• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

રાજકોટના ઉદ્યોગપતિ સાથે મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશની છ પેઢીની 7.83 કરોડની ઠગાઈ ભાડાના વેરહાઉસ, કોટન માલ અને બિલ સહિતની રકમ ચૂકવી કળા કરી

રાજકોટ, તા.18 : રાજકોટમાં ભાગીદારીમાં કોટનની પેઢી ધરાવતા ઉદ્યોગપતિ સાથે મહારાષ્ટ્ર-આંધ્રપ્રદેશની છ પેઢીઓ દ્વારા કોટનની ખરીદી તેમજ ભાડે રાખેલા વેરહાઉસની ડિપોઝિટની રકમ તેમજ બિલ સહિત રૂ.7.83 કરોડની છેતરપિંડી-વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવતા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ અંગેની વિગત એવી છે કે, યુનિ.રોડ પર આલાપ એવન્યુમાં રહેતા અને યુનિ.રોડ પર પુષ્કરધામ મંદિર પાસે એપેક્ષ કોર્પોરેશન નામે દિનેશભાઈ મકવાણા સાથે ભાગીદારીમાં પેઢી ધરાવતા અશોકભાઈ માવજીભાઈ દુધાગરા નામના ઉદ્યોગપતિએ મહારાષ્ટ્રના માલાપુરના  માતોશ્રી માગાસ્વર્ગીય શેતકારી સહકારી સુતગીરીણી મર્યાદીત પેઢીના ચેરમેન બન્દુ તાગડે, નાસિકના માલેગામના ઓમ ગોડાઉનના માલિક એકતા શેખ, હમઝાભાઈ અને આસીફભાઈ, નાસિકની શિવ ટેક્સટાઈલના માલિક ભરતભાઈ, મહારાષ્ટ્રના બુલધાણાના જય શ્રી બાલાજી સ્પીનિંગ મિલ પ્રા.લી.ના માલિક રાજેન્દ્રભાઈ, પ્રતિકભાઈ, દીક્ષા ટેક્સટાઈલના માલિક વિનોદ યાદવ અને આંધ્રપ્રદેશના સાગર કોટન સ્પીનના માલિક મચેરલામેરી સહિતના દ્વારા રૂ.7.83 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવતા રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધ્યો હતો.

આ અંગે પીઆઈ જે.એમ.કૈલા તથા પોસઈ સી.બી.જાડેજા તેમજ એએસઆઈ આર.કે.જાડેજા, વિરમભાઈ ધગલ, વિરુભા જાડેજા, સ્મીતભાઈ સહિતના સ્ટાફે હાથ ધરેલી તપાસમાં રાજકોટની એપેક્ષ કોપોરેશન પેઢી દ્વારા મહારાષ્ટ્ર-આંધ્રપ્રદેશની પેઢીઓના માલિકો સાથે કોટન ખરીદ-વેચાણ તથા વેરહાઉસ ભાડેથી રાખી અલગ અલગ ધંધાકીય વ્યવહારો કર્યા હતા અને ઈલે.લાઈટબિલના વ્યવહારો કર્યા હતા અને આ છએ પેઢીઓ પાસેથી રૂ.7.83 કરોડની રકમ લેવાની થતી હોય અવારનવાર ઉઘરાણી કરવા છતાં નહીં આપવામાં આવતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પોલીસની વધુ તપાસમાં નાગપુરના વિનોદ યાદવ સાથે ઓળખાણ અને ધંધાકીય વ્યવહારના કારણે વિનોદ યાદવની મિલ ભાડે રાખી હતી અને માસિક રૂ. 9 લાખ ભાડું નક્કી કર્યું હતું ને એક વર્ષ માટે મિલ ભાડે રાખ્યું હતું અને રૂ.પ0 લાખની ડિપોઝિટ ચૂકવી હતી અને મિલ ખાલી કર્યા પહેલા બે માસ અગાઉ જાણ કરવા સહિતનો કરાર કર્યો હતો. એક વર્ષ બાદ મિલ ખાલી કર્યું હતું ત્યારે રૂ.પ.39 કરોડની રકમ લેવાની બાકી હોય તેમાંથી રૂ.64 લાખની રકમ રિપેરિંગ અને મેઈનટેનન્સની રકમ બાદ કરી રૂ.4.7પ કરોડની બાકી લેવાની રકમ નીકળતી હતી. જેમાં અનેક વખત વાયદા કરવામાં આવ્યા હતા તેમજ આંધ્રપ્રદેશની સાગર કોટન સ્પીન નામની પેઢી સાથે પણ કોટનનો ધંધો કર્યો હતો અને રૂ.1.ર3 કરોડની બાકી રકમ નીકળતી હતી તેમજ ઓમ ગોડાઉનના માલિક એકતા શેઠ સહિતના પાસેથી વેરહાઉસમાં તૈયાર દોરાનો માલ રૂ.1.10 કરોડનો માલ આપ્યો હતો. જે પચાવી પાડયો હતો અને શિવ ટેક્સટાઈલના માલિક પાસેથી રૂ.19.43 લાખની રકમ, જયશ્રી બાલાજી સ્પીનિંગ મિલના માલિકો પાસેથી રૂ.16.3ર લાખની રકમ તેમજ દીક્ષા ટેક્સટાઈલના માલિકો પાસેથી રૂ.37.7ર લાખની રકમ લેવાની હોય તેમજ આંધ્રપ્રદેશના વિજયવાડાના મગલાગીરી ટેક્સટાઈલસ પાસેથી પણ મિલ ભાડેની રકમ અને ધંધાકીય વ્યવહારના નાણા લેવાના બાકી હોય ચૂકવવામાં આવ્યા નહોતા. આમ રાજકોટના ઉદ્યોગપતિ અશોકભાઈ દુધાગરા સાથે મહારાષ્ટ્ર-આંધપ્રદેશના શખસો દ્વારા રૂ.7.83 કરોડની છેતરપિંડી-વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક