.5 ટકા હતી તે 27.50 ટકા કરી દેવામાં આવી છે. બીજી તરફ રિફાઇન્ડ તેલની આયાત જકાત આ ત્રણેય તેલમાં 13.75 ટકા હતી તે 35.75 ટકા કરી દેવામાં આવી છે. આમ 22 ટકાનો આક્રમક વધારો થતાં ખાદ્યતેલોના ભાવ આસમાને પહોંચી ગયા છે.

સસ્તાં ખાદ્યતેલો વિદેશમાંથી ખૂબ મોટાં પ્રમાણમાં ભારત આવે છે એનાથી તેલિબિયાંના ઉત્પાદન, તેલ મિલો અને રિફાઇનરીઓને ભારે મુશ્કેલી પડી રહી હતી. સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસો. અને લોકલ ખાદ્યતેલ- તેલિબિયાં સંગઠનોએ વારંવાર સરકારમાં ડયૂટી વધારાની માગ કરી હતી. જોકે મોડે મોડે તે સંતોષાઇ છે. એનાથી ઉત્પાદકની બાજુએ ફાયદો મળશે. પરંતુ ગ્રાહકોને ખાદ્યતેલો તહેવારના ટાણે મોંઘા પડી જવાના છે.

અગાઉ લોકસભાની ચૂંટણીને લીધે ઉનાળામાં ડયૂટીની વાત સરકારે અભેરાઇએ ચડાવી દીધી હતી. હવે અચાનક ડયૂટી વધતા ચારેક મહિનાથી મોટાં સ્ટોક મંગાવી ચૂકેલા આયાતકારોને ફાયદો મળે તેમ છે. જોકે ગ્રાહકોને મોંઘવારી આભડી જાય તેમ છે.

પામતેલમાં સૌથી મોટો રૂ. 160નો મસમોટો ભાવવધારો થઇ જતા રૂ. 1840-1845 સુધી પહોંચી ગયા છે. જ્યારે મકાઇ અને સૂર્યમુખીમાં રૂ. 140 વધી જવાથી અનુક્રમે રૂ. 1810-1840 અને રૂ. 1780-1810 થઇ ગયા છે. કપાસિયા તેલમાં રૂ. 110નો વધારો થતા રૂ. 1990-2040નો ભાવ બોલાવા માંડયો છે.

વનસ્પતિમાં પામતેલની અસરથી રૂ. 220 વધીને રૂ. 1870-1990 થઇ ગયા છે. સરસવ તેલમાં પણ રૂ. 50નો ભાવવધારો થતા રૂ. 1920-1950 થઇ ગયા છે. આમ બધા જ તેલ હવે રૂ. 1800 આસપાસ કે તેનાથી મોંઘા થઇ ગયા છે.

ખાદ્યતેલોના ભાવ બોલવાનું બંધ !

ખાદ્યતેલોની જકાત શુક્રવારે મોડી રાત્રે વધારી દેવામાં આવી એ પછી જથ્થાબંધ બજારમાં એકપણ તેલના ભાવ બોલાતા ન હતા.  શનિવાર, રવિવાર અને સોમવારે જાહેર રજા હોવાથી વૈશ્વિક બજાર મંગળવારે ખુલવાની છે. જોકે વિશ્વ બજાર પાછળ આયાતી તેલના ભાવ નક્કી થતા હોય છે એટલે બંધ બજારે નુક્સાન ન વેઠવું પડે એટલે કોઇ ભાવ બોલવા તૈયાર ન હતું. છતાં સીંગતેલમાં એક બે બ્રાન્ડવાળાએ લૂઝ ભાવ રૂ.1475-1500 કહ્યો હતો. જોકે કપાસિયામાં રૂ. 100 વધશે અને પામતેલમાં લૂઝમાં રૂ. 125-150 વધશે એવી ચર્ચાઓ ચાલતી હતી.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક