• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

ખાદ્યતેલોનો બંદર પર વિપુલ સ્ટોક છતાં ભાવ સળગ્યા

દોઢ માસ ચાલે તેટલા સ્ટોક છતાં ભાવ વધારાયા : પામ, કપાસિયા-સૂર્યમુખીમાં રૂ. 150-200 વધી ગયા

રાજકોટ, તા. 16 (ફૂલછાબ ન્યૂઝ) : ભારતમાં મોટા તહેવારોની શૃંખલા શરૂ થઈ છે ત્યારે કેન્દ્ર સરકારે ખાદ્યતેલોની આયાત જકાત વધારી નાખી છે. એનાથી તેલિયારાજાઓ અને આયાતકારોને મોકળું મેદાન મળી ગયું છે. ચાર જ દિવસમાં કપાસિયા, પામતેલ અને સૂર્યમુખીનો ડબો રૂ. 150થી 200 જેટલો મોંઘો કરી દેવાયો છે. સળગતા તેલના ભાવને લીધે સરકારે હરકતમાં આવીને ખાદ્યતેલ સંગઠનોને રિટેઇલ ભાવ સ્થિર અને અંકુશમાં રાખવા સૂચના આપી છે.

આયાતકારોએ દોઢેક મહિનાનો સ્ટોક જકાત વધી એ પૂર્વે મગાવી રાખ્યો છે. બંદરો પર હજુ પૂરતો જથ્થો પડયો છે ત્યારે ડયુટીની અસર તત્કાલ બજાર પર પડવી જરૂરી નથી એમ સરકારે કહ્યું છે. ભાવમાં તોતિંગ વધારા પછી સરકારે એમઆરપીમાં કોઈ ફેરફાર ન કરવા પેકર્સોને પણ કહ્યું છે.

જકાતમાં ગયા શુક્રવારે 22 ટકા જેટલો મોટો વધારો થઈ ગયા પછી સીંગતેલ સિવાયના તેલના ભાવ ભડકે બળી રહ્યા છે. ચાર દિવસમાં કપાસિયાનો ડબો રૂ. 150 મોંઘો થઈને રૂ. 2030-2080, પામતેલનો ડબો રૂ. 200 ઊંચકાઈને રૂ. 1880-1885 અને સૂર્યમુખીનો ડબો રૂ. 200 વધીને રૂ. 1840-1870 થઈ ગયો છે. બીજી તરફ મગફળીનો બમ્પર પાક હવે થોડાં જ દિવસોમાં આવવાનો હોવાથી સીંગતેલનો ભાવ આયાતી તેલ અને પામતેલ કરતા વિપરિત ચાલી રહ્યો છે. ચાર દિવસમાં ડબે રૂ. 25 ઘટીને રૂ. 2530-2580માં સીંગતેલ વેચાઈ રહ્યું છે.

---

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક