• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

ભાવનગર કોર્પોરેટરની ઓફર : 100 સભ્ય બનાવો અને રૂ. 500 લઈ જાવ લ કોર્પોરેટરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા રાજકારણ ગરમાયું

ભાવનગર, તા.18 : ભાજપ દ્વારા પ્રાથમિક સદસ્યતા અભિયાન - 2024 ચાલી રહ્યું છે, જે અંતર્ગત  ભાવનગર શહેરના ઉત્તર સરદારનગર તરસમિયા વોર્ડના કોર્પોરેટર યુવરાજાસિંહ ગોહિલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં તેઓ એક યુવક તેમજ કેટલીક મહિલાઓને કહે છે કે 100 સભ્ય બનાવો અને મારી પાસેથી 500 રૂપિયા લઈ જાઓ.

વાઇરલ વીડિયોથી ભાવનગરનું રાજકારણ ગરમાયું છે. ભાવનગર શહેરમાં ભાજપનું સદસ્યતા અભિયાન હવે સોદાબાજી બની ગઈ હોય એવી સાબિતી સાથેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં સદસ્ય બનાવવા માટે ભાજપના સિનિયરો હવે રૂપિયા આપીને ટાસ્ક પૂરો કરાવી રહ્યા છે. મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ભાજપના સિનિયર આગેવાન યુવરાજાસિંહ ગોહિલનો વીડિયો વાઇરલ થયો છે. વાઇરલ વીડિયોમાં ભાજપના યુવરાજાસિંહ ગોહિલ 100 સદસ્ય બનાવો અને રૂપિયા 500 લઈ જાવ. તેમ કહેતા જોવા મળે છે.

વીડિયોની શરૂઆતમાં કોર્પોરેટર યુવરાજાસિંહ ગોહિલ સ્થાનિકોને સભ્યો કેવી રીતે બનાવવાએ શીખવાડી રહ્યા છે. સૌથી પહેલા એક યુવક સાથે વાત કરતાં કહે છે,જો તમે મને 100 સભ્યો બનાવી આપો એટલે તને મેં કહ્યું એ મળી જશે..તારી ઈચ્છા હોય તો..પરાણે નહીં...હો...તારે 100 સભ્ય થઈ જાય એટલે મને અહીં બોલાવી લેવાનો. ત્યાર બાદ અન્ય મહિલાઓને કહે છે કે તમે આખા વિસ્તારમાં જશો તો રોજ 200 સભ્ય થઈ જાય. બીજું કંઈ નહીં કહેવાનું તમને. ભાજપના સભ્યો બનાવવાના છે. જો ઘઝઙ આપશે, જે ના પાડે એને નહીં લેવાનો. આપણે કોઈને પરાણે નહીં કહેવાનું. તમે 100 સભ્ય બનાવો એટલે મારી પાસેથી 500 રૂપિયા લઈ જવાના. કોર્પોરેટરના આ વાયરલ થયેલા વીડિયાને કારણે ભાવનગર શહેરના રાજકારણમાં ચર્ચા જાગી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક