• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

યાત્રાધામ દ્વારકાના વિકાસ માટે કમિટીની રચના કરતી રાજ્ય સરકાર

ઓખા, દ્વારકા નગરપાલિકા, બેટ દ્વારકા, શિવરાજપુર બીચના વિકાસ માટે અલાયદું સત્તામંડળ: ધનરાજ નથવાણીનો સમાવેશ

દ્વારકા, તા.14: કેન્દ્ર તથા રાજ્ય સરકારની મહત્ત્વાકાંક્ષી યોજનાઓમાં યાત્રાધામ દ્વારકામાં વિકાસલક્ષી કોરીડોર સામેલ છે ત્યારે ભવિષ્યના આયોજનોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે દ્વારકાના વિકાસ માટેની વિશેષ કમિટીની રચનાની જાહેરાત કરી છે. દ્વારકા, ઓખા નગરપાલિકા માટે અલાયદી સત્તામંડળની રચના કરવાની જાહેરાત કરાઈ છે.

દ્વારકા યાત્રાધામના વિકાસ માટેની વિશેષ કમિટીના અધ્યક્ષપદે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે. જ્યારે સદસ્યોમાં મેમ્બર સેક્રેટરી પદે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર તેમજ સદસ્યો તરીકે દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણી, સ્થાનીય ધારાસભ્ય પબુભા માણેક અને સચિવ કક્ષા અધિકારીગણમાં રાજ્ય ચીફ સેક્રેટરી, એડીશનલ ચીફ સેક્રેટરી (રેવન્યુ) અને એડીશનલ ચીફ સેક્રેટરી (ફાઈનાન્સ) તથા પ્રીન્સીપાલ સેક્રેટરી અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડેવલોપમેન્ટ તેમજ સેક્રેટરી ટુરીઝમ દેવસ્થાન મેનેજમેન્ટ અને સિવિલ એવીએશન અને પીલગ્રીમેજ અને કમીશન ઓફ મ્યુનીસીપાલીટીઝ, એડમીનીસ્ટ્રેશન વગેરેનો સમાવેશ કરાયો છે.

અત્રે નોંધનીય છે કે દેશના તીર્થ ક્ષેત્રોના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે જેમાં પણ ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ ગણાતી યાત્રાધામ દ્વારકાને વધુને વધુ સુવિધાસભર બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી અંગત રસ લઈ રહ્યા છે ત્યારે આગામી સમયમાં દ્વારકા કોરીડોરનું નિર્માણ કરી આધ્યાત્મિક નગરીનાં સર્વાંગી વિકાસ સાથે વિશ્વફલક પર ધર્મભૂમિને ગ્લોબલ ટુરીઝમ હબ તરીકેનું મહત્ત્વનું સ્થાન મળે તે દિશામાં પગલા લેવામાં આવનાર છે ત્યારે આ કમીટીની રચનાથી આ દિશામાં પાયો નાખવાની પ્રક્રિયા થતાં આ સમિતિ આગામી વિકાસકાર્યોમાં ચાવીરૂપ ભૂમિકા ભજવતી જોવા મળશે.

ચાલુ વર્ષે ફેબ્રુઆરી માસમાં બેટ દ્વારકાને જમીન માર્ગે જોડતા સુદર્શન સેતુના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીએ દ્વારકાના વિકાસને વેગ આપવાના સંકેતો આપ્યા હતા. જે પછી દ્વારકા કોરીડોર પ્રેજેક્ટ સબંધે તબક્કાવાર મીટીંગ-આયોજનો યોજ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા દ્વારકા નગરપાલીકા, ઓખા નગરપાલીકા, બેટ દ્વારકા તેમજ શિવરાજપુર બીચ સહિતના વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે અલાયદી સત્તામંડળની રચનાની જાહેરાત કરાઈ છે જેની અમલવારી માટે પણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક