દસ દિવસમાં કિલોએ રૂ. 15 સુધીની
તેજી થયા પછી હવે ભાવ અટકશે
રાજકોટ, તા.17 (ફૂલછાબ ન્યૂઝ)
: ગરમીના દિવસોમાં વધુ વપરાશમાં આવતી ડુંગળી અછતને લીધે મોંઘી થઇ જતા ચાલુ વર્ષના ટોચના
ભાવ બોલાવા લાગ્યા છે. ભારે વરસાદ પછી સ્ટોકમાં બગાડ, નબળા સ્ટોક અને નવા પાકની આવકમાં
વરસાદે વિક્ષેપ પાડતા રિટેઇલ બજારમાં ડુંગળી કિલોદીઠ રૂ. 60-70માં વેચાવા લાગી છે.
નવી આવક થાય ત્યાં સુધી આશરે એકાદ મહિનો ડુંગળી સસ્તી થાય એમ નથી.
ડુંગળીના અગ્રણી વેપારીઓ કહે
છેકે, પાછલા પંદર દિવસમાં ભાવ પ્રતિ કિલો રૂ. 10-15 જેટલા વધી ગયા છે. તેજી માટે સરકારે
લઘુત્તમ ટેકાના ભાવની મર્યાદા નિકાસ બજારમાં હટાવી દીધી એ મોટું કારણ છે. જોકે એ ઉપરાંત
પણ અછતના કારણોથી તેજી થઇ છે.
ચોમાસાનો વરસાદ ઓગસ્ટના અંતે
અટક્યો છે. એ પછી મેડાંઓ ખૂલતા વ્યાપક બગાડ નીકળ્યો છે. એ ઉપરાંત ઉત્પાદક પ્રદેશોમાં
વરસાદથી થોડું ઝાઝું નુકસાન પણ ઉભા પાકમાં દેખાતા તેજી ચાલી છે. જોકે પ્રવર્તમાન સમયે
ટોચના ભાવ છે એમાં હવે મોટી તેજી મુશ્કેલ છે.
મહુવા યાર્ડમાં ડુંગળીનો ભાવ
મણે રૂ. 100-960 સુધી હતો. યાર્ડમાં આવક માત્ર 2-3 હજાર ગુણી થાય છે. મહ્નવા પંથકમાં
સ્ટોક પણ 60-70 હજાર ગુણી જેટલો જ હોવાની સંભાવના છે. બીજી તરફ રાજકોટમાં 800-900 મણની
આવકે રૂ. 350-995ના ભાવ હતા. રિટેઇલ બજારમાં રૂ. 60-70માં ડુંગળી મળે છે.
વેપારીઓ કહે છેકે, ડુંગળીના ભાવ
ઉંચા રહેવાને લીધે ગુજરાતમાં ચોમાસા દરમિયાન ખૂબ વાવેતર થયું છે. જેની આવક ઓક્ટોબરમાં
શરૂ થશે. જોકે એ સિવાય કર્ણાટકમાં ખૂબ સારા વાવેતર છે. આંધ્રપ્રદેશમાં ઘટાડો છે. રાજસ્થાનમાં
અમુક વિસ્તારોમાં ખૂબ સારો પાક છે તો ક્યાંક નબળો પડી ગયો છે. મહારાષ્ટ્રમાં પણ પાક
સારો થયો છે. નવેમ્બર મહિનામાં ડુંગળી ફરીથી સસ્તી થઇ જશે તેમ વેપારીઓ કહી રહ્યા છે.